શિયાળામાં બરફાચ્છાદિત હિમાલયને ખૂંદવાની ઇચ્છા હોય તો ચોક્કસ મુક્તા ટૉપ જઈ શકાય એવું કહેવાનું છે બોરીવલીના ૨૪ વર્ષના ટ્રાવેલર પૂર્વેશ બોરીચાનું. પહેલા લૉકડાઉન પછી જ્યારે તે અહીં ગયો એ વખતનો તેનો અનુભવ જાણીએ
અલગારી રખડપટ્ટી
ઉત્તરાખંડના મુક્તા ટૉપ પર શિયાળુ ટ્રેક કરવા જેવો છે
આ જગ્યા ટ્રાવેલર્સમાં ખાસ પ્રખ્યાત નથી થઈ એટલે હજી કમર્શિયલ બની નથી. શિયાળામાં બરફાચ્છાદિત હિમાલયને ખૂંદવાની ઇચ્છા હોય તો ચોક્કસ મુક્તા ટૉપ જઈ શકાય એવું કહેવાનું છે બોરીવલીના ૨૪ વર્ષના ટ્રાવેલર પૂર્વેશ બોરીચાનું. પહેલા લૉકડાઉન પછી જ્યારે તે અહીં ગયો એ વખતનો તેનો અનુભવ જાણીએ
‘કુદરત પાસે એ જાદુ છે કે એની પાસે તમે જ્યારે પણ જાવ ત્યારે એ તમને આપે જ છે - પછી એ મનની શાંતિ હોય, પ્રસન્નતા હોય કે જીવનમાં ક્યારેય ભૂલી ન શકાય એવા અનુભવો હોય. મને કોઈ પૂછે કે સહ્યાદ્રિના પર્વતો ગમે કે હિમાલય તો હું પસંદ ન કરી શકું, કારણ કે બંને મારા માટે ખૂબ ખાસ છે. બંને પહાડોએ મને અઢળક આપ્યું છે અને એટલે જ હું ફરી-ફરીને એમની પાસે જતો હોઉં છું. મન એ બાબતે ક્યારેય ધરાતું નથી.’
ADVERTISEMENT
આ શબ્દો છે બોરીવલીમાં રહેતા ૨૪ વર્ષના પૂર્વેશ બોરીચાના. તેણે પહાડો સાથે દોસ્તી નાની ઉંમરથી કરી લીધી હતી. હાલમાં ફૅમિલીનો ગાર્મેન્ટ્સનો બિઝનેસ સંભાળતો પૂર્વેશ સહ્યાદ્રિ પર્વતમાળાના જુદા-જુદા અઢળક ટ્રેક્સ કરી ચૂક્યો છે અને છેલ્લાં બે-ત્રણ વર્ષથી હિમાલય ભણી તેણે કદમ આગળ વધાર્યાં છે. છેલ્લાં થોડાં વર્ષોમાં તે મનાલી, નૈનીતાલ, કેદારકંઠ સુધી જઈ આવ્યો છે. હિમાલયને વધુ ને વધુ જોવાની-જાણવાની ઇચ્છા ધરાવતો પૂર્વેશ કહે છે, ‘હિમાલયની રેન્જ વિશાળ છે. દરેક ટ્રેક જુદો હોય છે અને દરેક ટ્રેકની પોતાની ખૂબી છે જેમાંથી ઘણું જોવા-જાણવા મળે.’
આ પણ વાંચો : ઘોંઘાટવાળી પાર્ટી બોરિંગ લાગતી હોય તો ચાલો કૅમ્પિંગ અને ટ્રેકિંગ કરવા
બરફની ચાદર
ફર્સ્ટ લૉકડાઉનમાં ઘરમાં બંધ રહીને ગૂંગળાઈ જનારા ટ્રાવેલરમાં પૂર્વેશ પણ એક હતો. જેવું બધું ખૂલ્યું એટલે તેણે તરત જ એક ટ્રેકની તૈયારી કરી લીધી હતી. પહોંચવાનું હતું ઉત્તરાખંડના દેહરાદૂન અને ટ્રેક હતો મુક્તા ટૉપ. ઉત્તરાખંડમાં આવેલા ઉત્તરકાશી પાસે ખાસ જાણીતો કે ટ્રાવેલર્સમાં હજી સુધી પૉપ્યુલર ન બન્યો હોય એવો ઓછો એક્સપ્લોર થયેલો ટ્રેક એટલે મુક્તા ટૉપ. લો અલ્ટિટ્યુડ એટલે કે જેની ઊંચાઈ સમુદ્રતળથી વધારે ન હોય એવા ટ્રેક્સમાં એની ગણતરી થાય છે જેને લીધે એ ખૂબ અઘરો ટ્રેક નથી. ઊલટું બિગિનર્સ પણ થોડી હિંમત ભેગી કરીને અહીંનો શિયાળુ ટ્રેક કરી શકે છે. ૩૬૦૮ મીટરની ઊંચાઈ પર આવેલી આ આખી જગ્યા શિયાળામાં બરફથી છવાઈ જાય છે. એ વિશે વાત કરતાં પૂર્વેશ કહે છે, ‘જ્યાં જુઓ ત્યાં બરફની સફેદ ચાદર, નિર્જન જગ્યા, નીરવ શાંતિ, પ્રકૃતિનું સુખ અને બસ તમે. આ વર્ણન સાંભળીને મારા જેવા તો ત્યાં જવા લલચાઈ જ જાય. મેં અઢળક ટ્રેક કર્યા હતા, પણ બરફ પર ક્યારેય ચાલ્યો નહોતો. બરફ પર ચાલવાના, પર્વત ચડવાના અને સ્નો-ફૉલ માણવાના જબરદસ્ત ઉત્સાહ સાથે હું દેહરાદૂન પહોંચ્યો અને ત્યાંથી ઉત્તરકાશી ગયો. ત્યાં ટ્રેકના બેઝમાં એક રાત રોકાઈને સવારે અમે ચડાણ શરૂ કર્યું.’
પહેલો અનુભવ
ક્યારેય બરફમાં ચાલ્યા ન હો ત્યારે એ ખૂબ જ જરૂરી છે કે તમે કોઈ ગાઇડની દેખરેખમાં ત્યાં જાવ તથા ગાઇડની બધી સૂચનાઓને સમજો અને એનું પાલન કરો એમ જણાવીને પૂર્વેશ કહે છે, ‘કોઈ પણ ટ્રેકિંગમાં ગાઇડનું મહત્ત્વ ઘણું છે. ખાસ કરીને ત્યારે જ્યારે તમે ક્યારેય એ ટ્રેક પર ગયા જ ન હો. મને બરફમાં ટ્રેક કરવાનો કોઈ અનુભવ નહોતો એટલે ગાઇડ સાથે અમે જુદી-જુદી જગ્યાએથી આવેલા ૪૦ જણ આ ટ્રેકમાં જોડાયા હતા. આ ટ્રેક પાંચથી સાત દિવસનો હતો, જેમાં દરરોજ અમે ચારથી છ કલાક બરફમાં ચાલતા. સવારે ચાલવાનું શરૂ કરીએ પછી બપોરે એક મોટો બ્રેક લઈએ અને ફરી સૂર્યાસ્ત સુધી ચાલીએ. એમ આખો ટ્રેક અમે કર્યો. એમાં પાંચમા દિવસે ટૉપ ઉપર પહોંચીને નીચે આવવાનું થયું હતું. દરરોજ અમે પાંચથી છ કિલોમીટર ઍવરેજ ચડાણ કરતા હતા.’
બરફમાં ટ્રેકિંગ
બરફમાં ચાલતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ એની સમજ આપતાં પૂર્વેશ કહે છે, ‘બરફમાં ચાલવા માટે સૌથી પહેલાં તો એ ધ્યાન રાખવાનું કે તમારી પાસે એનાં સ્પેશ્યલ શૂઝ અને સ્નો-ગાર્ડ હોવાં જોઈએ. ફક્ત થર્મલવેઅર નહીં, અંદરથી ઠંડી ન લાગે અને બહાર રેઇનકોટ જેવાં કપડાં પહેરવાં જેથી બરફ ત્યાં અડે તો એ ભીનાં ન થાય. જો ખાલી ઊનનાં કપડાં હોય તો એ ભીનાં થઈ જાય અને વધુ ઠંડી લાગે. લગભગ પાંચેક લેયર જેટલાં કપડાં પહેરવાં પડે છે. બીજું એ કે ત્યાં બરફના ઢગલાઓમાં એ સમજવું અઘરું છે કે કેટલે સુધી નરમ બરફ છે અને તમે પગ મૂકશો તો અંદર ખૂંપી જશો કે નહીં. એટલે મોટા ભાગના લોકો પોતાની પાસે લાકડી રાખે છે. આગળ લાકડી જ્યાં સુધી ઘૂસે ત્યાં તમને સમજાય કે પગ ક્યાં મૂકવો અને ક્યાં નહીં. આમ તો ગાઇડ હોય એટલે સરળ થઈ જાય. તે જ્યાં ચાલે ત્યાં તેની પાછળ ચાલવાનું એટલે તકલીફ ન પડે. વળી અમારા ગાઇડે જણાવેલું કે ધીમે ચાલી શકાય તો પણ વાંધો નહીં. મુખ્ય એ છે કે પહેલો પગ એકદમ ફિક્સ હોય ત્યારે જ બીજો પગ ઉપાડવો. નહીંતર પડી જવાશે.’
વિશેષતાઓ શું?
મુક્તા ટૉપ માટે ઉત્તરકાશીથી કુફલોન (૪,૬૦૦ ફીટ), શીલાદુની, ચૈથાથર (૯,૬૦૦ ફીટ), મુક્તા તાલ (૧૦, ૮૦૦) થઈને પછી મુક્તા ટૉપ (૧૧,૩૭૮ ફીટ ઊંચાઈ) પર પહોંચાય છે. આ બધાં સ્થળો એકબીજાથી પાંચથી સાત કિલોમીટરના અંતરે આવેલાં છે. આમ તો જાન્યુઆરીથી જૂન આ જગ્યા માટે બેસ્ટ સમય ગણાય છે, પરંતુ પૂર્વેશ ડિસેમ્બરમાં ત્યાં ગયેલો જ્યારે ત્યાં એક અને બે ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. આમ તો આખો શિયાળો ત્યાંનું તાપમાન લગભગ આટલું જ રહે છે. ત્યાંના બરફનો અનુભવ ઘણો જ આહલાદક છે એમ કહીને આ ટ્રેક દરમિયાન પોતાનો અનુભવ વર્ણવતાં પૂર્વેશ કહે છે, ‘આ ટ્રેકમાં હિમાલયનો જે પૅનોરેમિક વ્યુ જોવા મળે છે એ બેસ્ટ છે. બંદર પૂંછ, ગંગોરી, જાઓન્લી, કાલાનાગ અને નાગ ટિબ્બાની ચોટી જોઈ શકાય છે. ત્યાં એક ચોટીનું નામ છે દ્રોપદી કા ડંડા. આ ઉપરાંત કોઈનેય શ્વાસની તકલીફ પડે એવો આ ટ્રેક નથી, કારણ કે આ ટ્રેક એટલી ઊંચાઈ પર નથી. બાકી તો ઊંચાઈને કારણે જે માઉન્ટન સિકનેસ હોય એ લોકોને શરૂ થઈ જાય, પરંતુ આ ટ્રેકમાં એવું થતું નથી.”
વર્જિન ટ્રેક
આ ટ્રેક ખાસ જાણીતો ન હોવાને લીધે વધુ લોકો અહીં આવતા નથી. સામાન્ય રીતે તમે બરફના ટ્રેક્સ કરવા જાવ ત્યારે તમને એ બરફ પર લોકોનાં પગલાં જોવા મળે જ, પરંતુ અહીં પગલાં જોવા નહીં મળે. બરફની એક પણ સળ વગરની ચાદર જાણે પાથરી દીધી હોય એવો ભાસ થાય. એની મજા જુદી છે. એટલે જ આ ટ્રેકને વર્જિન ટ્રેક કહે છે. પોતાના અનુભવ વિશે વાત કરતાં પૂર્વેશ કહે છે, ‘અહીં આમ તો ઓછું પાણી પીવાની જરૂર પડે, પરંતુ ખુદ સાથે લઈને અમે ચાલીએ. એ પાણી ખતમ થઈ જાય પછી આજુબાજુ જે નદી થીજી ગઈ હોય એનો બરફ લઈને અમે એને બોન-ફાયરમાં ઓગાળીએ અને એ પાણી પીએ. આ પાણી એટલું ફ્રેશ અને સરસ હોય છે કે એની શુદ્ધતા પર તમને કોઈ ડાઉટ થાય જ નહીં.’
હિંમત બંધાશે
કોઈ પણ વ્યક્તિએ બીજા અઘરા સ્નો-ટ્રેક કરવા હોય તો પહેલાં એક વખત મુક્તા ટ્રેકનો અનુભવ કરી લેવો એવું જણાવતાં પૂર્વેશ કહે છે, ‘અહીં ગયા પછી હું કેદારકંઠ પણ જઈ આવ્યો. એને આના કરતાં અઘરો ટ્રેક માનવામાં આવે છે. મુક્તા ટૉપનો અનુભવ મને ત્યાં ખૂબ કામ લાગ્યો. આ જ રીતે હું હિમાલયના બીજા ટ્રેક્સ પણ કરવા ઇચ્છું છું.’