કેવી રીતે જવાય? જયપુર રેલવે-સ્ટેશનથી મંદિર જસ્ટ સાત જ કિલોમીટર દૂર છે. અહીં ટૅક્સી, રિક્ષા કે લોકલ બસ બધું જ મળી રહે છે.
જયપુરના ધ્વજાધીશ ગણેશ.
૧૮મી સદીમાં રાજસ્થાનમાં જયપુરની સ્થાપના થઈ એનાં થોડાં વર્ષો પહેલાં મહારાજા સવાઈ જય સિંહ દ્વિતીયે અશ્વમેધ યજ્ઞ કર્યો હતો. આ યજ્ઞકાર્યના પ્રારંભ માટે તેમણે ગણેશજીનું મંદિર બનાવ્યું હતું. કહેવાય છે કે ૩૦૦ વર્ષ જૂના ગઢ ગણેશ મંદિરમાં ઉંદરોના કાનમાં કહેલી વાત ગણેશજી સુધી પહોંચી જાય છે
જીવનનું કોઈ પણ નવું મંગળ કાર્ય આરંભવાનું હોય, એની શરૂઆત ગણેશજીની આરાધનાથી જ થતી આવી છે. વિઘ્નહર્તા અને મંગલકર્તા એવા આપણા પ્રથમ આરાધ્ય દેવનાં એકદંત, લંબોદર અને ગજમુખ એ ત્રણ મુખ્ય સ્વરૂપો છે. ગજાનનની કલ્પના કરતાં જ હાથી જેવું મોટું મોં અને લાંબી સૂંઢ, દુંદાળું પેટ અને તૂટેલો એક દાંત નજર સામે તરવરવા લાગે. ગણેશજીનાં વિવિધ સ્વરૂપો ધરાવતાં સેંકડો મંદિરો ભારતમાં છે અને દરેક ગણેશજીની વિશેષતાઓ અને પરંપરાઓ પણ અનોખી છે. જ્યારે ભાદરવા મહિનામાં ગણેશોત્સવ ઊજવાય છે ત્યારે સાર્વજનિક મંડળોમાં અને ઘરોમાં પણ અનેકવિધ સ્વરૂપના ગણેશજી જોવા મળે છે. જોકે ભારતમાં એકમાત્ર એવું અનોખું મંદિર છે જ્યાં ગણેશજી સૂંઢ વિનાના છે.
જયપુરમાં અરાવલી પર્વત પર સ્થિત દેશનું આ એવું પહેલું મંદિર છે જ્યાં ગણેશજીના સ્વરૂપમાં ગજમુખ છે પણ સૂંઢ નથી. જ્યારે પણ સેંકડો વર્ષ જૂના મંદિરની વાત થતી હોય ત્યારે એ મૂર્તિ સ્વયંભૂ હોવાની વાતો બહુ ચર્ચાતી હોય છે. જોકે ૩૦૦ વર્ષ જૂના આ મંદિરની મૂર્તિ આપમેળે નથી બની, પરંતુ ખાસ સૂચના સાથે એક જ શિલામાંથી કોતરણી કરીને બનાવેલી છે.
ADVERTISEMENT
કોણે બનાવ્યું મંદિર?
ગઢ ગણેશ નામથી પ્રસિદ્ધ આ મંદિર ૧૮મી શતાબ્દીમાં જયપુરની સ્થાપના કરતાં પહેલાં નિર્માણ કરવામાં આવ્યું હતું. મહારાજા સવાઈ જયસિંહ દ્વિતીયે જયપુરની સ્થાપના ૧૭૨૭ની સાલમાં કરેલી. એ પહેલાં તેમણે અજેય અશ્વમેધ યજ્ઞ આરંભેલો. કોઈ પણ યજ્ઞકાર્યની શરૂઆત હંમેશાં ગણેશસ્તુતિથી થતી હોય છે એટલે મહારાજા જય સિંહ દ્વિતીયે ગણેશસ્થાપનાથી પ્રારંભ કરાવેલો. એક જ શિલામાંથી ગણેશજીની પ્રતિમા બનાવડાવી. મંદિરને અરાવલી પર્વતમાળા પર એવી ઊંચાઈએ બનાવ્યું કે જેથી પોતાના ચંદ્ર મહલમાંથી જ મંદિરનાં દર્શન કરી શકાય. આજે પણ સિટી પૅલેસ તરીકે ઓળખાતા ચંદ્ર મહલની એક ખાસ બારીએથી દૂરબીન મૂકીને ડાયરેક્ટ ગણેશજીનાં દર્શન થઈ શકે છે. કહેવાય છે કે સવાઈ જયસિંહ દ્વિતીય રોજ સવારે ઊઠીને સૌથી પહેલાં ગઢ ગણેશજીનાં દર્શન કરીને જ દિવસની શરૂઆત કરતા. પોતાની આસ્થા માટે તેમણે સ્થાપત્યકલાનો અદ્ભુત નમૂનો તૈયાર કરાવેલો. આ જ મંદિરની સાથે જોડાયેલું છે બાડી ચૌપડમાં આવેલું ધ્વજાધીશ ગણેશ મંદિર. એને પણ આ જ મંદિરનો હિસ્સો માનવામાં આવે છે.
મંદિરમાં જવા માટે ૩૬૫ પગથિયાં છે.
ખરા સંદેશાવાહક મૂષક
ગઢ ગણેશ મંદિર બહુ પ્રાચીન નથી. એનું સ્થાપત્ય પણ બહુ જૂનું નથી. અહીં કશું જ પૌરાણિક નથી, પરંતુ ઐતિહાસિક પરંપરાઓ સાથે જોડાયેલું જરૂર છે. આ ગણેશજીની પૂજા કરવાની પરંપરાઓ અનોખી છે. એની વિશિષ્ટ પૂજા પદ્ધતિઓમાં ગજાનનનું વાહન મૂષક બહુ જ મહત્ત્વનું છે. ગણેશજીની મૂર્તિમાં ઊપસેલી સૂંઢનો ભાગ નથી પરંતુ એક ખાંચો છે જેમાં પ્રભુને પ્રિય ચીજોનો ભોગ મૂકવામાં આવે છે. મંદિર પરિસરની બહાર બે મોટા મૂષકોની પણ પ્રતિમા છે. એ જ છે ખરા સંદેશાવાહક. તમારે કોઈ પણ માનતા રાખવી હોય, મનની કોઈ વાત પ્રભુને પહોંચાડવી હોય તો મૂષકના કાનમાં વાત કરવાની. શ્રદ્ધાળુઓ મૂષકોના કાનમાં પોતાના દિલની વાત કહી શકે છે. એવી માન્યતા છે કે આ વાત સીધી ગણેશજી સુધી પહોંચે છે અને જો કંઈક મનોકામના માગી હોય તો એ પૂર્ણ થાય છે.
જયપુરના રાજાજીએ જો કોઈ કામ કરતાં પહેલાં ગણેશજીની આરાધના કરી હોય તો અહીંની પ્રજા કેમ પાછી પડે? ભક્તો દરેક શુભ કાર્યનું પહેલું આમંત્રણ ગઢ ગણેશને ચડાવે છે. કેટલાક લોકો તો મંદિરના પોસ્ટલ ઍડ્રેસ પર પત્રો લખીને મનની વાત પ્રભુને પહોંચાડે છે.
૩૬૫ દિવસનું પ્રતીક
ગઢ ગણેશનું મંદિર અરાવલીની પર્વતમાળામાં આવેલું છે, પરંતુ એ મધ્યમ ઊંચાઈએ છે. સિટી પૅલેસથી આ મંદિર જોઈ શકાય એ માટે વચ્ચેની જગ્યામાં બહુમાળી ઇમારતોને આજેય પરવાનગી નથી મળતી. પર્વત પર કિલ્લો બાંધીને એમાં નાનકડો પણ પૂરતી સુવિધાઓવાળો મંદિર પરિસર તૈયાર કરવામાં આવ્યો છે. મંદિરની સીડીઓ પરથી જયપુર શહેરનું કુદરતી સૌંદર્ય જોવાનો પણ અનોખો લહાવો છે. મંદિર સુધી પહોંચવા માટે ૩૬૫ દાદરાની સીડી છે. ૩૬૫ દાદરા જ રાખ્યા છે એની પાછળ પણ એક કારણ છે. વર્ષમાં ૩૬૫ દિવસ છે એટલે દરેક પગલે ગણેશજીનું નામ બોલીને ચડો તો આખું વર્ષ દર્શન કર્યાનું પુણ્ય મળે. દાદરા ચડીને મંદિર પહોંચવાનું થોડુંક થકવી નાખનારું છે, પરંતુ પરિસરમાં ખૂબ જ શાંતિ અને સુકૂન મહેસૂસ થાય છે.

સૂંઢ વિનાના બાળ ગણેશ
ક્યાં છે મંદિર?
નાહરગઢ ફોર્ટ અને જયગઢ ફોર્ટની નજીક અરવલ્લીની પર્વતમાળા પર મંદિર આવેલું છે. એમાં પુરુષાકૃતિ ધરાવતા બાળ ગણેશનું સ્વરૂપ બિરાજમાન છે. આમ તો મંદિર અઠવાડિયાના સાતેય દિવસ હંમેશાં ખુલ્લું રહે છે. જોકે દર્શનનો સમય સવારે સાડાપાંચથી બપોરે ૧૨ અને સાંજે ૪થી સાડાનવ વાગ્યા સુધીનો જ હોય છે. બુધવારે પુષ્ય નક્ષત્રની તિથિ, ચતુર્થીના દિવસે અહીં વિશેષ પૂજા થાય છે અને રાતના મોડે સુધી મંદિર ખુલ્લું રહે છે. ગણેશ ચતુર્થી દરમ્યાન અહીં પાંચ દિવસનો મેળો ભરાય છે.


