Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ફિલ્મી અને કૉર્પોરેટ લગ્નોમાં મેંદી મૂકવા માટે ફેવરિટ બની રહી છે સુરતની મિસ્ત્રી સિસ્ટર્સ

ફિલ્મી અને કૉર્પોરેટ લગ્નોમાં મેંદી મૂકવા માટે ફેવરિટ બની રહી છે સુરતની મિસ્ત્રી સિસ્ટર્સ

Published : 11 March, 2026 09:32 AM | IST | Surat
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાનાં ઉદયપુરમાં સંપન્ન થયેલાં ભવ્ય લગ્નની તસવીરો ઇન્ટરનેટ પર ખૂબ વાઇરલ થઈ

બહેન ચિન્કી અને ટીમ સાથે સોના મિસ્ત્રીનો સેલ્ફી, સુનીતા કપૂરને મેંદી મૂકતી સોના અને ક્રિતી સૅનનના હાથમાં મેંદી મૂકતી સોના.

બહેન ચિન્કી અને ટીમ સાથે સોના મિસ્ત્રીનો સેલ્ફી, સુનીતા કપૂરને મેંદી મૂકતી સોના અને ક્રિતી સૅનનના હાથમાં મેંદી મૂકતી સોના.


રશ્મિકા મંદાનાના હાથની મેંદીની ડિઝાઇને ચાહકોનાં દિલ જીતી લીધાં છે. મેંદી-આર્ટિસ્ટ સોના અને ચિન્કીએ દુલ્હનના હાથમાં શિવ-શક્તિની એનર્જી દર્શાવીને અનોખી છાપ છોડી છે. ​ક્રિતી સૅનનની બહેન નૂપુરનાં લગ્નમાં તથા ગૌતમ અદાણીના દીકરા જીતનાં લગ્નમાં પણ આ મિસ્ત્રી સિસ્ટર્સે જ મેંદી મૂકી હતી. સેલિબ્રિટીઝની ફેવરિટ બની ગયેલી સુરતની આ બહેનોએ આ સફર કઈ રીતે તય કરી અને તેમની કલાકારી કેવો રંગ લાવી એ જોઈ લો

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાનાં ઉદયપુરમાં સંપન્ન થયેલાં ભવ્ય લગ્નની તસવીરો ઇન્ટરનેટ પર ખૂબ વાઇરલ થઈ. દુલ્હનના ડ્રેસિંગ, મેકઅપ અને ઘરેણાંની સાથે તેના હાથમાં લગાડેલી મેંદીની ડિઝાઇને બધાનું ધ્યાન ખેંચ્યું. દુલ્હનના હાથમાં શિવ-શક્તિની એનર્જીને હાઇલાઇટ કરનારી સુરતની મેંદી-આર્ટિસ્ટ સોના મિસ્ત્રી અને તેની બહેન ચિન્કી કઈ રીતે સેલિબ્રિટીઝની ફર્સ્ટ ચૉઇસ બની ગઈ એની કહાણી પણ એની યુનિક ડિઝાઇન જેટલી જ દિલચસ્પ છે. તેની આ જર્ની વિશે વાત કરતાં પહેલાં સોના પાસેથી જાણીએ કે તેણે રશ્મિકાના હાથમાં કેવી ડિઝાઇન બનાવી હતી.



શક્તિશાળી એલિમેન્ટ્સ


સોના કહે છે, ‘લગ્નના ત્રણ મહિના અગાઉ બુકિંગ લેવામાં આવ્યું હતું. દ​ક્ષિણ ભારતમાં મેંદીનું ખાસ ચલણ નથી એટલે રશ્મિકાએ મિનિમલ મેંદી મૂકવાનું અગાઉથી જણાવી દીધું હતું. વિડિયો-કૉલ દ્વારા તેની સાથે વાતચીત થતી. તે આધ્યાત્મિક વ્યક્તિ છે. તેને મૅસ્ક્યુલિન-ફીમેલ એનર્જીને હાઇલાઇટ કરવી હતી. એમાં ભારતીય સંસ્કૃતિ પણ દેખાવી જોઈએ એવો આગ્રહ હતો.

શિવ-શક્તિ આધ્યાત્મિક જોડાણનું પ્રતીક છે. દુલ્હનના એક હાથમાં ‘ૐ’ બનાવવામાં આવ્યો હતો અને બીજા હાથમાં માતા પાર્વતીનું સુંદર ચિત્ર રચવામાં આવ્યું હતું. આ સાથે કન્નડા ભાષામાં ‘શિવ’ અને તેલુગુમાં ‘શક્તિ’ લખી આપ્યું હતું. ત્રિશૂળ, સ્વસ્તિક, ચંદ્ર, સૂર્ય જેવાં પવિત્ર અને શક્તિશાળી એલિમેન્ટ્સને પણ ડિઝાઇનમાં સમાવી લેવાયાં હતાં. આર્ટિસ્ટ તરીકે રશ્મિકાની એક વાત હૃદયને સ્પર્શી ગઈ હતી. ખાસ મેંદી માટે ઊભા કરવામાં આવેલા સ્ટેજ અને સોફા પર બેસવાને બદલે તેણે નીચે પલાંઠી વાળીને મેંદી મુકાવી હતી જે તેનું સાદગીભર્યું વ્યક્તિત્વ દર્શાવે છે. આ પ્રસંગ બાદ અમારી ડિઝાઇન ફરી એક વાર ચર્ચાનો વિષય બની છે. જોકે આ સફર જરાય સરળ નહોતી.’


લૅપટૉપની જગ્યાએ મેંદીનો કોન

સોનાનો જન્મ મૂળ રાજસ્થાનના પણ સુરતમાં સ્થાયી થયેલા મારવાડી પરિવારમાં થયો છે. બે બહેનો અને બે ભાઈઓનું બાળપણ સુખ-સમૃદ્ધિમાં વીત્યું છે. સંતાનોનો અભ્યાસ ચાલતો હતો એ દરમ્યાન તેમના પપ્પાને ધંધામાં ખોટ જતાં ઘરમાં આર્થિક તંગી શરૂ થઈ હતી. સોનાની ઉચ્ચ અભ્યાસમાં રુચિ જોઈને પપ્પાએ તેને ભણવાની છૂટ આપી. સૉફ્ટવેર એન્જિનિયર બન્યા પછી સોનાને નોકરી કરવી હતી. રૂઢિચુસ્ત મારવાડી પરિવારમાં નોકરી કરવાનો પ્રશ્ન જ નહોતો. સોના કહે છે, ‘મમ્મી-પપ્પાનો સપોર્ટ હતો, પણ તેમને સમાજની બીક લાગતી હતી. લોગ ક્યા કહેંગે? આ ડર સહેલાઈથી જતો નથી. છોકરી છું તો શું પગભર ન થઈ શકું? મારવાડીઓમાં મેંદી લગાવવાની પરંપરા છે અને એને શુકન માનવામાં આવે છે. સ્કૂલલાઇફથી મારું ડ્રૉઇંગ સારું હતું. પપ્પા આર્કિટેક્ટ હતા એટલે જીન્સમાં પણ હતું. પગભર થવા આજુબાજુમાં રહેતી મારવાડી મહિલાઓને ૫૦ રૂપિયામાં મેંદી મૂકી આપતી. લૅપટૉપની જગ્યાએ હાથમાં મેંદીનો કોન આવી ગયો. ચિન્કી મારી બૅકબોન બની. તેને પણ મેંદી મૂકવામાં રસ હતો. શરૂઆતથી બન્ને બહેનો સાથે જ છીએ. મને હજી યાદ છે કે એક વાર ૬ જણને એકસાથે મેંદી મૂકવામાં મારો અંગૂઠો સૂજી ગયો હતો. પપ્પા અડધી રાતે ડૉક્ટર પાસે લઈ ગયા હતા. મમ્મી વઢ્યાં કે ૬૦૦ રૂપિયા માટે આટલી બધી મગજમારી કરી. બહારના ઑર્ડર મળતા ત્યારે લોકોનું બહુ સાંભળ્યું છે. ‘રાતે મોડેથી આવે છે, ખોટા ધંધા કરતી હશે’ એવી વાતો પણ સાંભળી. બહારગામનો પહેલો ઑર્ડર પૉન્ડિચેરીનો આવ્યો ત્યારે સગાંસંબંધીઓએ ઘણી ખણખોદ કરી. પૈસા બચાવવા ટ્રેનના જનરલ કોચમાં પ્રવાસ કર્યો. પપ્પાનો ભરોસો અમારી તાકાત બન્યો. કોરોનાકાળમાં અમારી જર્નીએ વળાંક લીધો.’

શેરી-આર્ટિસ્ટથી સેલિબ્રિટીઝ સુધી

કોવિડમાં કોઈની પાસે કામ નહોતું. એ વખતે મોટા ભાગના લોકો સોશ્યલ મીડિયા પર પોતાની આર્ટ રજૂ કરતા હતા. સોના અને ચિન્કી પણ મેંદીની ડિઝાઇન અપલોડ કરતી હતી. ઇન્ટરનેટ પર તેમની ડિઝાઇન વાઇરલ થતાં એક અંગ્રેજી મૅગેઝિને એનો ઉલ્લેખ કર્યો. એક દિવસ બૉલીવુડના અભિનેતા અનિલ કપૂરનાં પત્ની સુનીતા કપૂરે સોનાને મેસેજ કર્યો, ‘તમારી ડિઝાઇન ખૂબ સુંદર છે. તમે ક્રીએટિવ આર્ટિસ્ટ છો...’ બસ ત્યારથી પાછાં વળીને નથી જોયું એમ જણાવતાં સોના કહે છે, ‘કોવિડમાં ડિજિટલ મીડિયાનો જમાનો આવ્યો અને મારું જીવન બદલાઈ ગયું. બૉલીવુડમાં એન્ટ્રી મળી એનું શ્રેય સુનીતા કપૂરને જાય છે. કરવાચોથની મેંદી બાદ સેલિબ્રિટીઝ લગ્નોમાં બુકિંગ મળવા લાગ્યાં. મારી સફળ કારકિર્દીમાં સોશ્યલ મીડિયાનો બહુ મોટો રોલ છે. મોટા વેડિંગ-પ્લાનર્સથી લઈ રાજનેતા, બિઝનેસ-ટાયકૂન સાથે ઓળખાણ થઈ. ૩૦ વર્ષની ઉંમરે અમને લોકોનો જે પ્રેમ મળ્યો છે એ મેળવતાં લોકોને વર્ષો લાગે છે. અનોખી ડિઝાઇન, વ્યાવસાયિક પ્રતિબદ્ધતા અને પરંપરાગત કલાને આધુનિક સ્પર્શ આપવાની વિશેષ શૈલીએ વૈશ્વિક સ્તરે વિશિષ્ટ ઓળખ અપાવી છે. ૧૭થી વધુ દેશોમાં જઈને મેંદી મૂકી છે. કાન ફિલ્મફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર ચાલનારી સેલિબ્રિટીઝના હાથમાં મારી મેંદી હોય એ મારું સપનું છે. હું જેકાંઈ કરું એમાં મારું શ્રેષ્ઠ આપું એ સિદ્ધાંતને વળગી રહી એટલે ૫૦ રૂપિયાથી શરૂ કરેલી સફર આજે ૧૦ લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ. હું દૃઢપણે માનું છું કે પૅશન અને હૉબીથી કાંઈ નથી થતું. તમારામાં કંઈક કરી બતાવવાની ભૂખ હોવી જોઈએ. ભૂખ લાગે ત્યારે કામ કરવાની મજા આવે. એક જ અફસોસ છે કે મારી આ સફળતા જોવા પપ્પા ન રહ્યા.’

આ સેલિબ્રિટીઝે મુકાવી છે સોના પાસે મેંદી

આજના સમયમાં સોના અને ચિન્કી મિસ્ત્રી ઝડપથી બૉલીવુડ સેલિબ્રિટીઝ અને ભારતના પ્રતિષ્ઠિત તથા સમૃદ્ધ પરિવારોની પ્રથમ પસંદગી બની ગઈ છે. આવતા સમયમાં તે ભારતીય વેડિંગ-ઇન્ડસ્ટ્રીમાં નવી ઊંચાઈઓ સ્થાપિત કરી શકે છે. ક્રિતી સૅનનની બહેન નૂપુરનાં લગ્નમાં તેમણે જ બન્નેને મેંદી મૂકી હતી. આ ઉપરાંત અત્યાર સુધીમાં તેણે તમન્ના ભાટિયા, હુમા કુરેશી, સિતારવાદક રિષભ રખીરામ શર્મા, ગુજરાતી લોકગાયિકા કિંજલ દવે, ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકર, બિગ બૉસ ફેમ આરતી સિંહ, દિલ્હીનાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા અને રણવીર સિંહનાં મમ્મીને પણ મેંદી મૂકી છે. ગૌતમ અદાણીના દીકરા જીત અદાણીનાં લગ્નમાં પણ મેંદી મૂકવા ગઈ હતી. પાનમસાલા, મિલ્ટન ફૅક્ટરી, ગોદરેજ વગેરેની બિગ ફૅટ ઇવેન્ટમાં તે પહેલી પસંદગી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

11 March, 2026 09:32 AM IST | Surat | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK