આજની પેઢી કમિટમેન્ટ-ફોબિક છે. સ્પષ્ટ રીતે સમજાવું તો કોઈને બંધનમાં નથી બંધાવું તેમ છતાં વફાદારી જોઈએ છે. આધુનિક સમયનો ડાયલૉગ છે કે અમને ભૂતકાળ સાથે કોઈ લેવાદેવા નથી, પરંતુ હકીકત એ છે કે બધાને જ વ્યક્તિના ભૂતકાળથી ફરક પડે છે. ડૉ. ખેવના દેસાઈ
ખુશી કપૂર અને જુનૈદ ખાન
થોડા સમય પહેલાં સમાચાર હતા કે ઇન્દોરમાં ૧૫૦ જેટલાં લગ્ન કૅન્સલ થયાં એમાં ૬૨ ટકા બ્રેકઅપ પાછળ જૂની સોશ્યલ મીડિયા પોસ્ટ કારણભૂત હતી. ભારતમાં લગ્ન તોડવાનાં ઘણાં કારણો પહેલેથી જ અસ્તિત્વમાં છે એમાં સોશ્યલ મીડિયા નવું કારણ બન્યું છે. કે પછી એવું તો નથીને કે મૉડર્ન હોવાનો ઢોંગ તોડવામાં સોશ્યલ મીડિયા નિમિત્ત બન્યું છે?
સોશ્યલ મીડિયાએ લોકો એકબીજા સાથે કેવી રીતે સંપર્ક કરે છે, પોતાનું જીવન કેવી રીતે શૅર કરે છે અને સંબંધો કેવી રીતે બનાવે છે એમાં મોટું પરિવર્તન લાવ્યું છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર, વૉટ્સઍપ જેવાં પ્લૅટફૉર્મ્સે લોકોને ખૂબ જ નજીક લાવી દીધા છે. ભલે આ માધ્યમોએ વાતચીત અને નેટવર્કિંગ સરળ બનાવ્યું હોય, પરંતુ સાથે-સાથે ખાસ કરીને સંબંધોના ક્ષેત્રમાં નવાં દબાણો પણ ઊભાં કર્યાં છે. ઘણા લોકો માટે સોશ્યલ મીડિયા પર પર્ફેક્ટ જીવન દર્શાવવાનું દબાણ પ્રેમસંબંધો અને લગ્ન બન્ને માટે અસ્વાભાવિક અપેક્ષાઓ ઊભી કરી છે. લગ્નનો દિવસ પરંપરાગત રીતે જીવનનો એક અત્યંત મહત્ત્વપૂર્ણ પ્રસંગ માનવામાં આવે છે, આજે એ દિવસનો વિડિયો કેવી રીતે વાઇરલ બનાવવો એ માટે ખાસ ટીમ બનાવવામાં આવી રહી છે. સોશ્યલ મીડિયા પ્રી-વેડિંગ વિધિઓથી લઈને હનીમૂનના ફોટોઝ સુધી દરેક નાની વિગત શૅર કરવા પ્રોત્સાહન આપે છે અને ઇન્ટરનેટ પર અંગત જીવનની પળો ક્યારેક ઊલટી અસર પણ કરી શકે છે. જેમ કે ગયા નવેમ્બર-ડિસેમ્બરમાં ઇન્દોરમાં ૧૫૦ લગ્ન કૅન્સલ થયાં જેમાં ૬૨ ટકા લગ્ન તૂટવાના કારણમાં સોશ્યલ મીડિયાની જૂની પોસ્ટ કારણભૂત હતી. એક સમય હતો જ્યારે લગ્ન તૂટવાનાં કારણો ઘરઆંગણા સુધી સીમિત રહેતાં. પરિવારમાં ગેરસમજ થઈ કે સ્વભાવ ન મળવા કે કૌટુંબિક દબાણ જેવાં પરિબળો સામાન્ય હતાં, પરંતુ હવે એમાં સોશ્યલ મીડિયાની પોસ્ટ સામાન્ય બની રહી છે. એક જૂનો ફોટો, એક લાઇક, એક સ્ક્રીનશૉટ કે એક વાઇરલ પોસ્ટના પગલે મહિનાઓથી નક્કી થયેલાં લગ્ન ક્ષણોમાં રદ થઈ જાય છે. સોશ્યલ મીડિયાનાં પ્લૅટફૉર્મ હવે માત્ર સંપર્કનું સાધન નથી રહ્યાં; એ વિશ્વાસ, પ્રતિષ્ઠા અને સંબંધોની કસોટી બની ગયાં છે. આ ડિજિટલ યુગમાં કેટલીયે સેલિબ્રિટીઝ પોતાનાં લગ્ન, બ્રેકઅપ અને ડિવૉર્સના સમાચાર કે ઘોષણા માટે આ પ્લૅટફૉર્મનો ઉપયોગ કરે છે. નિષ્ણાતો પાસેથી જાણીએ કે શું સોશ્યલ મીડિયા સમાજને બદલી રહ્યું છે અને સંબંધોને નબળા બનાવી રહ્યું છે કે પછી આ તથ્યો સોશ્યલ મીડિયાને કારણે સામે આવ્યાં છે?
ADVERTISEMENT
સમાજનું એક્સટેન્શન
મીઠીબાઈ કૉલેજનાં સમાજશાસ્ત્રનાં પ્રાધ્યાપક અને વાઇસ પ્રિન્સિપાલ ડૉ. ખેવના દેસાઈ કહે છે, ‘જ્યારે સોશ્યલ મીડિયાની વાત કરીએ તો આપણે એને નવું, પ્રોગ્રેસિવ કે આધુનિક પ્લૅટફૉર્મ સમજતા હતા, જે ખોટું પુરવાર થઈ રહ્યું છે. સોશ્યલ મીડિયા એ આપણા સમાજનું એક્સટેન્શન છે. સમાજમાં જે પુરુષપ્રધાન ટૉક્સિસિટી હતી એ આજે સોશ્યલ મીડિયા પર ટ્રોલિંગના રૂપે જોઈ શકાય છે. એવું નથી કે સોશ્યલ મીડિયા આપણને જૂની વિચારસરણી તરફ લઈ જઈ રહ્યું છે, પરંતુ સમાજમાં જે રૂઢિવાદ છે એ નક્કર થઈને સામે આવી રહ્યો છે. ટૂંકમાં સોશ્યલ મીડિયા સમાજમાં પહેલેથી જ અસ્તિત્વ ધરાવતા રૂઢિવાદને રીઇન્ફોર્સ કરે છે. કંઈ પણ ખોટું થાય તો આપણે ધર્મ પર પ્રહાર નથી કરતા, આપણે સ્ત્રી પર હુમલો કરીએ છીએ. સોશ્યલ મીડિયાએ સમાજની કડવી વાસ્તવિકતા વૈશ્વિક કરી દીધી છે. મુખ્ય મુદ્દા પર આવીએ કે કેવી રીતે કોઈ સોશ્યલ મીડિયાને કારણે લગ્ન તોડી શકે? તો આજે પણ આપણા માટે લગ્ન સામાજિક સ્ટેટસનો સંકેત છે અને અંતિમ સંસ્થા છે. લગ્ન બે પરિવાર કે બે વ્યક્તિઓ માટે થતાં જ નથી, એ સામાજિક હોદ્દા માટે જ થાય છે. ધારો કે કપલ ૧૨ કે ૧૫ વર્ષથી લિવ-ઇન સંબંધમાં સાથે રહેતું હોય અને તેમને સમાજની મહોર જોઈએ તો તેઓ લગ્ન કરશે. સમાજની સ્વીકૃતિ માટે લગ્ન અનિવાર્ય છે, બાકી બે વ્યક્તિઓ કાગળિયા વગર કે કાગળિયા સાથે રહી જ શકે છે. વ્યક્તિનો ભૂતકાળ પણ લગ્ન સમયે સમાજની સ્વકૃતિ માગે છે. એટલે સોશ્યલ મીડિયા પરથી જ તમારી પ્રતિષ્ઠા નક્કી થઈ રહી છે. છોકરા કે છોકરી તમારા પરિવારનો હિસ્સો બને એ પહેલાં તેનું સોશ્યલ મીડિયા સ્ટેટસ કેવું છે એ ચેક થાય છે.’
વ્યક્તિનું બૅકગ્રાઉન્ડ ચેક
સોશ્યલ મીડિયા સ્ટેટસ અને વ્યક્તિનું અંગત જીવન અલગ પણ હોઈ શકે છે જે સમજવા માટે સમાજ કદાચ સક્ષમ નથી એમ જણાવતાં ડૉ. ખેવના દેસાઈ કહે છે, ‘આજની પેઢી કમિટમેન્ટ-ફોબિક છે. સ્પષ્ટ રીતે સમજાવું તો કોઈને બંધનમાં નથી બંધાવું તેમ છતાં વફાદારી જોઈએ છે. આધુનિક સમયનો ડાયલૉગ છે કે અમને ભૂતકાળ સાથે કોઈ લેવાદેવા નથી, પરંતુ હકીકત એ છે કે બધાને જ વ્યક્તિના ભૂતકાળથી ફરક પડે છે. સોશ્યલ મીડિયા પોસ્ટને કારણે જે લગ્ન તૂટી રહ્યાં છે એમાં એ પણ અભ્યાસ કરવો પડે કે કોના ભૂતકાળથી સમાજને વધારે ફરક પડે છે, છોકરીના કે છોકરાથી? શહેરી વિસ્તારોમાં કૉલેજ જતી છોકરી બહાર ફરતી હોય એ સ્વીકાર્ય છે. ચાર છોકરાની વચ્ચે એક છોકરી સિગારેટ ફૂંકતી હોય એ પણ આપણને સ્વીકાર્ય છે. એ છોકરી કોઈની ગર્લફ્રેન્ડ હોય તો પણ આપણને પ્રૉબ્લેમ નથી, પરંતુ એ છોકરી મારા ઘરની વહુ ન બનવી જોઈએ એ વિચારસરણી આંખ સામે તરી આવે છે. અરેન્જ્ડ મૅરેજમાં લગ્ન નક્કી કરતાં પહેલાં છોકરા કે છોકરીનું બૅકગ્રાઉન્ડ ચેક થાય છે. પહેલાંના સમયમાં લોકો છોકરા કે છોકરીનું કૅરૅક્ટર જાણવા માટે બિલ્ડિંગના ચોકીદાર કે પાડોશીને પૂછતા હતા. હવે આપણે એ જ તપાસ સોશ્યલ મીડિયા પર કરીએ છીએ. અમારા ઓળખીતાના એક કેસની વાત કરું તો તેઓ દીકરી માટે યોગ્ય પાત્ર શોધી રહ્યા છે. તેમનું સૌથી પહેલું પગથિયું છે કે છોકરાનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ચેક કરો, પછી આગળ વાત કરીએ. એટલે છોકરા કે છોકરીના કૅરૅક્ટર માટે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક એક ચેકપૉઇન્ટ બની ગયું છે. જ્યારે યુવાન છોકરા કે છોકરી કંઈક પોસ્ટ કરે કે વિડિયો મૂકે ત્યારે એ લોકો એમ નથી વિચારતા કે મને સમાજ વહુ કે જમાઈ તરીકે કેવી રીતે જોશે. મોટા ભાગે સોશ્યલ મીડિયા પર લોકો પોતે જેવા છે એ એક્સપ્રેસ કરતા હોય છે. એમાં એવું પણ બની શકે કે કોઈ પબમાં જઈને દારૂનો ગ્લાસ હાથમાં લીધો હોય એવો ફોટો મૂકે છે. અહીં વ્યક્તિએ પોતાની પ્રોફાઇલમાં નૉન-ડ્રિન્કર લખ્યું હોય અને માત્ર શોખ માટે ફોટો મૂક્યો હોય. અહીં સમાજનું અર્થઘટન જુદી-જુદી રીતે થઈ શકે છે. સમાજના અર્થઘટનનો પ્રિઝમ કેવી રીતે બદલાશે એ કહેવું મુશ્કેલ છે, પરંતુ સંબંધોનું ગણિત અત્યારથી જોઈ શકાય છે.’
ભાવિ પેઢીના સંબંધો કેવા હશે?
આવતાં ૧૦ વર્ષમાં યુવાનોના સંબંધોમાં શું થશે એના અંદેશ નક્કી થઈ શકે છે, કારણ કે અત્યારે એક વર્ગ એવો પણ છે જે સોશ્યલ મીડિયાથી દૂર જઈ રહ્યો છે. ડૉ. ખેવના દેસાઈ કહે છે, ‘યુવાનો એમ પણ વિચારતા થયા છે કે આ એક ફેક દુનિયા છે. લગ્ન નહીં તૂટે એવું નથી, પરંતુ શક્ય છે કે સોશ્યલ મીડિયાનો પ્રભાવ તેમના પર ઓછો થઈ જશે. પરંતુ એના કારણે સંબંધો મજબૂત બનશે એવું ન કહી શકાય. માનો કે વ્યક્તિ એક લિવ-ઇન સંબંધ છોડીને બીજા સાથે લિવ-ઇનમાં રહે છે. તો સાથે તેમને વિશ્વાસના પ્રશ્નો, કમિટમેન્ટમાં શંકા કે ચરિત્રના પ્રશ્નો ઊભા થવાના જ છે. સોશ્યલ મીડિયા હોય કે ન હોય, ભવિષ્યના સંબંધોમાં આ સમસ્યાઓ વધવાની જ છે.’ આ જ વિચારમાં સૂર પુરાવતાં ૨૦ કરતાં વધારે વર્ષનાં અનુભવી ફૅમિલી-કાઉન્સેલર સુચિત્રા ભીડે કહે છે, ‘આધુનિક સમયમાં સંબંધ કે લગ્ન તૂટવાનાં કારણો હજી પણ જૂનાં છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં આવા કેસિસ મને ઓછા જોવા મળ્યા છે, પરંતુ અન્ય રાજ્યોમાં લોકો વચ્ચે સમજણ અને પ્રૅક્ટિકલિટીનો અભાવ જોવા મળ્યો છે. મૉડર્ન ટાઇમમાં લોકો લગ્ન મોડાં કરતા થયા છે. છોકરો કે છોકરી ૩૦ વર્ષે લગ્ન કરે છે. આ ઉંમર સુધી તેમની ગર્લફ્રેન્ડ કે બૉયફ્રેન્ડ ન રહ્યો હોય એવું ભાગ્યે જ બને છે, પરંતુ જ્યારે લગ્ન થવાનો સમય આવે ત્યારે જૂની પોસ્ટમાં કંઈ મળી આવે અને ત્યારે છોકરા કે છોકરીના ચરિત્રને સમાજના લેન્સથી જોવામાં આવે એ તો જૂની માનસિકતા જ દર્શાવે છે. મારી પાસે આવતા લોકોને લગ્ન પહેલાં પરિવારોના કાઉન્સેલિંગની સલાહ આપું છું જેથી અંત સમયે કોઈ જૂની વાતને લઈને લગ્ન તૂટવાની પરિસ્થિતિ ઊભી ન થાય. આજે સંબંધો આમ પણ બહુ જ નાજુક હોય છે. એને તૂટવા માટે એક સોશ્યલ મીડિયા પોસ્ટ પણ કાફી છે.’
