Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ઈ-બુક અવેલેબલ હોવા છતાં ફિઝિકલ કૉપીમાં જ પુસ્તક વાંચવાનું શા માટે બહેતર છે?

ઈ-બુક અવેલેબલ હોવા છતાં ફિઝિકલ કૉપીમાં જ પુસ્તક વાંચવાનું શા માટે બહેતર છે?

Published : 27 November, 2026 09:11 AM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

મોબાઇલ, ટૅબ્લેટ અને કિન્ડલના યુગમાં પણ કાગળના પુસ્તકનો સ્પર્શ, પાનાં ફેરવવાનો અનુભવ અને બુકશેલ્ફ સાથે જોડાયેલી લાગણીઓ લોકોને ફરીથી કેમ આકર્ષી રહી છે? ચાલો થોડાક ઊંડા ઊતરીએ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મૉડર્નાઇઝેશન આવ્યું એટલે લોકો પુસ્તકો છોડીને ડિજિટલ બુક્સ તરફ વળી ગયેલા. જોકે ફરીથી પહેલાં જેવો યુગ પાછો આવ્યો છે. મોબાઇલ, ટૅબ્લેટ અને કિન્ડલના યુગમાં પણ કાગળના પુસ્તકનો સ્પર્શ, પાનાં ફેરવવાનો અનુભવ અને બુકશેલ્ફ સાથે જોડાયેલી લાગણીઓ લોકોને ફરીથી કેમ આકર્ષી રહી છે? ચાલો થોડાક ઊંડા ઊતરીએ

મોબાઇલમાં એક ક્લિક કરો અને આખું પુસ્તક તમારી સામે. ન ટેબલ પર જગ્યા રોકતી બુક, ન બૅગમાં વધારાનું વજન અને ન તો કોઈ ચોક્કસ પુસ્તક શોધવા માટે બુકશેલ્ફ ફંફોસવાની જરૂર. કિન્ડલ કે ટૅબ્લેટમાં તો એકસાથે સેંકડો પુસ્તકો સાચવી શકાય. આટલી સુવિધા હોવા છતાં જ્યારે કોઈ વ્યક્તિ નવી બુક હાથમાં લે છે, કવર પર હાથ ફેરવે છે, પાનું ખોલે છે અને વાંચવાનું શરૂ કરે છે ત્યારે તેને મળતો સંતોષ અલગ જ હોય છે. તમને પણ ક્યારેક એવું લાગે છે કે મોબાઇલ પર વાંચેલું પુસ્તક વાંચ્યું તો ખરું પણ હાથમાં પુસ્તક લઈને વાંચવાનો અનુભવ જ કંઈક અલગ છે? હકીકતમાં આ માત્ર નૉસ્ટૅલ્જિયા નથી. પુસ્તકનો સ્પર્શ, પાનાંની ગોઠવણી, વાંચતી વખતે બનતો માનસિક નકશો, પોતાની નોંધો અને વર્ષો પછી એ જ પુસ્તકમાંથી મળતી જૂની યાદો વાંચનને એક વ્યક્તિગત અનુભવ બનાવી દે છે.



ડિજિટલ યુગમાં વાંચવાની રીત ચોક્કસ બદલાઈ છે. ઑડિયોબુક, ઈ-બુક અને પોર્ટેબલ ડૉક્યુમેન્ટ ફૉર્મેટ (PDF)ને કારણે વાંચન વધુ સરળ અને હાથવગું બન્યું છે; છતાં ફિઝિકલ બુક માટેનો લગાવ આજે પણ ઘણા વાચકોમાં જોવા મળે છે. એનું કારણ માત્ર આદત નથી, એની પાછળ વાંચનની માનસિક પ્રક્રિયા, સંવેદનાત્મક અનુભવ અને પુસ્તક સાથે જોડાતી લાગણીઓ પણ જવાબદાર છે.


વાંચેલું યાદ રહેવામાં મદદ કરે છે

કોઈ પુસ્તક વાંચતા હો ત્યારે ક્યારેય એવું બન્યું છે કે ચોક્કસ વાત ક્યાં લખી હતી એ તમને શબ્દશઃ યાદ ન હોય, છતાં એ પાનું ક્યાં હતું એ યાદ હોય? ક્યારેક તો પાનાની ડાબી કે જમણી બાજુ, ઉપર કે નીચેનો ભાગ પણ યાદ આવી જાય છે. ફિઝિકલ બુકમાં વાંચતી વખતે આવી ભૌતિક વિગતો પણ વાંચનનો એક ભાગ બની જાય છે. આ વિશે મુલુંડના અનુભવી સાઇકોલૉજિસ્ટ જાન્વી ઠક્કર કહે છે, ‘ફિઝિકલ બુક વાંચતી વખતે વાચક માત્ર શબ્દોને જ પ્રોસેસ નથી કરતો. પાનાંની ગોઠવણી, પુસ્તકનું કદ, હાથમાં રહેલું એનું વજન અને પાનાં ફેરવવાની પ્રક્રિયા જેવી બાબતો પણ વાંચનના અનુભવ સાથે જોડાય છે. આ સેન્સિટિવ અનુભવ વાંચેલી માહિતી સાથે વધુ મજબૂત માનસિક જોડાણ બનાવવામાં મદદ કરી શકે છે. આ જ કારણસર પરીક્ષાની તૈયારી કરતા ઘણા વિદ્યાર્થીઓને PDFની સરખામણીમાં પ્રિન્ટેડ નોટ્સમાંથી વાંચવું વધુ સરળ લાગે છે. તેમને યાદ રહે છે કે કોઈ ચોક્કસ ટૉપિક પાનાંના કયા ભાગમાં હતો કે કયા પેજ પર તેમણે કોઈ મહત્ત્વની વાત હાઇલાઇટ કરી હતી.’


પુસ્તકમાં એકાગ્રતા કેમ લાગે છે?

મોબાઇલ પર પુસ્તક વાંચવા બેઠા અને વચ્ચે એક નોટિફિકેશન આવ્યું. નોટિફિકેશન ખોલ્યું એટલે મેસેજ, પછી સોશ્યલ મીડિયા અને થોડી જ વારમાં વાંચવાનું પુસ્તક પાછળ રહી ગયું. આ અનુભવ આજના સ્માર્ટફોનના યુગમાં સામાન્ય છે. ફિઝિકલ બુક અહીં એક સિંગલ-પર્પઝ ઑબ્જેક્ટ તરીકે કામ કરે છે. એમાં મેસેજ, નોટિફિકેશન કે બીજી ઍપ્લિકેશન વચ્ચે આવીને ધ્યાન ભટકાવતી નથી. વાચક પુસ્તક ખોલે છે અને તેનું ધ્યાન મુખ્યત્વે લખાણ પર જ રહે છે. આ ઉપરાંત સ્ક્રીન પર વાંચતી વખતે ઝડપથી સ્ક્રોલ કરવાની આદત વિકસે છે. ફિઝિકલ બુકમાં પાનું ફેરવવાની પ્રક્રિયા વાંચનની ગતિને સ્વાભાવિક રીતે થોડી ધીમી રાખે છે. આ ધીમું વાંચન લાંબા લેખ, નવલકથા કે વિચારપ્રધાન પુસ્તક વાંચતી વખતે લખાણને સમજવા અને એના પર વિચારવા માટે વધુ સમય આપે છે.

પુસ્તકની સુગંધ પણ કંઈક કહે છે

નવી બુક ખોલતાં આવતી કાગળ અને શાહીની સુગંધ ઘણા લોકો માટે વાંચનના અનુભવનો ખાસ ભાગ છે. જૂનાં પુસ્તકોની સુગંધ તો ઘણી વખત સીધી કોઈ જૂની યાદ સાથે જોડાઈ જાય છે. જાન્વી ઠક્કર કહે છે, ‘સુગંધનો યાદશક્તિ અને લાગણીઓ સાથે ગાઢ સંબંધ છે. કોઈ ચોક્કસ પુસ્તકની સુગંધ વ્યક્તિને એ પુસ્તક વાંચતી વખતનો સમય, સ્થળ કે એની સાથે જોડાયેલી કોઈ યાદ ફરી યાદ અપાવી શકે છે. આ પ્રકારનો સંવેદનાત્મક અનુભવ ડિજિટલ વાંચનમાં મળતો નથી.’

એટલે જ પુસ્તક માત્ર આંખોથી વાંચવાની વસ્તુ નથી રહેતું. એનો કાગળ, સ્પર્શ, વજન, પાનાં ફેરવવાનો અવાજ અને સુગંધ મળીને વાંચનનો એક સંપૂર્ણ અનુભવ બનાવે છે.

વાંચન સાથે તમારી પોતાની વાર્તા પણ લખાય

ફિઝિકલ બુકની એક ખાસિયત એ છે કે એમાં વાચકની પોતાની નિશાનીઓ રહી જાય છે. કોઈ ગમતી લાઇન નીચે પેન્સિલથી કરેલી અંડરલાઇન, હાંસિયામાં લખેલી નાની નોંધ, વાળેલું પાનું કે વચ્ચે મૂકેલો બુકમાર્ક વર્ષો પછી એ પુસ્તકને ફરી ખોલતાં વ્યક્તિને તેના પોતાના ભૂતકાળ સાથે જોડી શકે છે. માની લો, વર્ષો પછી તમે કબાટમાંથી તમારી જૂની મનપસંદ નવલકથા કાઢો અને એની વચ્ચે એક જૂની રેલવે-ટિકિટ કે સુકાયેલું ફૂલ મળી આવે. એ ક્ષણે તમને માત્ર પુસ્તક યાદ નહીં આવે, એ સમય પણ યાદ આવશે જ્યારે તમે એ પુસ્તક વાંચ્યું હતું.

કોઈ પાના પર પડેલો કૉફીનો ડાઘ પણ ક્યારેક યાદ બની જાય છે. કોઈ પેજ પર કરેલી તમારી પોતાની નોંધ તમને એ સમયના તમારા વિચારો સુધી પાછા લઈ જાય છે. આ રીતે ફિઝિકલ બુક ધીમે-ધીમે વ્યક્તિના જીવનની નાની-નાની યાદો સાચવતી ટાઇમ-કૅપ્સ્યુલ બની જાય છે.

બુકશેલ્ફ પણ વ્યક્તિત્વની ઓળખ બની શકે

ઘરમાં બુકશેલ્ફ રાખવાનું કારણ માત્ર પુસ્તકો ગોઠવવા પૂરતું નથી. તમે કયા પ્રકારનાં પુસ્તકો વાંચો છો, કયા લેખકો તમને ગમે છે અને કયા વિષયનાં પુસ્તકો તમે સાચવી રાખો છો એની ઝલક તમારા બુકશેલ્ફમાંથી પણ મળી શકે છે.

કોઈના ઘરે જઈને બુકશેલ્ફમાં આપણું મનપસંદ પુસ્તક દેખાય અને તરત જ વાત શરૂ થઈ જાય, ‘અરે, તમે પણ આ પુસ્તક વાંચ્યું છે?’ આ એક નાનકડો સવાલ ઘણી વખત લાંબી અને આત્મીય વાતચીતમાં બદલાઈ શકે છે.

જાન્વી ઠક્કર જણાવે છે, ‘બુકશેલ્ફ વ્યક્તિના રસ, મૂલ્યો અને બૌદ્ધિક ઓળખનો એક ભાગ બની શકે છે. આપણે કયાં પુસ્તકો સાચવી રાખીએ છીએ એ ઘણી વખત આપણા વ્યક્તિત્વ વિશે પણ કંઈક સંકેત આપે છે. સમાન પુસ્તકો વાંચતા લોકો વચ્ચે વાતચીત અને કનેક્શનની શરૂઆત પણ આ રીતે થઈ શકે છે.’

ડિજિટલ લાઇબ્રેરીમાં તમારી પાસે કેટલાં પુસ્તકો છે એ કદાચ કોઈને ખબર નહીં પડે. ફિઝિકલ બુકશેલ્ફમાં તમારી વાંચનની દુનિયા સામે દેખાય છે. એટલે જ બુકશેલ્ફ ઘણી વખત ઘરની સજાવટનો ભાગ બનવાની સાથે વ્યક્તિગત ઓળખનું પ્રતિબિંબ પણ બની જાય છે.

ફિઝિકલ બુક એટલે ધીમું થવાનો એક મોકો

દિવસભર નોટિફિકેશન, ઈ-મેઇલ, સોશ્યલ મીડિયા, કામ અને સતત સ્ક્રીન વચ્ચે આપણું ધ્યાન એક જગ્યાએ લાંબો સમય ટકાવવું મુશ્કેલ બનતું જાય છે. આવી સ્થિતિમાં ફિઝિકલ બુક વાંચવી એ દિવસ દરમ્યાન થોડો સમય સ્ક્રીનથી દૂર રહેવાનો સરળ રસ્તો બની શકે છે. પુસ્તક ખોલવું, આરામથી બેસવું, પાનાં ફેરવવાં અને એક જ વિષય પર ધ્યાન આપવું... આ આખી પ્રક્રિયા મનને થોડા સમય માટે ડિજિટલ ગતિથી અલગ કરે છે. વાંચન દરમ્યાન આપણે સતત આવતા મેસેજ કે અપડેટ્સની દુનિયાથી થોડા સમય માટે બહાર નીકળી શકીએ છીએ. આ વિશે જાન્વી ઠક્કર કહે છે, ‘ફિઝિકલ બુક સાથે વાંચવાની પ્રક્રિયા વ્યક્તિને એક સમયે એક જ પ્રવૃત્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવાની તક આપે છે. ડિજિટલ વિક્ષેપો ઓછા હોવાથી કેટલાક લોકોને આ અનુભવ વધુ શાંત અને માઇન્ડફુલ લાગી શકે છે.’

પસંદગી વ્યક્તિગત છે

ઈ-બુકની પોતાની અનેક સુવિધાઓ છે. એક જ ડિવાઇસમાં અનેક પુસ્તકો લઈ જઈ શકાય, ફૉન્ટનું કદ બદલી શકાય, તરત કોઈ શબ્દનો અર્થ શોધી શકાય અને પ્રવાસ દરમ્યાન પણ સરળતાથી વાંચી શકાય. ફિઝિકલ બુકમાં આ પ્રકારની સુવિધા નથી. છતાં ફિઝિકલ બુકનું આકર્ષણ એની બીજી જ બાબતોમાં છે. એ વાંચનને માત્ર માહિતી મેળવવાની પ્રક્રિયા રહેવા દેતું નથી, એને એક સંવેદનાત્મક અને વ્યક્તિગત અનુભવમાં ફેરવી દે છે.

કદાચ એટલે જ ટેક્નૉલૉજી આગળ વધી રહી હોવા છતાં બુકશેલ્ફ ખાલી થયાં નથી, કારણ કે કેટલાક લોકો માટે પુસ્તકમાં લખાયેલી વાર્તા જેટલી જ મહત્ત્વની એ પુસ્તક સાથે જોડાયેલી પોતાની વાર્તા પણ હોય છે.

તમે કયા પ્રકારના વાચક છો? 
 તમને પાનાં પર નોંધો કરવી ગમે છે? તો ફિઝિકલ બુક તમારા માટે વધુ અનુકૂળ હોઈ શકે.
 વાંચેલી વાત કયા પાને હતી એ યાદ રહે છે? તો પ્રિન્ટેડ બુકનો અનુભવ તમને વધુ અસરકારક લાગી શકે.
 પ્રવાસ દરમ્યાન વાંચવાનું વધુ હોય છે? તો ઈ-બુક વધુ પ્રૅક્ટિકલ છે.
 એકસાથે અનેક પુસ્તકો વાંચો છો? તો ઈ-બુક વધુ સુવિધાજનક વિકલ્પ બની શકે.
 પુસ્તક વાંચતી વખતે મોબાઇલના નોટિફિકેશનથી ધ્યાન ભટકે છે? તો ફિઝિકલ બુક તમને વધુ ફોકસ્ડ વાંચન આપી શકે.
 પુસ્તક સાથે લાગણી જોડાય છે અને વાંચેલી બુક સાચવી રાખવી ગમે છે? તો તમારા માટે ફિઝિકલ બુક માત્ર વાંચવાનું માધ્યમ નથી, વ્યક્તિગત વસ્તુ પણ છે.

વાંચનનો અનુભવ વધુ અસરકારક બનાવવા અજમાવો આ ટિપ્સ
સૂવાના આશરે ૩૦ મિનિટ પહેલાં મોબાઇલ બાજુ પર મૂકી ફિઝિકલ બુકનાં પાંચથી ૧૦ પાનાં વાંચવાની આદત પાડો.
ગમતી લાઇન અંડરલાઇન કરો અથવા હાંસિયામાં નાની નોંધ લખો. આ રીતે વાંચન વધુ ઍક્ટિવ બને છે અને પછીથી મહત્ત્વના મુદ્દા શોધવામાં પણ સરળતા રહે છે.
પાનાનો ખૂણો વાળવાને બદલે સુંદર બુકમાર્ક, જૂની ટિકિટ કે ફોટોગ્રાફનો ઉપયોગ કરો. વર્ષો પછી એ નાની વસ્તુ પણ પુસ્તક સાથે જોડાયેલી યાદ બની શકે છે.
ઘરમાં કોઈ શાંત જગ્યા પસંદ કરીને ત્યાં આરામદાયક ખુરસી, નાનું બુકશેલ્ફ અને યોગ્ય લાઇટિંગ રાખો. વાંચવા માટે અલગ જગ્યા હોવાથી નિયમિત વાંચનની આદત વિકસાવવામાં સરળતા રહે છે.
મનપસંદ પુસ્તક મિત્રો કે પરિવારજનોને વાંચવા આપો. પુસ્તકની સાથે એના વિશેના વિચારો અને ચર્ચા પણ શૅર કરો. વાંચનનો અનુભવ વધુ રસપ્રદ બનશે.

Whatsapp-channel Whatsapp-channel

27 November, 2026 09:11 AM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK