સર દોરાબજી તાતા ટ્રસ્ટ અને આર. ડી. તાતા ટ્રસ્ટે તાતા સન્સ અને ૬ ડિરેક્ટર્સ સામે દાવો માંડીને કુલ ૬૫ કરોડ રૂપિયાના વળતરની માગણી કરી.
એન. ચંદ્રશેખરન
સર દોરાબજી તાતા ટ્રસ્ટ (SDTT) અને આર. ડી. તાતા ટ્રસ્ટ (RDTT) દ્વારા ગુરુવારે બૉમ્બે હાઈ કોર્ટમાં તાતા સન્સ અને એના ૬ ડિરેક્ટર્સ સામે દાવો દાખલ કરવામાં આવ્યો છે જેમાં એન. ચંદ્રશેખરનની ત્રીજી પાંચ વર્ષની મુદત માટે એક્ઝિક્યુટિવ ચૅરમૅન તરીકેની ફેરનિમણૂકને પડકારવામાં આવી છે. કોર્ટ આજે આ મામલે સુનાવણી હાથ ધરશે.
SDTT દ્વારા ૫૦ કરોડ રૂપિયા અને RDTT દ્વારા ૧૫ કરોડ રૂપિયાના વળતરની માગણી વાર્ષિક ૧૮ ટકા વ્યાજ સાથે કરવામાં આવી છે. દાવા મુજબ એન. ચંદ્રશેખરનની ફેરનિમણૂક માટે ૧૭ સપ્ટેમ્બરે તાતા સન્સના બોર્ડમાં પસાર કરાયેલો ઠરાવ અમાન્ય હતો, કારણ કે એને કંપનીના આર્ટિકલ્સ ઑફ અસોસિએશન (AoA)ના આર્ટિકલ ૧૨૧ હેઠળ જરૂરી હકારાત્મક મત મળ્યો નહોતો.
બન્ને ટ્રસ્ટ વતી હાજર રહેલા સિનિયર કાઉન્સેલ જનક દ્વારકાદાસે ગુરુવારે જસ્ટિસ આરિફ ડૉક્ટરની સિંગલ બેન્ચ સમક્ષ આ દાવાનો ઉલ્લેખ કરીને તાત્કાલિક સુનાવણીની માગણી કરી હતી. જોકે જસ્ટિસ આરિફ ડૉક્ટરે કોઈ કારણ આપ્યા વિના આ કેસમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો. ત્યાર બાદ વૈકલ્પિક બેન્ચ પર બેઠેલા જસ્ટિસ અભય આહુજા સમક્ષ આ દાવા રજૂ કરવામાં આવ્યા હતા. જનક દ્વારકાદાસે કોર્ટને જણાવ્યું હતું કે ૩૦ નવેમ્બરે યોજાનારી તાતા સન્સની બોર્ડ મીટિંગ પહેલાં સુનાવણી જરૂરી છે. જસ્ટિસ અભય આહુજાએ જણાવ્યું હતું કે આ અરજીઓ પર શુક્રવારે સુનાવણી થશે.
ADVERTISEMENT
તાતા સન્સના ચૅરમૅન તેમનો કાસ્ટિંગ વોટ ન આપી શકે એવી માગણી
આ અરજીમાં તાત્કાલિક રાહત તરીકે એવી માગણી કરવામાં આવી છે કે ૩૦ નવેમ્બરની બોર્ડ મીટિંગ દરમ્યાન નૉમિની ડિરેક્ટર્સ વચ્ચે મતભેદ ઊભા થાય તો તાતા સન્સના ચૅરમૅનને તેમનો કાસ્ટિંગ વોટ (નિર્ણાયક મત) વાપરતા અટકાવવામાં આવે. ટ્રસ્ટોએ બોર્ડ મીટિંગ પર સ્ટે માગ્યો નથી, પરંતુ એન. ચંદ્રશેખરન તેમનો મત ન આપે એવો નિર્દેશ આપવાની માગણી કરી છે. અરજીમાં જણાવાયું છે કે તાતા સન્સના AoAનો આર્ટિકલ ૧૨૧ બોર્ડ મીટિંગના ચૅરમૅનને એવા કિસ્સાઓમાં કાસ્ટિંગ વોટ વાપરવાની પરવાનગી આપતો નથી જ્યાં આર્ટિકલ્સ મુજબ બહુમતી ટ્રસ્ટીઓનો હકારાત્મક મત જરૂરી હોય.
નોએલ તાતાના વડપણ હેઠળના તાતા ટ્રસ્ટ્સ તાતા સન્સમાં લગભગ ૬૬ ટકા હિસ્સો ધરાવે છે અને એણે તાતા સન્સ, એના ડિરેક્ટર્સ, અધિકારીઓ અને અન્ય એજન્ટોને એન. ચંદ્રશેખરનની ફેરનિમણૂકના ૧૭ સપ્ટેમ્બરના ઠરાવ પર કોઈ પણ રીતે અમલ કરતા અટકાવવા માટે કાયમી આદેશ અને મનાઈહુકમની માગણી કરી છે.
