યસ, લેટેસ્ટ રિસર્ચ કહે છે કે માત્ર ક્રૉસવર્ડ કે સુડોકુ જ નહીં પણ તમે કોઈ પણ માહિતીને કેટલી ઝડપથી પ્રોસેસ કરી શકો છો એના પર તમારા મસ્તિષ્કની ક્ષમતાનો આધાર રહેલો છે. તમારું સ્પોન્ટેનિયસ હોવું, મલ્ટિટાસ્કર હોવું મગજના વાયરિંગ માટે સારું છે.
પ્રતિકાત્મક તસવીર
વધતી ઉંમરે યાદશક્તિ નબળી પડવી કે ડિમેન્શિયા થવો એ એક મોટી ચિંતાનો વિષય છે. અત્યાર સુધી આપણે માનતા હતા કે ક્રૉસવર્ડ પઝલ્સ કે મેમરી ગેમ્સ રમવાથી મગજ સ્વસ્થ રહે છે, પરંતુ તાજેતરના ૧૦ વર્ષના સંશોધને એક નવો જ વળાંક આપ્યો છે. મગજની માહિતીને પ્રોસેસ કરવાની ઝડપ યાદશક્તિ વધારવા કરતાં વધુ મહત્ત્વની સાબિત થઈ છે. ‘ઍક્ટિવ સ્ટડી’ તરીકે ઓળખાતા એક લૅન્ડમાર્ક સંશોધનમાં ૨૮૦૦થી વધુ વૃદ્ધોને સામેલ કરવામાં આવ્યા હતા. આ અભ્યાસમાં લોકોને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા: એક ગ્રુપને મેમરી ટ્રેઇનિંગ આપી, બીજાને રીઝનિંગ એટલે કે તર્કશક્તિની ટ્રેઇનિંગ અપાઈ અને ત્રીજાને વિઝ્યુઅલ સ્પીડ-ટ્રેઇનિંગ આપવામાં આવી. ૧૦ વર્ષ પછીનાં પરિણામો ચોંકાવનારાં હતાં. જે લોકોએ સ્પીડ-ટ્રેઇનિંગ લીધી હતી તેમનામાં ડિમેન્શિયા થવાનું જોખમ ૨૯ ટકા સુધી ઘટી ગયું હતું, જ્યારે મેમરી કે રીઝનિંગ ટ્રેઇનિંગમાં આવો કોઈ મોટો તફાવત જોવા મળ્યો નહોતો. નિષ્ણાતોના મતે સ્પીડ-ટ્રેઇનિંગ મગજને ઝડપથી નિર્ણય લેવા અને બદલાતી પરિસ્થિતિઓ મુજબ પ્રતિક્રિયા આપવા મજબૂર કરે છે. આ એક પ્રકારની મગજની કસરત છે જ્યાં તમારે એકસાથે અનેક વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે. જેમ-જેમ ઉંમર વધે છે તેમ મગજની માહિતી ગ્રહણ કરવાની ક્ષમતા ધીમી પડે છે. જો આપણે સ્પીડ-ટ્રેઇનિંગ જેવી કસરતો દ્વારા મગજને સક્રિય રાખીએ તો મગજના કોષો વચ્ચેના જોડાણો મજબૂત રહે છે. આ ટ્રેઇનિંગમાં કમ્પ્યુટર આધારિત રમતોનો સમાવેશ થાય છે જેમાં ખેલાડીએ ખૂબ જ ઓછા સમયમાં સ્ક્રીન પર દેખાતી વસ્તુઓને ઓળખવાની હોય છે. આ અભ્યાસ એ સાબિત કરે છે કે જો તમે તમારા મગજને માત્ર યાદ રાખવાને બદલે ઝડપથી કામ કરવા માટે તાલીમ આપો તો તમે ઘડપણમાં આવતી માનસિક બીમારીઓથી બચી શકો છો.
