ઇન્ડિગોના ગ્રાઉન્ડ સ્ટાફ માટે દીમાપુરમાં ઇન્ટરવ્યુની જાહેરાત સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ, યુઝર્સે રોષ ઠાલવ્યો
નવી મુંબઈ ઍરપોર્ટ પર ભરતી માટેના સોશ્યલ મીડિયા પર મુકાયેલા સ્ક્રીન-શૉટ્સ.
નવી મુંબઈ ઍરપોર્ટ પર નોકરીઓ માટેની ભરતી માટે દીમાપુરમાં ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ વાત સોશ્યલ મીડિયા પર વાઇરલ થવાથી મહારાષ્ટ્રના અનેક યુઝર્સે મુંબઈના મરાઠીઓને નોકરી ન આપવા બદલ વાંધો ઉઠાવ્યો છે.
એક યુઝરે ઇન્ડિગોએ શરૂ કરેલી ભરતીની જાહેરાતની પોસ્ટનો સ્ક્રીનશૉટ સોશ્યલ મીડિયા પર મૂકીને લખ્યું હતું કે ‘નવી મુંબઈ ઍરપોર્ટ પર નોકરીઓ અન્ય રાજ્યોના લોકો માટે પણ છે. વાહ, કેવી સરકાર છે? મુખ્ય પ્રધાન આપણા છે કે બીજા રાજ્યના?’
ADVERTISEMENT
ઑનલાઇન શૅર કરાયેલા સ્ક્રીનશૉટમાં નવી મુંબઈ ઍરપોર્ટ પર ઇન્ડિગો ઍરપોર્ટ ઑપરેશન્સની વિવિધ પોસ્ટ માટેની ભરતી-પ્રક્રિયા માટે ૧૬ માર્ચે નાગાલૅન્ડના દીમાપુરમાં ઇન્ટરવ્યુ ગોઠવવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત ટર્મિનલ સર્વિસ સ્ટાફ અને ગ્રાઉન્ડ હૅન્ડલિંગ કરતા રૅમ્પ સ્ટાફ માટે પણ ભરતી થવાની છે.
નવી મુંબઈ ઍરપોર્ટ પ્રોજેક્ટના અસરગ્રસ્તોને નોકરી આપવા બાબતે અગાઉ પણ અનેક વાર સરકાર સમક્ષ રજૂઆત થઈ ચૂકી છે ત્યારે આ પોસ્ટ જોઈને લોકોએ મુંબઈ અને મહારાષ્ટ્રના લોકોને નોકરી ન મળતી હોવાની ફરિયાદ કરી હતી. એક યુઝરે કમેન્ટ કરી હતી કે ‘જ્યાં સુધી મરાઠી લોકો ઉશ્કેરાય નહીં ત્યાં સુધી આ પ્રકારની બાબતો ચાલુ રહેશે. હવે આ બાબતે બોલવાનો કોઈ ફાયદો નથી. મતદાન પૂરું થઈ ગયું છે. ટેન્ડર કોઈ ખાનગી કંપનીને આપવામાં આવ્યું હશે.’
