Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > લગ્નોમાં અને સેલિબ્રિટીઝમાં પૉપ્યુલર થઈ રહેલો IV ડ્રિપ ટ્રેન્ડ જોખમવાળો છે

લગ્નોમાં અને સેલિબ્રિટીઝમાં પૉપ્યુલર થઈ રહેલો IV ડ્રિપ ટ્રેન્ડ જોખમવાળો છે

Published : 12 March, 2026 01:09 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

IV ડ્રિપ થકી લેવા માટે અલગ કૉર્નર્સ બનાવવામાં આવી રહ્યા છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આજકાલ હાઇ-ફાઇ લગ્નોમાં તેમના ગેસ્ટ એકદમ તરોતાજા રહે અને થાકે નહીં એ માટે ઇલેક્ટ્રોલાઇટ, વિટામિનના ડોઝ કે પછી હૅન્ગઓવર ઉતારવા માટેની દવાઓ IV ડ્રિપ થકી લેવા માટે અલગ કૉર્નર્સ બનાવવામાં આવી રહ્યા છે. ઘણી સેલિબ્રિટીઝ પોતાની સ્કિન-ટ્રીટમેન્ટ IV ડ્રિપ થકી લઈ રહી છે. પાર્ટીને પૂરતી રીતે એન્જૉય કરી શકો એ માટે કે સ્કિન પર ગ્લો વધે એ માટેનું આ નવું ચલણ કેટલું ખતરનાક હોઈ શકે છે એ આજે સમજીએ

કેટલાક લગ્નપ્રસંગોમાં આજકાલ IV ડ્રિપનું કાઉન્ટર જોવા મળે છે. લગ્નમાં બ્લડ-કૅમ્પ જેવી ઉમદા વસ્તુ થતી તો આપણે જોઈ છે, પણ આ IV ડ્રિપ કાઉન્ટર શું છે? ના, એમાં દુનિયાનું ભલું કરવાની કોઈ ભાવના નથી. અહીં તો લગ્નનાં બૅક-ટુ-બૅક ફંક્શન હોય જેમાં માણસ થાકી જાય, ફ્રેશ ન ફીલ કરે ત્યારે વગર થાક્યે તે લગ્નની દરેક ઇવેન્ટમાં પૂરા જલસા કરી શકે એ માટે આ IV ડ્રિપનાં કાઉન્ટર હોય છે. લગ્નોમાં ૧૭ પ્રકારનાં ભોજન ખાવાનો તમને સમય ન મળ્યો હોય, દોડભાગમાં તમે સહજ રીતે ભયંકર થાકી ગયા હો, ચહેરો નિસ્તેજ થઈ ગયો હોય તો આવાં કાઉન્ટર પર અડધો કલાક વિતાવીને તમે એકદમ ઘોડા જેવા થઈ જાઓ છો. જે લગ્નોમાં દારૂ પીવાની પ્રથા હોય છે ત્યાં હૅન્ગઓવરમાં લગ્નના જુદા-જુદા પ્રસંગો કે પાર્ટીઓ મિસ ન થાય એટલા માટે ચડેલો દારૂ ઉતારવા પણ આ ડ્રિપનાં કાઉન્ટર કાર્યરત હોય છે.



જો તમે સોશ્યલ મીડિયા પર ઍક્ટિવ હો તો તમને ખબર જ હશે કે IV ડ્રિપનો ટ્રેન્ડ નવો તો નથી. રેબેલ કિડ, જાહ‍્નવી કપૂર, સોહા અલી ખાન જેવી સેલિબ્રિટીઝના વિડિયોઝ જોયા હશે જેમાં તેઓ બ્યુટી-ટ્રીટમેન્ટ માટે IV ડ્રિપ લઈ રહ્યાં હોય છે. થોડા સમય પહેલાં શેફાલી જરીવાલાનું મૃત્યુ થયું હતું ત્યારે તે IV ડ્રિપ થકી વિટામિન C લેતી હતી એવી વાત વહેતી થઈ હતી અને મીડિયાએ આ પ્રશ્ન ઊભો કર્યો હતો કે શેફાલીનું મૃત્યુ IV ડ્રિપથી થયું છે કે શું? પણ એ હકીકત છે કે બ્યુટી-ટ્રીટમેન્ટ માટે IV ડ્રિપ્સ ઘણી પૉપ્યુલર બનતી જઈ રહી છે ત્યારે જાણીએ કે આના પ્રયોગનું કારણ શું છે અને એ કેટલું સેફ છે.


IV એટલે શું?

પહેલાં તો IV એટલેકે ઇન્ટ્રાવીનસ થેરપી વર્ષોથી મેડિકલ સિસ્ટમમાં અતિ ઉપયોગી એવી થેરપી છે. એ વિશે વાત કરતાં ફિઝિશ્યન ડૉ. બિનિતા મહેતા કહે છે, ‘જરૂરી દવાઓ કે સપ્લિમેન્ટ જ્યારે ગોળી તરીકે અપાય ત્યારે એ મોઢેથી લેવામાં આવે છે. એનું પાચન થાય છે અને એ પદાર્થ પછી લોહીમાં ભળે છે અને તકલીફ પર કામ કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ મોઢેથી દવા કે ખોરાક લઈ નથી શકતી ત્યારે તેને એ દવા કે ખોરાકનું પોષણ નસો થકી લોહીમાં ભેળવીને આપવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ અશક્ત થઈ ગઈ હોય, કંઈ ખાઈ ન શકતી હોય ત્યારે ગ્લુકોઝના બાટલા ચડાવવામાં આવે છે એ IV થેરપી છે. એટલે કે પોષણ તેને પેટ થકી નહીં, સીધું નસોમાં વહેતા લોહી થકી જ આપવામાં આવ્યું છે.’


ફરક શું છે?

કોઈ પણ વસ્તુ, પછી એ દવા હોય કે ખોરાક, મોઢાથી શરીરમાં જાય અને IV થકી શરીરમાં જાય એ બન્નેમાં મુખ્ય તફાવત શું છે એ સમજાવતાં ડર્મેટોલૉજિસ્ટ ડૉ. અપ્રતિમ ગોયલ કહે છે, ‘અહીં બે મુખ્ય તફાવત છે. પાચન થકી જ્યારે કોઈ વસ્તુ શરીરમાં પ્રવેશે તો એ એક રીતે ઘણી સેફ હોય છે. જેમ કે કોઈ ઝેરી પદાર્થ તમે ખાઈ લીધો કે કોઈ એવી દવા તમે લીધી જે તમને માફક ન આવતી હોય તો તમને ઊલટી થઈ જશે કે ઝાડા થઈ જશે. શરીર કંઈ પણ કરીને એને સિસ્ટમથી બહાર ફેંકવાની કોશિશ કરશે એટલે એ ઝેરી પદાર્થને લોહીમાં ભળતો અટકાવે છે. દવાઓ વ્યક્તિને માફક ન આવે તો ઊલટી, ઝાડા અને ચક્કર જેવી મુખ્ય સાઇડ-ઇફેક્ટ્સ હોય છે. પાચન પૂરી કોશિશ કરે છે કે જે તત્ત્વ તમને માફક આવતું નથી એ લોહીમાં ભળે નહીં, પરંતુ જે તત્ત્વ સીધું લોહીમાં ભળે છે એ સીધું દરેક અંગ પર અસર કરે છે. જો એ દવા તમને માફક નહીં આવે તો એ દવા સીધી લોહીમાં ભળી ચૂકી છે એટલે એની ખરાબ અસર ખૂબ ઘેરી હશે. એનાથી થતું નુકસાન પણ ઘણું મોટું હોઈ શકે છે.’

વધતા ઉપયોગનું કારણ

બન્ને વચ્ચેનો બીજો તફાવત સમજાવતાં ડૉ. અપ્રતિમ ગોયલ કહે છે, ‘બીજી પરિસ્થિતિમાં જો તમારું પાચન નબળું છે તો તમે જે ખોરાક લો છો કે દવા લો છો એની અસર એટલી નહીં થાય જેટલી થવી જોઈએ. આપણામાંથી કેટલાક લોકો એવા છે જે પૌષ્ટિક ખોરાક ખાય છે છતાં તેમનામાં પોષણની કમી જોવા મળે છે કારણ કે તેમનું પાચન બરાબર નથી. જો પાચન બરાબર હોય તો ખોરાકમાંથી મળતું બધું પોષણ શરીરને મળે. એવું જ દવાનું છે. દવાની જેવી અસર થવી જોઈએ એ ન થાય જો પાચન નબળું હોય. એટલે જ કોઈને દવાના બે ડોઝ ખાવામાં ફરક થઈ જાય છે અને ઘણી વ્યક્તિઓને બીજા ચાર ડોઝ ખાવા પડે છે. એની સાથે-સાથે એવું પણ છે કે મોઢેથી જે દવાઓ લીધી છે એની અસર શરીરમાં ધીમી હોય છે. IV દ્વારા જે દવાઓ આપવામાં આવે છે એની અસર એકદમ તાત્કાલિક દેખાય છે. જેમ કે કોઈ વ્યક્તિને એકદમ નબળાઈ આવી ગઈ હોય, બેભાન જેવી થઈ ગઈ હોય પણ એક ગ્લુકોઝની બૉટલ ચડે કે એકદમ તરત સ્વસ્થ થઈ જાય છે. આ મોટો ફરક છે. બ્યુટી-ટ્રીટમેન્ટમાં IV થેરપીનું વધતું ચલણ આ ફાયદાઓને લીધે છે. જલદી રિઝલ્ટ મળે છે અને મોઢેથી લેવામાં આવતી દવાઓ કરતા પ્રમાણમાં વધુ સારાં રિઝલ્ટ મળે છે.’

ટ્રેન્ડ

બ્યુટી-ટ્રીટમેન્ટમાં કઈ-કઈ જગ્યાએ IV ડ્રિપનો ઉપયોગ થાય છે? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. અપ્રતિમ ગોયલ કહે છે, ‘હેરલૉસ, સ્કિન-બ્રાઇટનિંગ, સ્કિન-ગ્લો, હાઇડ્રેશન, ઍન્ટિ-એજિંગ જેવી અલગ-અલગ ટ્રીટમેન્ટ માટે IV થેરપી વપરાવા લાગી છે. મોટા ભાગે દવાઓ કરતાં સપ્લિમેન્ટનો એમાં વધુ ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે ગ્લુટાથિયોન અને વિટામિન Cનું કૉમ્બિનેશન આજકાલ ઘણું પૉપ્યુલર છે. સપ્લિમેન્ટ લેવાથી જે અસર થાય એના કરતાં ડ્રિપમાં એની અસર ઘણી જલદી અને થોડી વધુ દેખાય છે એ વાત સાચી, પરંતુ એ એટલું રિસ્કી પણ છે. એક દવા તમે મોઢેથી લઈને જુઓ ત્યારે સમજાઈ જાય છે કે એ તમને માફક આવી નથી રહી, પણ IVમાં મેં જોયું છે કે પહેલી બે વારમાં ગ્લુટાથિયોન લીધું હોય ત્યારે કંઈ ન થયું હોય અને ત્રીજી વારમાં રીઍક્શન આવ્યું હોય કે તકલીફ થઈ હોય. દરેક વ્યક્તિએ દવાઓ જુદી-જુદી રીતે રીઍક્ટ કરતી જ હોય છે. એમાં પણ IV થકી જ્યારે દવાઓ લઈએ ત્યારે તો રિસ્ક ઘણું વધી જાય છે.’

ડૉક્ટરની દેખરેખ વગર નહીં જ

રિસ્ક વિશે વાત કરતાં ડૉ. બિનિતા મહેતા કહે છે, ‘કોઈ પણ દવા IV થકી આપીએ ત્યારે સૌથી મોટું રિસ્ક ઇન્ફેક્શનનું હોય છે. એક પણ બૅક્ટેરિયા સીધો લોહી થકી શરીરમાં પ્રવેશી ગયો તો તકલીફ થવાની છે. આ સિવાય IV ડ્રિપ આપતી વખતે જો કોઈ દવાની ઍલર્જી આવી તો શરીર પર ચાઠાં આવી શકે છે, બ્લડપ્રેશર ઉપર-નીચે થઈ શકે છે, હાર્ટ પર સીધી અસર થઈ શકે છે. ધબકારા વધી જાય કે ઓછા થઈ જાય એવું બની શકે છે. એટલે જ આ પ્રકારની ટ્રીટમેન્ટ ડૉક્ટરની દેખરેખ હેઠળ જ લેવી અત્યંત જરૂરી છે. જો એ નહીં લેવામાં આવે તો મેડિકલ ઇમર્જન્સી સર્જાય ત્યારે નૉન-મેડિકલ સ્ટાફને સમજ નહીં પડે કે શું કરવું જોઈએ. આ ટ્રીટમેન્ટ ઘરે લેવા જેવી નથી. આજકાલ ઘણા લોકો ઘરે આ વસ્તુ ટ્રાય કરી રહ્યા છે. તેમને વાંધો નથી આવ્યો એટલે તમને પણ નહીં આવે એવું નથી. નૉર્મલ સ્ટાફ શરીરમાં આવતા બદલાવને સમજી નથી શકતો. તેમની પાસે ટ્રેઇનિંગ નથી હોતી કે કંઈ થાય તો શું કરવાનું. તરત જ ટ્રીટમેન્ટ અટકાવવાથી કામ ચાલી જાય એવું પણ નથી હોતું. ઘણી વાર ઍન્ટિડૉટ આપવા પડે છે. આ પ્રકારની ટ્રીટમેન્ટ ડૉક્ટરની દેખરેખ હેઠળ જ લેવી. નર્સ કે પૅરામેડિકલ સ્ટાફ પાસે પણ એ લેવી હિતાવહ નથી.’ 

Whatsapp-channel Whatsapp-channel

12 March, 2026 01:09 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK