Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > Health Funda: પાતળા હોવું એટલે ફિટ હોવું? જો તમે પણ એવું માનો છો તો ભૂલ કરી રહ્યાં છો

Health Funda: પાતળા હોવું એટલે ફિટ હોવું? જો તમે પણ એવું માનો છો તો ભૂલ કરી રહ્યાં છો

Published : 12 September, 2026 09:54 AM | IST | Mumbai
Dr. Rishita Bochia Joshi | healthnfoodvilla@gmail.com

Health Funda: સામાન્ય રીતે પાતળું હોવું કે ઓછું વજન હોવું એ જ સારા સ્વાસ્થ્યનો માપદંડ ગણાય છે, પરંતુ સ્કીની માત્ર પાતળા હોવું અને ફિટ (સ્વસ્થ) હોવું એ બંને વચ્ચે મોટો તફાવત છે. આરોગ્ય પર તેની કેવી અસર થાય છે તે જાણીએ ડૉ. રિશિતા બોચિયા જોષી પાસેથી

તસવીર ડિઝાઇનઃ કિશોર સોસા

તસવીર ડિઝાઇનઃ કિશોર સોસા


સુંદર અને ટકાઉ ઘર બનાવવા મજબૂત પાયો, સારી અને યોગ્ય સામગ્રી તેમજ કુશળ કામદારોની જરૂર પડે છે તેમ આપણા શરીરનું સર્વાંગી સ્વાસ્થ્ય જળવાય તે માટે ખોરાક, કસરત અને મનની સ્વસ્થતા જરૂરી છે. ખોરાક આપણા શરીરને ઊર્જા આપે છે. નિયમિત કસરત શરીરને મજબૂત બનાવે છે, સાથે સાથે મનને તેજ અને તણાવમુક્ત રાખે છે. આમ સર્વાંગી સ્વાસ્થ્ય માટે તન અને મન બન્ને સ્વસ્થ હોવા ખૂબ જરુરી છે. સોશ્યલ મીડિયા જ્યારે આંગળીના ટેરવે છે ત્યારે સરળતાથી માહિતી મળી જાય કે, સર્વાંગી સ્વાસ્થ્ય માટે શું ખાવું જોઈએ? ડાયટિંગમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું? કઈ કસરત કરવી જોઈએ? માનસિક શાંતિ માટે શું જરુરી છે? વગેરે વગેરે બધી જ માહિતી મળી જાય છે. પરંતુ વ્યક્તિ દીઠ દરેક બાબત જુદી-જુદી હોય છે. પણ સર્વાંગી સ્વાસ્થ્યને લગતી કેટલીક બાબતો બહુ કૉમન હોય છે. તમને મૂંઝવણ થતી હોય કે સુખાકારી અને સર્વાંગી સ્વાસ્થ્ય માટે શું કરવું તો ગુજરાતી મિડ-ડે ડોટ કોમ તમારી માટે લઈને આવ્યું છે – ‘હેલ્થ ફંડા’ (Health Funda). જેમાં દર શનિવારે ‘હેલ્થ એન ફૂડવિલા’ (Health n Foodvilla)નાં ડાયટિશન અને ફૂડ ન્યુટ્રિશનિસ્ટ, હોલિસ્ટિક ફંક્શનલ હેલ્થ કૉચ ડૉ. રિશિતા બોચિયા જોષી (Dr. Rishita Bochia Joshi) ખોરાક, શારિરીક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્યને લગતા વિષયો પર આપણી સાથે વાત કરશે.

આજના ‘હેલ્થ ફંડા’ના એપિસોડમાં ડૉ. રિશિતા બોચિયા જોષી વાત કરે છે, પાતળા હોવાનો અર્થ દર વખતે તંદુરસ્ત હોવું નથી. પાતળા હોવું અને તંદુરસ્ત હોવું બન્નેમાં બહુ ફરક છે.



‘અરે વાહ! તમે કેટલા પાતળા છો, તમે તો ગમે તે ખાઈ શકો છો!’


આ એક એવું વાક્ય છે જે આપણે અવારનવાર સાંભળીએ છીએ. આપણે ઘણીવાર માની લઈએ છીએ કે જે વ્યક્તિ પાતળી કે દુબળી છે, તે સંપૂર્ણપણે સ્વસ્થ જ હશે.

ડિનર પછી મીઠાઈ ઓર્ડર કરવી, ખાંડવાળી કોફી પીવી, વીકેન્ડમાં પિઝા ખાવા અને છતાં તે જ જૂના જીન્સમાં પર્ફેક્ટલી ફીટ થવું — આવી વ્યક્તિઓને જોઈને દરેક વ્યક્તિ વિચારતી થઈ જાય છે.


બીજી તરફ, અમુક લોકો દરેક કેલરી ગણે છે છતાં વજન ઘટાડવા માટે સતત સંઘર્ષ કરે છે. એક કડવી વાસ્તવિકતા એ છે, જે આપણે બધાએ સમજવી જરુરી છે કે, સ્લિમ શરીર એ કોઈ તંદુરસ્તીનું પ્રમાણપત્ર કે હેલ્થ રિપોર્ટ નથી.

સ્લિમ દેખાતા લોકો અને `વિસેલર ફેટ`નો છૂપો ભય

વજન માપવાનું મશીન માત્ર એટલું જ બતાવે છે કે તમારું કુલ વજન કેટલું છે. તે એ નથી બતાવતું કે શરીરમાં સ્નાયુઓ (Muscle), ચરબી (Fat), પાણી કે હાડકાંનું પ્રમાણ કેટલું છે. સૌથી મહત્વની વાત એ છે કે, તે વજન કાંટો તમારા બ્લડ શુગર, કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર, પાચનતંત્ર કે વિટામિન્સના સ્તર વિશે કંઈ જ કહેતું નથી.

ઘણા લોકો કુદરતી રીતે પાતળા હોય છે અથવા તેમનો મેટાબોલિઝમ રેટ ઝડપી હોય છે. પરંતુ કેટલાક લોકો બહારથી પાતળા દેખાતા હોવા છતાં તેમના શરીરમાં મસલ્સ ઓછા હોય છે અને ચરબીનું પ્રમાણ વધુ હોય છે. વિજ્ઞાનની ભાષામાં આને `વિસેલર ફેટ` (Visceral Fat) કહેવામાં આવે છે — એટલે કે પેટના અંદરના અંગોની આસપાસ જમા થતી અદ્રશ્ય ચરબી. આવી વ્યક્તિઓ બહારથી સ્લિમ દેખાય છે, પરંતુ શરીરની અંદર ચયાપચય (Metabolic) સંબંધી ગંભીર સમસ્યાઓ ધરાવતી હોય છે.

પાતળા હોવું અને પાચનતંત્ર (Gut Health): એક મોટી ગેરસમજ એ પણ છે કે જેનું વજન વધતું નથી, તેનું પાચનતંત્ર અને મેટાબોલિઝમ ખૂબ મજબૂત હશે. વાસ્તવમાં, પાતળી વ્યક્તિ પણ આંતરડાના નબળા સ્વાસ્થ્યથી પીડાઈ શકે છે:

પેટ ફૂલવું (Bloating) અને ગેસ: આહારમાં પોષણના અભાવે આંતરડાનું સ્વાસ્થ્ય બગડી શકે છે.

કબજિયાત અને અસિડિટી: અનિયમિત આંતરડાની પ્રક્રિયા અને એસિડિટીની સમસ્યા.

ખોરાકની અસહિષ્ણુતા (Food Intolerances): ચોક્કસ ખોરાક પચાવવામાં તકલીફ પડવી.

પોષક તત્વોની ઉણપ (Nutritional Deficiencies): ‘મારું વજન તો વધતું જ નથી, એટલે હું ગમે ત્યારે ગમે તે ખાઈ શકું છું’ — એવી માનસિકતા રાખીને રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ્સ, પેકેજ્ડ ફૂડ, કોલ્ડ ડ્રિંક્સ કે વારંવાર ભોજન સ્કીપ કરવાથી શરીર બહારથી પાતળું રહે છે પણ અંદરથી પોષણ અને મસલ્સના અભાવે ખાલી થઈ જાય છે.

પાતળા હોવું (Thin) અને ફિટ હોવું (Fit) વચ્ચેનો તફાવત

અરીસો કે વજન કાંટો તમારી સાચી ફિટનેસ બતાવી શકતો નથી. તમારી સાચી આંતરિક ફિટનેસ અને તંદુરસ્તી નીચે મુજબના પરિબળો પર આધાર રાખે છે:

દૈનિક ઊર્જા અને સ્ટેમિના: આખો દિવસ તમારા શરીરમાં કેટલી ઉર્જા રહે છે અને તમે થાક્યા વગર કામ કરી શકો છો કે નહીં.

શારીરિક ક્ષમતા: સિડીઓ ચડતી વખતે કે થોડું ચાલતી વખતે શ્વાસ ફૂલ્યા વગર તમે કેટલા માળ ચડી શકો છો.

મેડિકલ રિપોર્ટ્સ: તમારા બ્લડ રિપોર્ટ અનુસાર બ્લડ શુગર, થાઈરોઈડ, હોર્મોનલ હેલ્થ, કોલેસ્ટ્રોલ અને વિટામિનની સ્થિતિ કેવી છે.

શરીરનું બંધારણ: શરીરમાં મસલ્સની ગુણવત્તા, ફેટની ટકાવારી, માનસિક સ્વાસ્થ્ય અને આંતરડાનું સ્વાસ્થ્ય.

આંતરિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો

આ લેખનો હેતુ એ નથી કે દરેક પાતળી વ્યક્તિ અસ્વસ્થ હોય છે. પરંતુ પાતળા હોવાનો અર્થ એ નથી કે તમને પોષણ અને આહારના નિયમોનું ઉલ્લંઘન કરવાનો `ફ્રી પાસ` મળી ગયો છે.

જો કોઈ વ્યક્તિ સતત થાક અનુભવતી હોય, વારંવાર પેટ ફૂલી જતું હોય, અચાનક વજન ઘટતું હોય, પાચનની સમસ્યાઓ અનુભવાતી હોય કે પોષણની ઉણપના લક્ષણો દેખાતા હોય, તો માત્ર વજન કાંટા પર ઓછો આંકડો જોઈને ખુશ થવાને બદલે યોગ્ય ડોક્ટરી તપાસ કરાવવી જરૂરી છે.

હવે સમય આવી ગયો છે કે આપણે લોકોને ‘તમે કેટલા પાતળા છો?’ એ પૂછવાનું બંધ કરીએ અને વધુ સાચો પ્રશ્ન પૂછવાનું શરૂ કરીએ: ‘તમે અંદરથી કેટલા સ્વસ્થ છો?’

 

(શબ્દાંકનઃ રચના જોષી)

Whatsapp-channel Whatsapp-channel

12 September, 2026 09:54 AM IST | Mumbai | Dr. Rishita Bochia Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK