જે લોકોને સતત બેઠા રહેવાનું છે અને જેમને સતત ઊભા રહેવાનું છે એ બન્ને પ્રકારની જૉબ લાંબા ગાળે હેલ્થ માટે હાનિકારક હોય છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
બેઠાડુ જીવન દરેક રોગની જડ છે. જે વ્યક્તિ દિવસના કલાકો બેઠાં-બેઠાં પસાર કરે છે તે તેની ઉંમર અને હેલ્થ બન્ને ઘટાડે છે. આજની તારીખે એક ઍવરેજ સર્વિસમૅન દિવસના ૮-૧૨ કલાક કામ કરે છે. સર્વિસ કરતા લોકોમાં કામનો પ્રકાર બેઠાડુ હોય એવા લગભગ ૭૦ ટકા લોકો ગણી શકાય. બાકીના ૨૦ ટકા લોકોની જૉબ સ્ટૅન્ડિંગ હોય છે. દિવસના ૮-૧૦ કલાક સતત ઊભા રહેવાનું હોય છે. બાકી બચેલા ૧૦ ટકા લોકોની જૉબ મૂવમેન્ટવાળી હોય છે. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત ફરતા રહેવાનું હોય છે. જે લોકોને સતત બેઠા રહેવાનું છે અને જેમને સતત ઊભા રહેવાનું છે એ બન્ને પ્રકારની જૉબ લાંબા ગાળે હેલ્થ માટે હાનિકારક હોય છે.
ઑફિસ જેવા કામના સેટ-અપમાં માણસ જો મૂવમેન્ટ લાવી શકે તો બેસ્ટ ગણાય. આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે ઊભા રહેવું હેલ્ધી છે અને વચ્ચે-વચ્ચે બેસવું પણ જરૂરી છે. આ કન્સેપ્ટને સમજીને થોડાં વર્ષોથી કન્વર્ટિબલ ડેસ્કનો કન્સેપ્ટ માર્કેટમાં આવ્યો છે. આજકાલ ઘણી જુદી-જુદી ઑફિસોમાં એ જોવા પણ મળે છે. એક એવી ડેસ્ક જેમાં ઊભા રહીને કામ કરી શકાય છે અને એને જ ફોલ્ડ કરીએ તો બેસીને પણ કામ થઈ શકે છે. અમુક ઑફિસો એવી પણ છે જ્યાં લૅપટૉપ જ વસાવવામાં આવ્યાં છે. એક આખો એરિયા સ્ટૅન્ડિંગ છે અને બીજો એરિયા સિટિંગ. એટલે વ્યક્તિ થોડી વાર ઊભી રહીને તો થોડી વાર બેસીને કામ કરે. આ પ્રકારની ડેસ્કનો ઉપયોગ એ છે કે તમે સતત તમારું પૉશ્ચર બદલી શકો છો, જે શરીરમાં એક મૂવમેન્ટને જન્મ આપશે અને એને કારણે બેઠાડુ જીવનથી થતી તકલીફો દૂર થશે.
ADVERTISEMENT
ઊઠબેસ કરવાનો આઇડિયા સારો જ છે પરંતુ એમાં પણ સમયની મર્યાદાને સમજવી જરૂરી છે. જો તમે આવી ડેસ્ક વાપરતા પણ હો તો એનો ઉપયોગ કઈ રીતે કરવો એ તમને આવડવું જોઈએ. કોઈ પણ પૉશ્ચરમાં બેસવાનું હોય કે ઊઠવાનું, બન્નેમાં ૪૫-૫૦ મિનિટની અવધિ નક્કી કરી લેવી. એટલે કે જો તમને બેઠાં-બેઠાં ૪૫ મિનિટ થઈ ગઈ હોય તો ૧૦ મિનિટ આજુબાજુ થોડી વૉક કરવી. એ મૂવમેન્ટ પછી તમે ઊભા-ઊભા કામ કરો. એની ૫૦ મિનિટ થઈ જાય પછી ફરી આ જ રીતે પૉશ્ચર બદલો. કોઈ પણ એક પૉશ્ચરમાં ૫૦ મિનિટથી વધુ સમય ન પસાર કરો, સિવાય કે ક્યારેક કોઈ મીટિંગ હોય જે લાંબી ચાલે તો વાત જુદી છે. નૉર્મલ દિવસોમાં આ રીતે બદલી શકો છો. એ બન્ને પૉશ્ચર વચ્ચે વૉક કરવી કે સ્ટ્રેચ કરવું પણ એટલું જ મહત્ત્વનું છે. આ રીતે તમે કામ કરતાં-કરતાં પણ તમારી હેલ્થ જાળવી શકો છો.
