Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > Health Funda: ઉનાળામાં ખાવું છે હળવું અને હેલ્ધી? ડિનરમાં `શું ખાવું`ના આ રહ્યાં વિકલ્પો

Health Funda: ઉનાળામાં ખાવું છે હળવું અને હેલ્ધી? ડિનરમાં `શું ખાવું`ના આ રહ્યાં વિકલ્પો

Published : 25 April, 2026 02:18 PM | IST | Mumbai
Dr. Rishita Bochia Joshi | healthnfoodvilla@gmail.com

Health Funda: ઉનાળામાં થોડુંક પણ જમીએ કે પેટ તરત ભારે લાગે છે અને ગેસ, એસીડીટી જેવી સમસ્યા તાય છે ત્યારે દરેકના મનમાં સામાન્ય રીતે એક જ પ્રશ્ન થતો કે રાતે પાચનમાં સરળ પડે અને હેલ્ધી પણ હોય તેવું ફૂડ શું ખાવું? તો જાણી લો અહીં…

તસવીર ડિઝાઇનઃ કિશોર સોસા

તસવીર ડિઝાઇનઃ કિશોર સોસા


સુંદર અને ટકાઉ ઘર બનાવવા મજબૂત પાયો, સારી અને યોગ્ય સામગ્રી તેમજ કુશળ કામદારોની જરૂર પડે છે તેમ આપણા શરીરનું સર્વાંગી સ્વાસ્થ્ય જળવાય તે માટે ખોરાક, કસરત અને મનની સ્વસ્થતા જરૂરી છે. ખોરાક આપણા શરીરને ઊર્જા આપે છે. નિયમિત કસરત શરીરને મજબૂત બનાવે છે, સાથે સાથે મનને તેજ અને તણાવમુક્ત રાખે છે. આમ સર્વાંગી સ્વાસ્થ્ય માટે તન અને મન બન્ને સ્વસ્થ હોવા ખૂબ જરુરી છે. સોશ્યલ મીડિયા જ્યારે આંગળીના ટેરવે છે ત્યારે સરળતાથી માહિતી મળી જાય કે, સર્વાંગી સ્વાસ્થ્ય માટે શું ખાવું જોઈએ? ડાયટિંગમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું? કઈ કસરત કરવી જોઈએ? માનસિક શાંતિ માટે શું જરુરી છે? વગેરે વગેરે બધી જ માહિતી મળી જાય છે. પરંતુ વ્યક્તિ દીઠ દરેક બાબત જુદી-જુદી હોય છે. પણ સર્વાંગી સ્વાસ્થ્યને લગતી કેટલીક બાબતો બહુ કૉમન હોય છે. તમને મૂંઝવણ થતી હોય કે સુખાકારી અને સર્વાંગી સ્વાસ્થ્ય માટે શું કરવું તો ગુજરાતી મિડ-ડે ડોટ કોમ તમારી માટે લઈને આવ્યું છે – ‘હેલ્થ ફંડા’ (Health Funda). જેમાં દર શનિવારે ‘હેલ્થ એન ફૂડવિલા’ (Health n Foodvilla)નાં ડાયટિશન અને ફૂડ ન્યુટ્રિશનિસ્ટ, હોલિસ્ટિક ફંક્શનલ હેલ્થ કૉચ ડૉ. રિશિતા બોચિયા જોષી (Dr. Rishita Bochia Joshi) ખોરાક, શારિરીક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્યને લગતા વિષયો પર આપણી સાથે વાત કરશે.

આજના ‘હેલ્થ ફંડા’ના એપિસોડમાં ડૉ. રિશિતા બોચિયા જોષી વાત કરે છે, ઉનાળાની ઋતુમાં પાચન સુધારવા માટે આહારની સાચી પસંદગી જરુરી છે ત્યારે રાતના સમયે ભોજનમાં શું લેવું જોઈએ તે સમજી લો.



ભારતની ઉનાળાની ઋતુમાં કંઈક એવું છે જે શાંતિથી માત્ર આપણા પહેરવેશને જ નહીં, પરંતુ આપણી ભૂખ અને ખાણીપીણીની આદતોને પણ બદલી નાખે છે. જેમ જેમ ઉનાળાનો દિવસ લાંબો થતો જાય છે અને સાંજ ગરમી તેમજ થાકભરી બની જાય છે, તેમ ભારે રાત્રિભોજન પ્રત્યેની રુચિ ઓછી થવા લાગે છે. તેમ છતાં, આપણામાંના ઘણા લોકો એ જ ભારે અને મોડી રાત્રે ભોજન લેવાનું ચાલુ રાખે છે, જેના પરિણામે સવારે ઉઠતાં જ પેટમાં ભારેપણું, એસિડિટી અથવા અસાધારણ થાકનો અનુભવ થાય છે.


વાસ્તવિકતા એ છે કે ઉનાળાની ગરમી સીધી રીતે પાચનશક્તિ પર અસર કરે છે. જેમ જેમ તાપમાન વધે છે, તેમ શરીર કુદરતી રીતે પોતાની ઊર્જાને ઠંડક જાળવી રાખવા તરફ વાળે છે. આનો અર્થ એ છે કે આપણી પાચનશક્તિ, જેને આયુર્વેદમાં `અગ્નિ` કહેવામાં આવે છે, તે પ્રમાણમાં નબળી પડી જાય છે. તેના પરિણામે પાચન ધીમું થાય છે, ભૂખ ઓછી લાગે છે અને ખાસ કરીને ભારે અથવા તેલયુક્ત ખોરાક લીધા પછી એસિડિટી, ગેસ અને અસ્વસ્થતાની શક્યતા વધી જાય છે.

આ જ કારણ છે કે, ભાતીય શાસ્ત્રોમાં ઉનાળાના મહિનાઓ દરમિયાન હંમેશા હળવા અને વહેલા રાત્રિભોજન લેવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ પાછળનો હેતુ એકદમ સ્પષ્ટ છે: એવી રીતે ખોરાક લેવો જે તમારા શરીર પર બોજ વધારવાને બદલે તેને ટેકો આપે.


તો હવે પ્રશ્ન એ થાય કે `ઉનાળાને અનુરૂપ રાત્રિભોજન` ખરેખર કેવું હોવું જોઈએ? તે હળવું, શરીરમાં પાણીનું સ્તર જાળવી રાખનારું અને પચવામાં સરળ હોવું જોઈએ. આ સાથે જ, તે પોષણથી ભરપૂર હોવું જરૂરી છે, જેમાં પાચનતંત્ર માટે હળવા હોય તેવા પ્રોટીન અને શાકભાજીમાંથી મળતા ફાઈબરનો પૂરતો સમાવેશ થવો જોઈએ.

ઉનાળા દરમિયાન સમતોલ આહાર અને સ્વાદનો સુંદર સમન્વય સાધતા હોય તેવા પાંચ સરળ શાકાહારી રાત્રિભોજનના વિકલ્પો આ રહ્યાંઃ

૧. વેજીટેબલ દલિયા (ફાડા ઘઉંની લાપસી)

દલિયા હળવા હોવાની સાથે પેટ ભરેલું રાખે છે. દૂધી, ગાજર અને ફણસી જેવા મોસમી શાકભાજી સાથે રાંધેલા દલિયા શરીરમાં ફાઈબર અને ધીમી ગતિએ ઊર્જા પૂરી પાડે છે. તે ખાવામાં જરાય ભારે લાગતા નથી અને આખી રાત તમને સંતોષનો અનુભવ કરાવે છે.

૨. શાકભાજી ઉમેરેલા બેસનના પુડલા અને ફુદીનાની ચટણી

ઝડપથી તૈયાર થતો અને પ્રોટીનથી ભરપૂર એવો બેસનનો પુડલો એક હળવો અને ઉત્તમ વિકલ્પ છે. તેને તાજી ફુદીનાની ચટણી સાથે પીરસો, જે  સ્વાદમાં વધારો કરશે અને પાચનમાં પણ મદદ કરે છે. તેમજ શરીરમાં ઠંડક જાળવી રાખે છે.

૩. વઘારેલું દહીં અને ભાત (કર્ડ રાઇસ)

આરામદાયક અને પાચનતંત્ર માટે ગુણકારી એવો દહીં-ભાત (કર્ડ રાઇસ) ભારતના અનેક ઘરોમાં ઉનાળાનો મુખ્ય ખોરાક છે. રાઈ, મીઠો લીમડો અને આદુનો હળવો વઘાર તેના સ્વાદમાં વધારો કરવાની સાથે પાચનમાં પણ મદદરૂપ સાબિત થાય છે.

૪. મલ્ટિગ્રેન રોટી રોલ્સ વિથ હમસ એન્ડ વેજીટેબલ

જુવારની નરમ રોટલીમાં હમસ, સાંતળેલા શાકભાજી અને લેટસ ભરીને આ રોલ્સ તૈયાર કરી શકાય છે. આ વાનગી ફાઈબર, પ્રોટીન અને હેલ્ધી ફેટ્સનો એક સંતુલિત આહાર પૂરો પાડે છે, જે ખાધા પછી જરાય ભારે લાગતો નથી.

૫. રાગી-અડદની દાળની ઈડલી અને નાળિયેરની ચટણી

નરમ અને આથો આપીને તૈયાર કરેલી ઈડલી ઉનાળાના રાત્રિભોજન માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. રાગીમાંથી કેલ્શિયમ મળે છે, જ્યારે નાળિયેરની ચટણી તંદુરસ્ત ફેટ્સ પૂરા પાડે છે. આથો આવેલો ખોરાક આંતરડાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને પચવામાં પણ અત્યંત સરળ હોય છે.

તમે શું ખાઓ છો તેની સાથે તમે ક્યારે અને કેવી રીતે ખાઓ છો તે પણ એટલું જ મહત્વનું છે. રાત્રે સૂવાના ઓછામાં ઓછા ૨-૩ કલાક પહેલાં ભોજન કરી લેવાનો આગ્રહ રાખો. ખોરાકને ધીમે-ધીમે અને સારી રીતે ચાવીને ખાવો જોઈએ, તેમજ જમતી વખતે મોબાઈલ કે ટીવીનો  વધુ પડતો ઉપયોગ ન કરવો જોઈએ. આ તમામ બાબતો આપણે વિચારીએ છીએ તેના કરતા વધુ ઊંડી અસર આપણી પાચનશક્તિ પર કરે છે.

શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવું એટલે કે હાઇડ્રેશન પણ આમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ઉનાળો ખોરાક પર પ્રતિબંધ મૂકવાનું નથી કહેતો, પરંતુ તેમાં કેટલાક જરૂરી ફેરફાર કરવાની માંગ કરે છે. જ્યારે તમે ઋતુ અનુસાર તમારા ભોજનનું આયોજન કરો છો, ત્યારે તમે ચોક્કસ તફાવત અનુભવી શકશો.. સવારનો સમય વધુ સ્ફૂર્તિદાયક લાગશે, ઊંઘ સારી આવશે અને શરીર વધુ હળવાશ અનુભવશે.

કારણ કે, ઘણીવાર સારું સ્વાસ્થ્ય ઓછું ખાવા પર નહીં પરંતુ તમારા શરીરની જરૂરિયાત મુજબ યોગ્ય સમયે યોગ્ય ખોરાક લેવા પર નિર્ભર હોય છે.

 

(શબ્દાંકનઃ રચના જોષી)

Whatsapp-channel Whatsapp-channel

25 April, 2026 02:18 PM IST | Mumbai | Dr. Rishita Bochia Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK