વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૦ રૂપિયાની ઝાલમુરી ખરીદી એની સાથે જ દુનિયાભરમાં એની વાતો શરૂ થઈ ગઈ છે ત્યારે પશ્ચિમ બંગાળની આ ભેળ, એનો ઇતિહાસ અને એનું ઇકૉનૉમિક્સ જાણવા જેવાં છે
બિક્રમ સાહુ નામના વેપારી પાસેથી નરેન્દ્ર મોદીએ ઝાલમુરી ખરીદી હતી અને આસપાસ ઊભેલા લોકોની સાથે વહેંચીને ખાધી હતી.
ઝાલમુરી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કલકત્તાની આ ભેળને હાથ લગાવ્યો અને ઝાલમુરીનાં નસીબ ખૂલી ગયાં. ગયા રવિવારે નરેન્દ્ર મોદીએ ઝાલમુરી ખાધી અને ૪૮ કલાકમાં ગૂગલ પર ૧૦ કરોડથી પણ વધુ લોકોએ ઝાલમુરી સર્ચ કરી લીધી તો ઝાલમુરીવાળા સાથે વાત કરતા નરેન્દ્ર મોદીનો વિડિયો પણ ઇન્સ્ટાગ્રામ પર ૧૦ કરોડ વ્યુઝ પાર કરી ગયો. અરે, નરેન્દ્ર મોદીને ઝાલમુરી ખવડાવનારા બિક્રમ સાહુએ પાંચસોથી વધુ ઇન્ટરવ્યુ આપી દીધા અને ઇન્ટરવ્યુ આપવાનું હજી પણ ચાલુ જ છે. જે બિક્રમ રોજનો હજાર-બારસોનો વેપાર કરતો હતો તે બિક્રમનો દૈનિક વેપાર નરેન્દ્ર મોદી આવ્યા પછી ચાર-પાંચ હજારને ક્રૉસ કરી ગયો છે તો ઝાલમુરી ખાધા પછી નરેન્દ્ર મોદીએ જે ૧૦ રૂપિયાની નોટ આપી એ નોટ ખરીદવા માટે બિક્રમને અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ લોકોની એકાવન હજારથી લઈને દોઢ લાખ રૂપિયા સુધીની ઑફર આવી ગઈ છે. ઝાલમુરી નરેન્દ્ર મોદીએ ખાધી, વાહવાહીથી માંડીને સોશ્યલ મીડિયા ફુટેજ નરેન્દ્ર મોદી લઈ ગયા; પણ એનાં મરચાં બરાબરનાં વિરોધ પક્ષને લાગ્યાં. વિરોધ પક્ષના નેતાઓએ ઝાલમુરી ખરીદીને એ ખાવાની અને બીજાને ખવડાવવાની આ પ્રક્રિયાને પબ્લિસિટી સ્ટન્ટ ગણાવ્યો તો કૉન્ગ્રેસી નેતાઓએ ચમચા ભરી-ભરીને લખવાનું શરૂ કર્યું કે વડા પ્રધાને સાબિત કરી દીધું કે તે ખાય પણ છે અને બીજાને ખવડાવે પણ છે. ભ્રષ્ટાચાર સંદર્ભે કરવામાં આવેલી આ નુક્તેચીનીની વચ્ચે દિલ્હીના રાજકારણમાં અગ્રિમ હરોળમાં રહેતા ભૂતપૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદમાં તો જાણે પ્રૂફરીડરના આત્માએ પરકાયા-પ્રવેશ કર્યો હોય એમ તેમણે પોતાના સોશ્યલ મીડિયા હૅન્ડલ પર લખ્યું કે નરેન્દ્ર મોદી દુકાનદાર પાસે ‘જાલમુડી’ માગે છે; તેમને એ પણ ખબર નથી કે તે જે ખાય છે એ ‘ઝાલમુરી’ છે, નહીં કે ‘જાલમુડી’.
ADVERTISEMENT
જે કહો એ, આ આખી પ્રક્રિયામાં ઝાલમુરી સૌથી વધારે પૉપ્યુલરિટી લઈ ગઈ. મમતા બૅનરજીથી માંડીને નરેન્દ્ર મોદીના વિરોધીઓએ પણ સ્વીકારવું પડશે કે મોદીના હાથમાં પારસમણિનો ટચ છે, તેમણે ઝાલમુરીને સુવર્ણ જેવી વૅલ્યુએબલ બનાવી દીધી.
ફિલ્મ ‘ધુંરધર’ના જમાલ જમાલીની જેમ એકાએક લાઇમલાઇટમાં આવી ગયેલી આ ઝાલમુરી છે શું, એનો જન્મ ક્યારે થયો અને બંગાળની ઇકૉનૉમીમાં ઝાલમુરીનું શું મહત્ત્વ છે એ જાણવા જેવું છે.

ઝાલમુરીમાં વપરાતા ‘ઝાલ’ શબ્દનો અર્થ થાય તીખો અને ‘મુરી’ એટલે મમરા. અર્થાત્ ઝાલમુરી એટલે તીખા મમરા, જે કોઈ પણ સમયે ભૂખ ભાંગવામાં ઉપયોગી બને છે.
છે શું ઝાલમુરી?
સાદી અને સરળ ભાષામાં કહેવું હોય તો કહી શકાય કે મુંબઈની જે સૂકી ભેળ છે એવી જ આ પશ્ચિમ બંગાળની સૂકી ભેળ છે. નથિંગ લેસ, નથિંગ મચ. મમરા, મસાલા, સહેજ અમસ્તી તળેલી સિંગ, સેવ, લાલ મરચું, શેકેલા જીરાનો પાઉડર, આમચૂર પાઉડર, ડુંગળી, ટમેટાં, કાકડી, લીંબુ, કોથમીરથી એ તૈયાર થાય છે. મુંબઈની સૂકી ભેળ અને ઝાલમુરી વચ્ચે એક મોટો ફરક એ છે કે ઝાલમુરીમાં કાચું સરસવનું તેલ નાખવાનું હોય છે અને આ તેલ જ ઝાલમુરીમાં ગેમ-ચેન્જર છે.
પશ્ચિમ બંગાળનું ફાસ્ટેસ્ટ તૈયાર થતું આ સ્ટ્રીટ-ફૂડ એ હદે પૉપ્યુલર છે કે નાના અને ગરીબ માણસથી લઈને કરોડપતિ પણ એ ખાય છે. ઝાલમુરીની બીજી એક ખાસિયત એ કે એ ક્યારેય ખાવા માટે પ્લેટમાં આપવામાં નથી આવતી. એ કાગળના કોનમાં આપવામાં આવે છે અને ખાવાની સાચી મજા પણ એમાં જ આવે છે. કાગળના આ કોનને ત્યાંની સ્થાનિક પ્રજા ઠોંગા કહે છે.
યાદ રાખજો, ઝાલમુરી માત્ર નાસ્તો નથી પણ પશ્ચિમ બંગાળની એક એવી લાગણી છે જે બંગાળની સંસ્કૃતિ અને ઇતિહાસને ઉજાગર કરે છે.

નરેન્દ્ર મોદીએ ઝાલમુરી માટે જે ૧૦ રૂપિયાની નોટ આપી એ ખરીદવા માટે ચાહકોમાં પડાપડી થઈ હતી.
જન્મ ઝાલમુરીનો
ઝાલમુરીના જન્મનો કોઈ ચોક્કસ દિવસ નથી; પણ હા, ઝાલમુરીને સ્ટ્રીટ-ફૂડ તરીકે લોકચાહના મળી બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન. એ અગાઉ પણ ઝાલમુરી ખવાતી હોવાની નોંધ ઇતિહાસકારોએ કરી છે. અલબત્ત, સમયાંતરે ઝાલમુરીના રૂપ અને સ્વાદમાં ફેરફારો થતા રહ્યા છે. શરૂઆતના સમયમાં ઝાલમુરી માત્ર સરસવનું તેલ અને મરચું-મીઠું નાખીને બનતી તો એ પહેલાં મુરી એટલે કે મમરામાં ગોળ અને દૂધ નાખીને ખાવામાં આવતા.
હવે તો અભણને પણ ખબર છે કે પશ્ચિમ બંગાળમાં ડાંગરનો પાક સૌથી વધારે લેવામાં આવે છે. દેશમાં ડાંગરના ઉત્પાદનમાં પશ્ચિમ બંગાળ સૌથી ઉપર છે. ડાંગર મહત્તમ થતી હોવાથી ભોજનમાં ચોખાનું પ્રમાણ પણ મહદંશે વધારે રહે છે અને આ જ કારણ છે કે ત્યાં મમરા ખાવાનું પ્રમાણ પણ વધારે છે. તમને જાણીને નવાઈ લાગશે કે દેશ આખામાં પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે મુરી મિલ્સ એટલે કે મમરાની ફૅક્ટરીઓ છે. મમરા વધુ થતા હોવાથી ઈસવીસન ૧૯૦૦ના આરંભનાં વર્ષોમાં મમરા, ગોળ અને દૂધ એ અહીંના સ્થાનિક લોકોનો સવારનો નાસ્તો રહેતો. આજે પણ પશ્ચિમ બંગાળના નાના ગામમાં સવારના નાસ્તામાં આ દૂધ-મુરી જ લેવામાં આવે છે. એ બનાવવાની રીત પણ સરળ છે. ગોળના ઝીણા ટુકડા કરીને એ દૂધમાં નાખી દેવાના અને થોડી વારમાં ગોળ ઓગળી જાય એટલે એમાં મમરા નાખીને ખાવાના. સ્વાદ અનુસાર એમાં કેળાં કે સફરજન જેવાં ફ્રૂટ્સ નાખવાની પણ પ્રથા રહી છે. ઍનીવે, આપણે વાત કરીએ છીએ ઝાલમુરીની.
કોણ છે બિક્રમ સાહુ?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જેના હાથની ઝાલમુરી ખાધી તે બિક્રમ સાહુ મૂળ બિહારનો છે, પણ તેના પપ્પાની સાથે દસકાઓ પહેલાં પશ્ચિમ બંગાળ શિફ્ટ થઈ ગયો છે. ઝારગ્રામમાં દુકાન ધરાવતા બિક્રમના પપ્પાનું નામ ઉત્તમકુમાર અને તેનાં મમ્મીનું નામ સુલોચનાદેવી છે. મમ્મી-પપ્પા સાથે રહેતા બિક્રમ પર એવો આક્ષેપ થયો છે કે તેને બે દિવસ પહેલાંથી ખબર હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેની દુકાને આવવાના છે. આ જ કારણે તેણે દુકાન આખી વ્યવસ્થિત, ચોખ્ખી અને ભરેલી રાખી હતી. આ વાત પર અનેક મતમતાંતર છે. જોકે એક હકીકત છે કે બિક્રમની દુકાન આટલી જ ભરેલી હોય છે, કારણ કે તે ઝાલમુરી બનાવવાની સાથોસાથ ઝાલમુરીમાં વપરાતી સામગ્રીનો હોલસેલ વેપાર કરે છે. આજુબાજુના નાના ફેરિયાઓ રોજ તેને ત્યાં માલ લેવા આવતા હોય છે.
આગળ કહ્યું એમ સરસવનું તેલ અને મીઠું-મરચું નાખીને ઝાલમુરી તૈયાર કરીને ખાવાની પ્રથા શરૂ થઈ. આ વરાઇટી મોટા ભાગે સાંજના સમયે ખાવામાં આવતી, જેથી ઘરે પહોંચ્યા સુધીમાં ફરીથી પેટ હળવું થઈ ગયું હોય. જોકે બીજા વિશ્વયુદ્ધ સમયે એટલે કે ૧૯૪૦ના અરસા દરમ્યાન બ્રિટિશ સૈનિકો અને મારવાડી વેપારીઓ મોટી સંખ્યામાં કલકત્તામાં સ્થાયી થયા અને તેમની સાથે બિહાર અને ઉત્તર પ્રદેશના મજૂરો પણ કલકત્તામાં આવ્યા. આ મજૂરોએ જ ઝાલમુરીના આજના સ્વરૂપને જન્મ આપ્યો છે એવું સ્થાનિક લોકોનું માનવું છે.
મમરામાં સરસવના તેલ સાથે અલગ-અલગ મસાલાઓ નાખવાનું શરૂ થયું તો સાથોસાથ એમાં ચણા એટલે કે દાળિયા નાખવાનું પણ શરૂ થયું. કહે છે કે બિહાર અને ઉત્તર પ્રદેશના જે મજૂરો હતા તેમની પત્નીઓ ઝાલમુરીના આ રૂપની જનક રહી અને તેમણે જ ફૅક્ટરીઓમાં અને પશ્ચિમ બંગાળનાં નાનાં શહેરો અને ગામોની ગલીમાં ઝાલમુરી વેચવાની શરૂ કરી. એ ઝાલમુરી સસ્તી હતી અને પેટ ભરવા માટે સક્ષમ હતી એટલે એની પૉપ્યુલરિટી પણ કૂદકે ને ભૂસકે વધવા માંડી.
અંતર બંગાળીઓનું
બંગાળી પ્રજા થોડી જડ જેવી છે. તે જે સ્વીકારે એને તરત છોડે નહીં અને જેનો વિરોધ કરે એનો લાંબો સમય વિરોધ કરે. તમને જાણીને નવાઈ લાગશે પણ એ હકીકત છે કે નવા રૂપમાં આવેલી એટલે કે બિહાર-UPના લોકો દ્વારા ઇન્વેન્ટ થયેલી ઝાલમુરી બંગાળીઓએ સ્વીકારી નહોતી. એની પાછળ કારણ હતું બંગાળીઓનો ઈગો. તમે અમને શું શીખવવાના એવો જે ભાવ તેમના મનમાં હતો એને લીધે એક પણ બંગાળી પેલા બિહાર-UPના ઝાલમુરી વેચનારાઓ પાસે ઊભા રહેતા નહીં. જોકે બન્યું એમાં એવું કે બાળકો દ્વારા આ નવી ઝાલમુરીનો સ્વાદ બંગાળીઓના ઘરમાં પહોંચ્યો.
નવી ઝાલમુરીનો સ્વાદ એવો અદ્ભુત હતો કે ખાનારાઓના મનમાં ઘરમાં કરવા લાગ્યો અને બંગાળી મમ્મી-પપ્પા અને પછી દાદા-દાદીઓ પણ નવી ઝાલમુરી ખાવા લાગ્યાં. જોકે અહીં પણ તેમનો ઈગો અકબંધ રહ્યો અને તેમણે નવી જન્મેલી ઝાલમુરીને પોતાનો રંગ આપવાનું શરૂ કર્યું અને ઝાલમુરીમાં કાંદા, નારિયેળના ટુકડા અને બીજી વરાઇટીઓ ઍડ કરવાનું શરૂ કરી દીધું.
તેલ કયું? સરસવ કે રાઈ?
એક વાત યાદ રાખજો કે સરસવ અને રાઈ બન્ને એક ફૅમિલીનાં ખરાં પણ બન્ને કાકા-બાપાના દીકરા, સગા ભાઈ નહીં. સરસવનું તેલ પ્રમાણમાં તીખું ખરું પણ એમાં સહેજ મીઠાશ પણ હોય છે, જ્યારે રાઈનું તેલ માત્ર તીખું હોય અને એ લાંબો સમય ખાવાથી ગળામાં બળતરા પણ કરી શકે છે. ઝાલમુરીમાં સરસવનું તેલ નાખવામાં આવે છે, નહીં કે રાઈનું તેલ. પશ્ચિમ બંગાળ ઉપરાંત બિહાર અને ઉત્તર પ્રદેશમાં પણ સરસવ થતો હોવાથી આ વિસ્તારમાં એ તેલનો ઉપયોગ વધારે થાય છે અને એને લીધે પશ્ચિમ બંગાળ સિવાય બિહાર તથા ઉત્તર પ્રદેશમાં પણ ઝાલમુરી ખાવાની પ્રથા પડી છે. જોકે સૌથી વધારે તો એ પશ્ચિમ બંગાળમાં જ ખવાય છે. બંગલાદેશમાં પણ ઝાલમુરી પુષ્કળ ખવાય છે.
બંગાળીઓેએ નવી ઝાલમુરી સ્વીકારી લીધા પછી એનો વ્યાપ રાજાની કુંવરીની જેમ દિન દુગુના, રાત ચૌગુના વધવા માંડ્યો. ભરચક રેલવે-સ્ટેશનથી લઈને બજારમાં કામ કરતા નાના માણસો અને સ્થાનિક મજૂરોને એવા નાસ્તાની જરૂર હતી જે રાંધવો ન પડે, લાંબા સમય સુધી બગડે નહીં અને પ્રમાણમાં સસ્તો પણ હોય. મૅટર એન્ડ. ઝાલમુરી કૂદકે ને ભૂસકે ભાગવા માંડી.
ઝાલમુરીનું અર્થતંત્ર
આમ તો સ્ટ્રીટ-ફૂડના અર્થતંત્રનો ક્યારેય અંદાજ ન લગાવી શકાય, પણ અહીં આપણે એનો આછોસરખો પ્રયાસ કરીએ છીએ.
નરેન્દ્ર મોદીએ જે ઝાલમુરી ટ્રાય કરી એ ઝાલમુરી વેચીને પોતાનું ઘર ચલાવતા હોય એવા પશ્ચિમ બંગાળમાં ૧૦ લાખથી વધારે લોકો છે. ઝાલમુરી એક એવો વેપાર છે જે સહજ અને સરળતાથી શરૂ થઈ જાય છે. જો તમારી પાસે ૧૦૦૦ રૂપિયા હોય તો તમે સહેલાઈથી ઝાલમુરીની નાની લારી કે ટોપલી ચાલુ કરી શકો અને તમારે કોઈની મોહતાજી પણ નહીં કરવાની. આ જ કારણ છે કે ઝાલમુરીના ધંધામાં રોજ અંદાજે ૧૦,૦૦૦ બંગાળીઓ દાખલ થાય છે. અહીં બંગાળીઓની માનસિકતા પણ કામ કરે છે.
બંગાળીઓ બહુ નિરાંતની માનસિકતા ધરાવતી પ્રજા છે. એને પૈસા પાછળ દોડવું બિલકુલ નથી ગમતું. જરૂરિયાત મુજબનું કમાઈ લીધા પછી એ લાંબા પગ કરીને પોતાના કલ્ચરલ પ્રોગ્રામ જોવા બેસી જશે. આ જ તો કારણ છે કે બંગાળીઓ મજૂરીકામમાં જોવા નથી મળતા અને આ જ કારણ છે કે બંગાળીઓ દેશના ટોચના ઉદ્યોગપતિ પણ નથી બનતા. આ બન્ને કામ એવાં છે જે તમે ઘડિયાળના કાંટે ન કરી શકો. ઝાલમુરીના વેપારે બંગાળી લોઅર ક્લાસને સાચવી લીધો છે તો ઝાલમુરીએ બંગાળના મમરાઉદ્યોગને પણ જબરદસ્ત લાભ કરાવી દીધો છે. ડાંગરનું મબલક ઉત્પાદન અને એમાં ઝાલમુરીનું ચલણ. મમરા બનાવતી નાની ફૅક્ટરીઓ હજારો લોકોને રોજગાર આપે છે તો ઝાલમુરીને લીધે ડેવલપ થયેલા સરસવના તેલની ઑઇલ મિલ અને મુરી મસાલાના પૅકેજિંગ ઉદ્યોગમાં પણ વેગ આવ્યો છે.
ઝાલમુરી પર સીધેસીધા આધારિત કે પરાવલંબી સ્તર પર જળવાઈ રહેલા બિઝનેસની વાત કરીએ તો ઝાલમુરી દ્વારા પશ્ચિમ બંગાળને રોજનો ૧૦૦ કરોડ રૂપિયાથી પણ વધુનો બિઝનેસ થાય છે.
ઝાલમુરી, ધ ગાર્ડિયન અને સંજય ગોરડિયા

લંડનમાં કલકત્તાની ફેમસ ઝાલમુરી વેચતા ઍન્ગસ ડેનૂનનો સ્ટૉલ.
બ્રિટિશ ન્યુઝપેપર ‘ધ ગાર્ડિયન’માં ઝાલમુરી પર એક ફુલ પેજ આર્ટિકલ લખાયો હતો અને એમાં લખ્યું હતું કે ઝાલમુરી એ માત્ર મમરાનું મિશ્રણ નથી પણ એક એડિબલ આર્ટ છે. આ આર્ટિકલ બન્યો એ પાછળનું કારણ ઍન્ગસ ડેનૂન નામનો એક બ્રિટિશર હતો. ઍન્ગસ એક વખત કલકત્તા આવ્યો અને તે ઝાલમુરીના એવા પ્રેમમાં પડી ગયો કે તેણે બ્રિટન પાછા જઈને ત્યાં ઝાલમુરી એક્સપ્રેસના નામે વૅન શરૂ કરી અને લંડનમાં ઝાલમુરી વેચવાનું શરૂ કરી દીધું. ‘મિડ-ડે’ના કૉલમનિસ્ટ અને જાણીતા ગુજરાતી ઍક્ટર સંજય ગોરડિયા ૨૦૨૪ની શરૂઆતના મહિનાઓમાં લંડન ગયા ત્યારે આ ઍન્ગસ ડેનૂનને ખાસ મળવા ગયા હતા. સંજય ગોરડિયા કહે છે, ‘ઍન્ગસને ઝાલમુરીનો સ્વાદ તો ભાવ્યો જ હતો, પણ એને ૩ વાત સૌથી વધારે ગમી હતી. પહેલી, આ આઇટમ બનાવવા માટે ગૅસ કે બળતણની જરૂર પડતી નથી. બીજી વાત, આ હન્ડ્રેડ પર્સન્ટ વેજિટેરિયન આઇટમ છે અને ત્રીજી વાત, ગરીબ માણસ એ ભૂખ ભાંગવા માટે ખાય અને શ્રીમંત આ આઇટમ સ્વાદ માટે ખાય.’
સંજયભાઈએ ઍન્ગસનો કૉન્ટૅક્ટ સોશ્યલ મીડિયા મારફત કર્યો હતો. સંજયભાઈ કહે છે, ‘ઍન્ગસ મોટા ભાગે લંડનના ઈસ્ટ હેમમાં ઊભો રહે છે, કારણ કે આ વિસ્તારમાં ઇન્ડિયન્સ, પાકિસ્તાની અને બંગલાદેશીઓની મોટી અવરજવર છે જેમને આ ઝાલમુરી બહુ ભાવે છે એટલે પોતાનો ધંધો ચાલ્યા કરે. જોકે સૌથી સરસ વાત એ છે કે આપણી એક વરાઇટીએ એક બ્રિટિશરને એવો પ્રેમમાં પાડ્યો કે તેણે પોતાનું આખું જીવન આ ઝાલમુરીને આપી દીધું અને એને જ પોતાની આજીવિકા બનાવી લીધી. સામા પક્ષે આપણે... આપણે પીત્ઝા અને બર્ગર જેવા બ્રેડના ડૂચા પાછળ પાગલ છીએ. હું તો જાહેરમાં નરેન્દ્ર મોદીનો આભાર માનીશ કે તેમણે આ ઝાલમુરી ખાઈને આપણી આવી હેલ્ધી અને પ્રમાણમાં સસ્તી કહેવાય એવી વરાઇટીને આટલી પૉપ્યુલર કરી દીધી. હું તો નરેન્દ્રભાઈને કહીશ કે તે આવું કરતા રહે જેથી આપણી વરાઇટી આજની નવી જનરેશનમાં પૉપ્યુલર થાય અને આપણે રોજેરોજ બ્રેડના ડૂચા ખાવામાંથી બહાર આવીએ.’ ઍન્ગસ અને સંજય ગોરડિયા બન્ને સારા મિત્રો છે અને આજે પણ બન્ને નિયમિત કૉન્ટૅક્ટમાં છે. એક ખાસ વાત, ઝાલમુરીનો મોટા ભાગનો સામાન ઍન્ગસ ડેનૂન કલકત્તાથી જ મગાવે છે.
