Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Gujarati Cinema: દંતકથા, ભય, જંગલોના રહસ્યો અને જિંદગીની મોજ પર આવશે ફિલ્મો

Gujarati Cinema: દંતકથા, ભય, જંગલોના રહસ્યો અને જિંદગીની મોજ પર આવશે ફિલ્મો

Published : 25 May, 2026 05:19 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

તાજેતરમાં જ જાહેર થયેલી ત્રણ ફિલ્મો, `કબંદા` (Kabanda), `કડકનાથ` (Kadaknath) અને `જિંદગી વન્સ મોર` (Jindagi Once More)એ પુરાવા છે કે વેરાયટીને મામલે ગુજરાતી ફિલ્મો ગુજરાતી થાળી સાથે સ્પર્ધા કરી રહી છે.

કબંદા, જિંદગી વન્સ મોર અને કડકનાથ આવનારા મહિનામાં રિલીઝ થનારી ફિલ્મો છે

કબંદા, જિંદગી વન્સ મોર અને કડકનાથ આવનારા મહિનામાં રિલીઝ થનારી ફિલ્મો છે


ગુજરાતી સિનેમામાં હવે વધુ સાહસી પ્રયોગો થઈ રહ્યા છે. પહેલાં ગુજરાતી ફિલ્મો ગામ, ગરબો અને ગોકીરોમાંથી બહાર નીકળી તો હવે અર્બન ફિલ્મોના એક સરખા પ્રવાહની વચ્ચે જ્યારે અમુક સાવ જૂદી ફિલ્મો ક્યારેક દેખાતી હતી તેનું પ્રમાણ વધ્યું છે.  તાજેતરમાં જ જાહેર થયેલી ત્રણ ફિલ્મો, `કબંદા` (Kabanda), `કડકનાથ` (Kadaknath) અને `જિંદગી વન્સ મોર` (Jindagi Once More)એ પુરાવા છે કે વેરાયટીને મામલે ગુજરાતી ફિલ્મો ગુજરાતી થાળી સાથે સ્પર્ધા કરી રહી છે.

કબંદાની વાત કરીએ તો આ ફિલ્મ ડર, પૌરાણિક કથા (myth) અને મનોવૈજ્ઞાનિક રહસ્ય તરફ ઝૂકેલી છે. રેહાન ચૌધરી દ્વારા નિર્દેશિત આ ફિલ્મના ટીઝર અને ટ્રેલર પરથી અંદાજ આવે છે કે આ કોઈ પરંપરાગત ફેમિલી ડ્રામા નથી, પરંતુ એક સુપરનેચરલ-થ્રિલર (અલૌકિક રહસ્યમય) દુનિયા છે. આ પહેલાં હોરરને નામે લોકોના હોશ ઉડાડી દેવાના બધા જ માર્ક કૃષ્ણદેવ યાજ્ઞિકને મળે જેમણે બે વાર લોકોને `વશ`માં કર્યા. એ પછી બીજી પણ હોરર થ્રિલર ફિલ્મો આવી પણ પૌરાણિક કથાઓના પાયા પર બનેલી હોરર ફિલ્મ એટલે કબંદા. આપણી પૌરાણિક કથાઓમાં એક ગંધર્વને શ્રાપ મળવાથી તેનું મ્હોં તેના ધડમાં આવી જાય છે તેની કથા છે. એ માથા વગરના રાક્ષસની વાર્તા આ ફિલ્મના આધુનિકીકરણનો હિસ્સો છે. `કબંદા` ફિલ્મનું નિર્દેશન, લેખન રેહાન ચૌધરીનું છે. ફિલ્મમાં  શ્યામ નાયર, તર્જની ભાડલા, બ્રિન્દા ત્રિવેદી સાથે રુચિતા ચોથાણી અને અંકિત બ્રહ્મભટ્ટ  છે. આ ફિલ્મને વેદાંત મહેશ્વરી અને રેહાન ચૌધરીએ સાથે મળીને પ્રોડ્યુસ કરી છે, જ્યારે ફિલ્મનું સંગીત પલ્લવ બરુઆનું છે.




બીજી ફિલ્મ છે, `કડકનાથ` એ સાંસ્કૃતિક વિશિષ્ટતાનું પ્રતીક છે. આ ફિલ્મને `પ્રથમ ભીલી ભાષાની ફિલ્મ` તરીકે ઓળખાવવામાં આવી છે, અને આ એક જ બાબત તેને અન્ય ફિલ્મોથી અલગ પાડે છે. પુણે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં આદિવાસી પ્રતિનિધિત્વના પ્રતીક તરીકે આ ફિલ્મ પહેલેથી જ ચર્ચામાં આવી ચૂકી છે, જ્યાં વિવેચકોએ સિનેમામાં ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતા માટે તેના મહત્વની નોંધ લીધી છે. એવા સિનેમાના વાતાવરણમાં જ્યાં મુખ્ય પ્રવાહની ભાષાઓ વચ્ચે પ્રાદેશીક બોલીઓની હાજરી વર્તાતી નથી ત્યારે આ એક મોટી ઉપલબ્ધિ છે.  `કડકનાથ`ની વાર્તાનું બેકગ્રાઉન્ડ તેને મજબૂત બનાવે છે. આ વાર્તા ગુજરાતના એક અંતરિયાળ ગામડા પર આધારિત થ્રિલર તરીકે રજૂ કરવામાં આવી છે, જ્યાં થતા ખૂન આદિવાસી સમુદાયને હચમચાવી મૂકે છે અને મુખ્ય પાત્રને આવતા ભ્રમ (hallucinations) તેને ભૂતકાળના એક દબાયેલા આઘાત તરફ દોરી જાય છે. રહસ્ય, લોકજીવનનું વાતાવરણ અને સામાજિક સંદર્ભનું આ અનોખું મિશ્રણ ફિલ્મને સામાન્ય સસ્પેન્સ ડ્રામા કરતાં વધુ ઊંડાણપૂર્વકની ઓળખ આપે છે. આ ફિલ્મમાં અભિનય બેંકર, ડેનિશા ઘુમરા અને નિસર્ગ ત્રિવેદી છે. કૌશીક ગરાસીયા જે પોતે દાહોદના વતની છે તેમણે આ ફિલ્મ ડાયરેક્ટ કરી છે, લેખક પણ તેઓ જ છે. જાતિગત શોષણ અને હિંસા વિશે આ ફિલ્મમાં વાત કરાઈ છે.  કૌશિક પોતે આદિવાસી છે અને તેમણે અગાઉ અન્ય મીડિયા સાથેના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે આદિવાસીની નજરથી, આદિવાસી નાયકની વાર્તા આ ફિલ્મમાં કહેવાઈ છે કારણકે લોકોએ એ જાણવું જોઈએ કે આદિવાસી પણ હીરો હોઈ શકે છે અને તેનું વિશ્વ નજીકથી બતાડવાનો જ આ ફિલ્મનો હેતુ છે.


ત્રીજી ગુજરાતી ફિલ્મ છે `જિંદગી વન્સ મોર`, અને આ ફિલ્મ ખાસ છે કારણકે આ ફિલ્મનું ડિસ્ટ્રિબ્યુશન અને પ્રેઝન્ટેશન ધર્મા મૂવીઝ દ્વારા કરવામાં આવશે. આ વાર્તા પિતા-પુત્રના સંબંધની આસપાસ છે. તે જૂન ૧૯ના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે. `ફાધર્સ ડે`ના વીકએન્ડ પર તે રિલીઝ થશે અને લાગી રહ્યું છે કે તે લાગણીઓથી સભર અને વ્યાપક કૌટુંબિક અપીલ ધરાવતી ફિલ્મ હશે. ગુજરાતી સિનેમાના કિંગ અને સુપરસ્ટાર સિદ્ધાર્થ રાંદેરિયા, આરતી વ્યાસ પટેલ, દીપ ધોળકિયા અને જહાનવી ધાકણ જોવા મળશે. જૈમિન મોદીએ ફિલ્મનું ડિરેક્શન કર્યું છે.

 

 
આ ત્રણ ફિલ્મોની જાહેરાત સાબિત કરે છે કે, ગુજરાતી ફિલ્મ નિર્માતાઓ હવે સેફ ફોર્મ્યુલા (સલામત રસ્તાઓ) થી આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે તે દેખાય છે. દર્શકો કયા અને કેવા પ્રયત્નોને બિરદાવે છે તે જોવું રહ્યું. 

Whatsapp-channel Whatsapp-channel

25 May, 2026 05:19 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK