Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > યુવતીઓની પસંદ બની રહી છે ઈસ્ટ-વેસ્ટ બૅગ

યુવતીઓની પસંદ બની રહી છે ઈસ્ટ-વેસ્ટ બૅગ

Published : 23 November, 2026 05:38 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઑફિસથી લઈને પાર્ટી સુધી અલગ-અલગ પ્રસંગે એને કેવી રીતે સ્ટાઇલ કરવી એ જાણીએ

ઈસ્ટ-વેસ્ટ બૅગ

ઈસ્ટ-વેસ્ટ બૅગ


નેવુંના દાયકાની ફૅશનમાંથી પ્રેરિત ઈસ્ટ-વેસ્ટ બૅગ ફરી ટ્રેન્ડમાં આવી છે. આડી અને લાંબી ડિઝાઇન, સ્ટાઇલિશ લુક અને રોજિંદા ઉપયોગ માટેની અનુકૂળતાને કારણે ફૅશનપ્રેમીઓમાં એની લોકપ્રિયતા વધી રહી છે. ઑફિસથી લઈને પાર્ટી સુધી અલગ-અલગ પ્રસંગે એને કેવી રીતે સ્ટાઇલ કરવી એ જાણીએ

ઈસ્ટ-વેસ્ટ બૅગની વાત કરીએ તો જેમ નકશામાં પૂર્વથી પશ્ચિમ દિશા આડી હોય છે, બરાબર એ જ રીતે આ બૅગનો આકાર આડો અને લાંબો હોય છે. આ બૅગની સૌથી મોટી ખાસિયત એ છે કે એ દેખાવમાં નાની અને કૉમ્પૅક્ટ લાગે છે, છતાં એમાં જરૂરી સામાન આરામથી સમાઈ જાય છે. ઊંડી બૅગમાં જેમ નીચે પડેલી વસ્તુ શોધવા માટે આખી બૅગ ફંફોસવી પડે છે એવી ઝંઝટ આ બૅગમાં રહેતી નથી. ચેઇન ખોલતાં જ અંદરનો બધો સામાન સ્પષ્ટ દેખાય છે.



અલગ-અલગ પ્રસંગે સ્ટાઇલિંગ


ઈસ્ટ-વેસ્ટ બૅગની ખાસિયત એ છે કે એક જ બૅગને અલગ-અલગ આઉટફિટ સાથે જુદી રીતે સ્ટાઇલ કરી શકાય છે. જોકે દરેક પ્રસંગ માટે બૅગનો રંગ, મટીરિયલ, સાઇઝ અને સ્ટ્રૅપની પસંદગી યોગ્ય હોવી જરૂરી છે. માત્ર બૅગ સુંદર દેખાય એટલું પૂરતું નથી, એ તમારા આખા લુક સાથે કેટલી સારી રીતે ભળી જાય છે એ પણ મહત્ત્વનું છે.

જીન્સ અને ટી-શર્ટ સાથે કૅઝ્યુઅલ લુક


રોજિંદા આઉટિંગમાં, કૉફી-ડેટ પર કે ફ્રેન્ડ્સ સાથે ફરવા જવાનું હોય ત્યારે જીન્સ અને ટી-શર્ટ સાથે ઈસ્ટ-વેસ્ટ બૅગ સારી લાગે છે. બ્લુ ડેનિમ અને વાઇટ ટી-શર્ટ સાથે બ્રાઉન, બ્લૅક કે ટૅન રંગની બૅગ પસંદ કરી શકાય. થોડો અલગ લુક જોઈતો હોય તો રેડ, યલો કે ગ્રીન જેવા બ્રાઇટ કલરની બૅગ પણ ટ્રાય કરી શકાય. આ પ્રકારના આઉટફિટ સાથે સૉફ્ટ લેધર કે સ્યુડ મટીરિયલની બૅગ કૅઝ્યુઅલ છતાં સ્ટાઇલિશ લુક આપે છે. જો હાથમાં બીજો સામાન ન રાખવો હોય તો લાંબા સ્ટ્રૅપવાળી બૅગને ક્રૉસબૉડી તરીકે પણ પહેરી શકાય છે.

ઑફિસ માટે ફૉર્મલ અને એલિગન્ટ લુક

ઑફિસવેઅર સાથે ઈસ્ટ-વેસ્ટ બૅગને ક્લાસી રીતે સ્ટાઇલ કરી શકાય છે. ફૉર્મલ શર્ટ-ટ્રાઉઝર, બ્લેઝર કે પેન્સિલ સ્કર્ટ સાથે બ્લૅક, બ્રાઉન, બેજ કે નેવી બ્લુ રંગની સ્ટ્રક્ચર્ડ લેધર અથવા ફોક્સ લેધરની બૅગ સારી લાગે છે. આ પ્રકારની બૅગનો આકાર ચોક્કસ હોવાથી આખા લુકને વ્યવસ્થિત અને પ્રોફેશનલ બનાવે છે. ઑફિસ માટે બહુ વધારે મેટાલિક ડીટેલિંગ કે ચમક ધરાવતી બૅગને બદલે સાદી ડિઝાઇન પસંદ કરવી. ટૂંકા શોલ્ડર સ્ટ્રૅપવાળી બૅગ ફૉર્મલ આઉટફિટ સાથે વધુ એલિગન્ટ લાગે છે.

વેસ્ટર્ન ડ્રેસ અને સ્કર્ટ સાથે ફેમિનિન લુક

મૅક્સી ડ્રેસ, મિડી ડ્રેસ, સ્કર્ટ કે ફ્લોરલ આઉટફિટ સાથે ઈસ્ટ-વેસ્ટ બૅગ સુંદર લાગે છે. ખાસ કરીને પેસ્ટલ પિન્ક, ક્રીમ, લાઇટ બ્લુ કે લિલેક જેવા રંગની બૅગ સમર ડ્રેસ સાથે ફ્રેશ લુક આપે છે. જો ડ્રેસમાં પ્રિન્ટ વધારે હોય તો સાદા રંગની બૅગ પસંદ કરવી, જ્યારે સાદા અને સિંગલ કલરના ડ્રેસ સાથે પ્રિન્ટેડ કે ટેક્સ્ચર્ડ બૅગ ટ્રાય કરી શકાય. આ પ્રકારના લુકમાં નાની સાઇઝની બૅગ અને પાતળા સ્ટ્રૅપ વધુ સારા લાગે છે.

પાર્ટી અને ડિનર માટે ગ્લૅમરસ લુક

નાઇટ પાર્ટી, ડિનર કે ખાસ પ્રસંગે ઈસ્ટ-વેસ્ટ બૅગને ગ્લૅમરસ અંદાજમાં કૅરી કરી શકાય છે. મેટાલિક ફિનિશ, સીક્વન્સ, સ્ટોનવર્ક કે ચેઇન ડીટેલિંગવાળી બૅગ પાર્ટીવેઅર માટે સારી પસંદગી છે. બ્લૅક ગાઉન સાથે સિલ્વર બૅગ અથવા વાઇટ આઉટફિટ સાથે ગોલ્ડન બૅગ પસંદ કરી શકાય. જો આઉટફિટમાં પહેલેથી જ વધારે વર્ક હોય તો બૅગની ડિઝાઇન સાદી રાખવી. નાની ઈસ્ટ-વેસ્ટ ક્લચ બૅગ હાથમાં પકડવાથી પાર્ટી-લુક વધુ આકર્ષક લાગે છે.

સાડી અને એથ્નિકવેઅર સાથે ઇન્ડો-વેસ્ટર્ન લુક

ઈસ્ટ-વેસ્ટ બૅગ માત્ર વેસ્ટર્ન આઉટફિટ પૂરતી સીમિત નથી. સાડી, કુરતી, શરારા કે લેહંગા સાથે પણ એને સ્ટાઇલ કરી શકાય છે. સિલ્ક સાડી સાથે ગોલ્ડન કે બ્રૉન્ઝ શેડની મેટાલિક બૅગ સુંદર લાગે છે. કૉટન સાડી કે સાદા કુરતા સાથે ટૅન, મરૂન કે એમ્બ્રૉઇડરી વર્કવાળી બૅગ પસંદ કરી શકાય. એથ્નિક આઉટફિટ સાથે બૅગનું મટીરિયલ અને રંગ એકબીજાને પૂરક હોય તો આખા લુકમાં ઇન્ડો-વેસ્ટર્ન ટચ આવે છે.

મોનોક્રોમ લુક સાથે સ્ટાઇલિશ ટચ

મોનોક્રોમ એટલે એક જ રંગના અલગ-અલગ શેડ્સમાં તૈયાર કરેલો લુક. જેમ કે આખો આઉટફિટ વાઇટ, બેજ, બ્લૅક કે બ્રાઉન રંગનો હોય ત્યારે એનાથી કૉન્ટ્રાસ્ટ ધરાવતી ઈસ્ટ-વેસ્ટ બૅગ પસંદ કરી શકાય. ઉદાહરણ તરીકે વાઇટ શર્ટ અને બેજ ટ્રાઉઝર સાથે બર્ગન્ડી કે ચૉકલેટ બ્રાઉન બૅગ સુંદર લાગે છે. આ રીતે બૅગ આખા આઉટફિટનું સ્ટાઇલ-સ્ટેટમેન્ટ બની શકે છે.

બૅગ પસંદ કરતી વખતે આટલું ધ્યાન રાખો

સ્ટ્રેપની લંબાઈ : ઈસ્ટ-વેસ્ટ બૅગની રિયલ બ્યુટી ત્યારે જ દેખાય છે જ્યારે એ ખભાની બરાબર નીચે અન્ડરઆર્મ પાસે રહે. તેથી બહુ લાંબા સ્ટ્રેપને બદલે મીડિયમ કે શૉર્ટ સ્ટ્રેપવાળી બૅગ વધુ સ્ટાઇલિશ લાગે છે.

સાઇઝનું બૅલૅન્સ : જો તમારી હાઇટ ઓછી હોય તો બહુ વધારે લાંબી બૅગ લેવાનું ટાળો. તમારી બૉડીફ્રેમને સૂટ થાય એવી મીડિયમ લંબાઈની બૅગ પસંદ કરો.

ઓવરલોડ ન કરો : આ બૅગ સ્લિક શેપ માટે જાણીતી છે. જો એમાં બહુબધો સામાન ભરી દેવામાં આવશે તો એનો આકાર ફૂલી જશે અને એનો અસલી ચાર્મ ખતમ થઈ જશે. માત્ર મોબાઇલ, કાર્ડહોલ્ડર, લિપસ્ટિક અને ચાવી જેવી જરૂરી વસ્તુઓ એમાં જ રાખો.

Whatsapp-channel Whatsapp-channel

23 November, 2026 05:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK