Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > બળ, બુદ્ધિ, વિદ્યા દેહુ મોહિઃ હનુમાનજી પાસે આ બધું શું કામ માગીએ છીએ?

બળ, બુદ્ધિ, વિદ્યા દેહુ મોહિઃ હનુમાનજી પાસે આ બધું શું કામ માગીએ છીએ?

Published : 20 November, 2026 03:20 PM | Modified : 20 November, 2026 04:01 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બુદ્ધિનો અર્થ થયો વ્યાવહારિક કુશળતા અને વિદ્યાનો અર્થ થયો આધ્યાત્મિક વિદ્યા. ‘સા વિદ્યા યા વિમુક્તયે...’ જે તમને મુક્તિ આપે એ વિદ્યા. માણસ પાસે પરા અને અપરા બન્ને પ્રકારની વિદ્યા હોવી જોઈએ.

ભાઈશ્રી રમેશભાઈ ઓઝા

સત્સંગ

ભાઈશ્રી રમેશભાઈ ઓઝા


ગયા અઠવાડિયે આપણે વાત કરી હનુમાનચાલીસાની. હનુમાનચાલીસામાં કહેવાયું છે, બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરૌ પવનકુમાર. પછીની લાઇનમાં ત્રણ વસ્તુ માગી છેઃ ‘બલ, બુદ્ધિ, વિદ્યા દેહુ મોહિ...’ અને પછી બે વસ્તુને હરી લેવાની વાત કરી છે : ‘હરહુ કલેષ વિકાર...’.

માણસની પાસે બળ ન હોય તો બધું જ નકામું. આત્માનો એક અર્થ થાય આનંદ. જેના શરીરમાં બળ નથી, શક્તિ નથી તેના જીવનમાં આનંદ નહીં હોય, ઉત્સાહ નહીં હોય. શક્તિ અને બળ હોય એને કારણે ઉત્સાહ હોય, પણ જો આપણી પાસે બુદ્ધિ ન હોય તો આપણે સફળ નહીં થઈએ. હનુમાનજી પાસે આપણે બુદ્ધિ પણ માગીએ છીએ. ત્રીજી વસ્તુ છે વિદ્યા. ‘બલ, બુદ્ધિ, વિદ્યા દેહુ મોહી...’



બુદ્ધિ એટલે વ્યાવહારિક બુદ્ધિ. વ્યાવહારિક જગતમાં વ્યવહારને લગતી જે કંઈ કુશળતા આપણામાં હોવી જોઈએ એને આપણે બુદ્ધિ નામથી ઓળખીએ છીએ. આવી કુશળતા જેમનામાં ન હોય તેને આપણે એમ કહીએ છીએ કે ‘આ તો બુદ્ધિ વગરનો છે’, તો બુદ્ધિનો અર્થ થયો વ્યાવહારિક કુશળતા અને વિદ્યાનો અર્થ થયો આધ્યાત્મિક વિદ્યા. ‘સા વિદ્યા યા વિમુક્તયે...’ જે તમને મુક્તિ આપે એ વિદ્યા. માણસ પાસે પરા અને અપરા બન્ને પ્રકારની વિદ્યા હોવી જોઈએ. પરા વિદ્યા એટલે પરમાત્મા સાથે સંબંધિત વિદ્યા અને અપરા વિદ્યા એટલે વ્યવહારજગત સાથે સંબંધિત કુશળતા.


બળ, બુદ્ધિ અને વિદ્યા આ ત્રણેયની જરૂર છે. હનુમાનજી પાસેથી આપણે એ ત્રણેય વસ્તુની પ્રાર્થના કરીએ છીએ, માગીએ છીએ. એની સાથે-સાથે બે વસ્તુ આપણા જીવનમાં ન હોય એવી કામના કરીએ છીએ. આપણાથી છૂટતી ન હોય તો આપણે હનુમાનજીને પ્રાર્થના કરીએ છીએ કે ‘હે હનુમાનજી, તમે આ બે વસ્તુને અમારા જીવનમાંથી હરી લો.’

‘હરઉ કલેષ વિકાર...’


જીવનમાં અનેક પ્રકારનાં કલહ અને દુઃખોનો સામનો કરવો પડે છે. આપણા મનમાં કામ, ક્રોધ, લોભ ઇત્યાદિ કેટલાબધા વિકારો હોય છે. આ વિકારોથી આપણો છુટકારો થાય એ પણ એટલું જ જરૂરી છે એટલે દુ:ખ અને મનના બધા વિકારો આરાધ્ય હનુમાનજી હરી લે એવી પ્રાર્થના કરીએ છીએ. સંકટમોચન હનુમાનજી સૌનું કલ્યાણ કરે, મંગલ કરે. હનુમાનચાલીસાની જ ચોપાઈ છે...

‘નાસૈ રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત બીરા...’ હનુમાનજીને પ્રાર્થના કરી આપણે આ માગીએ.

આપણે બળ, બુદ્ધિ અને વિદ્યાની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરીએ છીએ. સાથોસાથ અધર્મ અને અસત્યથી દૂર રહીએ એ માટે પણ ભગવાનને રોજ વિનંતી કરવાની છે. એ પ્રકારનું સદાચરણ જ આપણને સર્વાંગી પ્રગતિ માટે આગળ લઈ જશે.

પ્રખર ભાગવતકાર ભાઈશ્રી ભાગવત-પ્રસાર ઉપરાંત પોરબંદરમાં સાંદીપનિ આશ્રમ દ્વારા નવી પેઢીમાં ધર્મભાવના જગાડવાનું કામ કરે છે

Whatsapp-channel Whatsapp-channel

20 November, 2026 04:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK