Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > અત્યારના પ્રદૂષણયુગમાં સાઇકલ-કલ્ચર ફરી આવે એની સંભાવના નકારી ન શકાય

અત્યારના પ્રદૂષણયુગમાં સાઇકલ-કલ્ચર ફરી આવે એની સંભાવના નકારી ન શકાય

Published : 17 November, 2026 02:38 PM | Modified : 17 November, 2026 02:57 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાઇકલ જીવનયાત્રાનો હિસ્સો હતી. થોડો સામાન હોય તો સાઇકલ પર આગળ થેલી લટકાવીને કે પાછળ કૅરિયર પર મૂકીને લાવવામાં આવતો. સાઇકલનું ઍડ્વાન્સ્ડ વર્ઝન એટલે સાઇકલ રિક્ષા. જે વગર ધુમાડાએ ખાસ્સી હેરાફેરી કરી આપે.

જૈનાચાર્ય  શ્રી ઉદયવલ્લભસૂરિ

સત્સંગ

જૈનાચાર્ય શ્રી ઉદયવલ્લભસૂરિ


સારા ભવિષ્ય માટે ક્યારેક ભૂતકાળમાંથી જ ફૉર્મ્યુલા બનાવી શકાય છે. નાનપણમાં દરેકે સાઇકલ ફેરવી જ છે. ફરક એટલો કે નાના માણસો ભાડેથી સાઇકલ ફેરવતા અને શ્રીમંત નબીરા પોતાની માલિકીની સાઇકલ ફેરવતા. કલાકના બે રૂપિયા ચૂકવીને સાઇકલ ભાડે ફેરવવાની પ્રથા હતી. 

સાઇકલ જીવનયાત્રાનો હિસ્સો હતી. થોડો સામાન હોય તો સાઇકલ પર આગળ થેલી લટકાવીને કે પાછળ કૅરિયર પર મૂકીને લાવવામાં આવતો. સાઇકલનું ઍડ્વાન્સ્ડ વર્ઝન એટલે સાઇકલ રિક્ષા. જે વગર ધુમાડાએ ખાસ્સી હેરાફેરી કરી આપે. સ્કૂલમાં સાઇક્લિંગથી લઈને સ્લો સાઇક્લિંગની રેસ યોજાતી. સર્કસમાં દોરડા પર સાઇકલ ચલાવી સાહસ બતાવતા સાહસિકોને જોઈને ‘વાઉ’ ફીલ થતું. ટીનેજમાં સાઇકલને શણગારવાનો ક્રેઝ રહેતો.



શહેરના મુખ્ય માર્ગો છોડીને સોસાયટીના શાંત રસ્તાઓ પર કે પ્રાઇવેટ રોડ પર સાઇકલ શીખતાં સંતાનો જોવાં મળતાં. પપ્પા પાછળથી સીટ પકડી રાખીને સાથે દોડતા જાય અને શીખવે. કેટલાકને ઊતરતા જ આવડે, ચડતા ન ફાવે. કેટલાકના પગ નીચે પહોંચે નહીં તો સીટ પરથી ઊભા થઈને બન્ને પગ પેડલ પર રાખીને ચલાવે. સાઇકલની ચેઇન ચડાવવી, હૅન્ડલનું સંતુલન રાખવું, ક્યારે બ્રેક મારવી વગેરે બાબતે કૌશલ્ય હોય અને ઓછામાં ઓછા ચાર-પાંચ વાર ગોઠણ છોલાય ત્યારે સાઇકલ આવડી ગણાય. ભીડ વચ્ચે પણ ઝડપ ઘટાડ્યા વગર ઘંટડી રણકતી રાખીને દે માર ભગાવે એ વળી વધારાનું કૌશલ્ય. બેફિકરાઈથી ગીતો લલકારતા-લલકારતા હાથ છુટ્ટા રાખીને જાણે સ્ટન્ટ-સીન કરતા હોય એવી રીતે સાઇકલ ચલાવવી એ વળી વધારાની ખૂબી. ટૂંકમાં, સાઇકલ જીવનમાં ખૂબ પ્રચલિત સાધન હતું. 


સાઇકલનો ઉપયોગ લશ્કરમાં થતો. ટુકડીની હિલચાલ, સંદેશાવ્યવહાર, જાસૂસી, અનાજ વગેરેનો પુરવઠો અને પૅટ્રોલિંગ જેવાં કાર્યોમાં સાઇકલ પ્રચલિત હતી. નાના બાળકોની ટ્રાઇસિકલ જુદી, દિવ્યાંગો માટેની સાઇકલ જુદી, રૂટીન વપરાશ માટેની જુદી, માલની હેરાફેરી માટે પાછળ કૅરિયરવાળી જુદી અને રેસર સાઇકલ વળી જુદી. બાળકને બેસાડવા હૅન્ડલ પર સેટ કરી શકાય એવી ફોલ્ડિંગ સીટવાળી સાઇકલ આવતી. પર્વત પર ચાલે એવી માઉન્ટન બાઇકિંગ માટેની સાઇકલ પણ રહેતી. આ દેશના લાખો પોસ્ટમેન સાઇકલ પર ડિલિવરી કરવા જતા.

માણસે ધાર્યું પણ નહીં હોય એવી ચીલઝડપના આજના પ્રવાસોનું મૂળ વ્હીલની શોધમાં જડે છે. માણસના સૌપ્રથમ વાહન તરીકે સાઇકલ હતી. યુરોપમાં ઓગણીમી સદીમાં જર્મન સરકારના અધિકારી કાર્લ વૉન ડ્રાઇસ દ્વારા સાઇકલની શોધ થઈ. આગળ જતાં સ્કૉટલૅન્ડના લુહાર કર્કપૅટ્રિક મૅક્‍મિલન દ્વારા એનું પ્રૉપર મૉડલ બનાવવામાં આવ્યું હતું. જર્મનીના બેરોન વોન ડૂઇસે ૧૮૧૭માં સાઇકલ ડિઝાઇન કરી ત્યારે એનું નામ ડ્રેસિયન હતું અને એ પ્રતિ કલાક ૧પ કિલોમીટરની ઝડપે દોડતી. પછી તો ઓછું વજન, સરળ મેકૅનિઝમ, ઓછી જગ્યામાં થતો સમાવેશ, નૉન-પૉલ્યુટિંગ વાહન તરીકે એનો વપરાશ ખૂબ વધતાં ૨૧મી સદીની શરૂઆતમાં જ વિશ્વમાં ૧૦૦ કરોડ સાઇકલો દોડતી હતી.


અત્યારના પ્રદૂષણયુગમાં સાઇકલ-કલ્ચર ફરી આવે એવી સંભાવના નકારી ન શકાય. ઘણાં જોખમો, અકસ્માતો, ઈજા, હિટ અૅન્ડ રન ઘટનાઓ અટકાવવા માટે અને પેટ્રોલથી પ્રદૂષણ સુધીની સમસ્યા સામે સાઇરન વગાડવી હોય તો સાઇકલની ઘંટડી ફરી વગાડવી પડશે.

આચાર્ય શ્રી ઉદયવલ્લભ સૂરિ ‘પર્ફેક્ટિંગ યુથ’ કૅમ્પેન થકી જૈન સમાજના યુવાનોમાં સંસ્કરણનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે

Whatsapp-channel Whatsapp-channel

17 November, 2026 02:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK