Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > યા દેવી સર્વ ભૂતેષુઃ માતૃ-રૂપેણ સંસ્થિતા

યા દેવી સર્વ ભૂતેષુઃ માતૃ-રૂપેણ સંસ્થિતા

Published : 10 May, 2026 01:05 PM | Modified : 10 May, 2026 01:21 PM | IST | Junagadh
Alpa Nirmal

આજે મર્ધસ ડે છે ત્યારે જઈએ ગુજરાતના સોમનાથ જ્યોતિર્લિંગની નજીક આવેલી ચંદ્રભાગા શક્તિપીઠે

ચંદ્રભાગા શક્તિપીઠ

ચંદ્રભાગા શક્તિપીઠ


જનની સૃષ્ટિની નિર્માત્રી છે. નારી વિના સંસારની સંરચના થવી અસંભવ છે. સનાતન ધર્મમાં પણ માતૃશક્તિને અદકેરું મહત્ત્વ અપાયું છે. માતા આવનારી પેઢીનું પાલનપોષણ કરવા સાથે સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યો, સભ્યતાનું સિંચન કરે છે. એ સાથે જ્યારે-જ્યારે વેદિક ધર્મ પર સંકટ આવ્યાં છે ત્યારે પણ ભિન્ન-ભિન્ન સ્વરૂપે દૈવી માતૃશક્તિએ સૃષ્ટિનું સંરક્ષણ કર્યાના અનેક પ્રસંગો આપણાં પુરાણોમાં ઉપલબ્ધ છે. આજે મર્ધસ ડે છે ત્યારે જઈએ ગુજરાતના સોમનાથ જ્યોતિર્લિંગની નજીક આવેલી ચંદ્રભાગા શક્તિપીઠે

વિશ્વની દરેક સંસ્કૃતિમાં, દરેક ધર્મમાં જન્મદાત્રી માતાને વિશેષ સન્માન અપાયું છે. બાળકના જીવનમાં માતા કેન્દ્રીય તત્ત્વ હોય છે. માતા પાસે એવી શક્તિ હોય છે કે તે ધારે તો બાળકને શિવાજી પણ બનાવી શકે અને ધારે તો ઔરંગઝેબ પણ બનાવી શકે છે. આપણા ધાર્મિક શાસ્ત્રની જ વાત કરોને, પાસે કશું ન હોવા છતાં માતા કુંતીએ પાંચ પાંડવોને તેજસ્વી બનાવ્યા અને રાજપાટ, વૈભવ હોવા છતાં ગાંધારીના ૧૦૦ પુત્રો અભિમાની અને લાલચુ બન્યા.



સો, સંતાનના ઘડતરમાં માતાની ભૂમિકા અત્યંત ઇમ્પોર્ટન્ટ છે. આ સનાતન સત્ય શાશ્વત છે અને રહેશે.


lll

વેલ ઈ. સ. ૧૯૧૪થી ઑફિશ્યલી મે મહિનાનો બીજો રવિવાર મધર્સ ડે તરીકે ઊજવાય છે. એ અન્વયે આપણે પણ આપણી ‘તીર્થાટન એક્સપ્રેસ’ લઈ જઈએ એક માતૃતીર્થે. આમ તો આ તીર્થનું લોકેશન બહુ જાણીતું છે. વર્ષેદહાડે લાખો ભક્તો અહીં પ્રથમ જ્યોતિર્લિંગનાં દર્શન કરવા આવે છે, પરંતુ ત્યાંથી ફક્ત દોઢ કિલોમીટરના અંતરે આવેલા ચંદ્રભાગા શક્તિપીઠે જૂજ ભાવિકો મથ્થા ટેકવા આવે છે અને ઓછી ભીડને કારણે માઈના મઢમાં પ્રવેશતાં જ ભક્તોને ધ્યાનની તાળી લાગી જાય છે.


શક્તિપીઠ એટલે શું અને એની પાછળની પૌરાણિક કથા વિશે દરેક શ્રદ્ધાળુઓ જાણે છે છતાં એને ટૂંકમાં કહીએ તો આ કથાના નાયક છે શિવજી અને તેમનાં પ્રથમ પત્ની સતી. દક્ષરાજાની પુત્રી સતી શિવજીનાં તપ, ધ્યાન અને સાધનાથી પ્રભાવિત થયાં અને માતા-પિતાની ઇચ્છા વિરુદ્ધ ભસ્મધારી સાથે વિવાહ કર્યા. ભૂતનાથ અને માતાસતીનું લગ્નજીવન સરસ ચાલી રહ્યું હતું પરંતુ રાજા દક્ષ દીકરીથી સખત નારાજ હતા. તેમણે દીકરી-જમાઈ સાથે કોઈ જ સંબંધ નહોતો રાખ્યો. ઈવન રાજા દક્ષે તેમના રાજ્યમાં જ્યારે વિશિષ્ટ યજ્ઞનું આયોજન કર્યું જેમાં દેવો, ઋષિ-મુનિઓ, તપસ્વીઓ અન્ય રાજાઓ સૌને નિમંત્ર્યા પણ સતી અને શંકરદેવને આમંત્રણ ન આપ્યું. માતાસતીને આ યજ્ઞ વિશે જાણ થતાં અને પિતાનું નોતરું ન હોવા છતાં પતિને લઈને પિતાના પ્રસંગમાં પહોંચી ગયાં, પરંતુ ન તો પિતાએ તેમને આવકાર આપ્યો કે ન જમાઈનો સત્કાર કર્યો. આવા હાડોહાડ અપમાનથી માતાસતી અત્યંત દુખી થઈ ગયાં અને એ યજ્ઞકુંડના અગ્નિમાં કૂદીને દેવીસતીએ અગનપછેડી ઓઢી લીધી. ભોલેનાથ પત્નીના આ પગલાથી રૌદ્રાવતારમાં આવી ગયા અને ક્રોધમાં ભાર્યાનું અર્ધબળેલું શરીર લઈને ત્રિલોકમાં ઘૂમવા લાગ્યા. કૈલાશપતિનું એ સ્વરૂપ એટલું વિકરાળ હતું કે તેમને રોકવા જરૂરી હતા, અન્યથા ત્રણે લોકનું ધનોતપનોત નીકળી જાત. આથી ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શનચક્રથી સતીમાતાના શરીરના ટુકડા કર્યા અને તેમના શરીરનાં ભિન્ન-ભિન્ન અંગો પૃથ્વી પર જે-જે સ્થાને પડ્યાં એ બની ગયાં શક્તિપીઠ.

ગુજરાતના પશ્ચિમી તટે અરબી સમુદ્રના કાંઠે પ્રભાસ વિસ્તારમાં આવેલી ચંદ્રભાગા પીઠ ૨૩મી શક્તિપીઠ છે. અહીં સતીમાતાનું ઉદર પડ્યું હોવાનું કહેવાય છે. અન્ય માન્યતા અનુસાર અહીં તેમનો ગર્ભનિપાત થયો હોવાનું પણ મનાય છે. આ સ્થાન અતિપ્રભાવશાળી છે. અહીં પ્રાચીન સમયથી લઈને સાંપ્રત કાળમાં પણ અનેક યોગીઓએ સાધના કરી છે એથી એને પ્રબળ સિદ્ધપીઠ પણ કહેવાય છે. સોમનાથ મંદિરથી દક્ષિણ દિશા તરફ જાઓ એટલે દરિયાકાંઠે પાંડવ ગુફા, હિંગલાજ માતાનું મંદિર આવે અને ત્યાંથી આગળ સર્કલથી ત્રિવેણી રોડ તરફ વળો એટલે પ્રખ્યાત રામ મંદિરની પાછળ જ શ્રી ચંદ્રભાગા પીઠ છે અને એનાથી થોડે આગળ હિરણ, કપિલા અને સરસ્વતી નદીનો સંગમ છે. આ ત્રિવેણી સંગમ સનાતનીઓનું વધુ એક પાવન સ્થળ છે, કારણ કે અહીંથી શ્રીકૃષ્ણ ગોલોકધામ ગયા હોવાનું મનાય છે.

એક બાજુ પવિત્ર જ્યોતિર્લિંગ, બીજી બાજુ ત્રિવેણી સંગમ. બે ધરખમ તીર્થોની વચ્ચે હોવા છતાં આ શક્તિપીઠ વધુ પ્રખ્યાત નથી. એનું કારણ આપતાં અહીંના પૂજારી ‘મિડ-ડે’ને કહે છે, ‘લોકો બહુ ઉતાવળમાં તીર્થયાત્રા કરે છે. થોડા સમયમાં તેમને ઝાઝુંબધું કરી લેવું હોય છે એટલે મંદિરમાં હાથ જોડ્યા ન જોડ્યા ત્યાં તો બહાર નીકળી જાય છે. એ સ્થળનું મહત્ત્વ, ઇતિહાસ વગેરે કશુંય જાણવા-સાંભળવાનો તેમની પાસે સમય નથી હોતો. ભલે બધા યાત્રાળુઓ એવા નથી હોતા. અનેક જિજ્ઞાસુ યાત્રીઓ અહીં સુધી આવે છે, માતાનાં દર્શન કરે છે અને અહીંનાં આધ્યાત્મિક સ્પંદનોની અનુભૂતિ પણ કરે છે.’

મહારાજશ્રીની વાત ખોટી પણ નથી. આપણે ઘણી વખત પ્રખ્યાત અને ચમત્કારિક સ્થળોની પાછળ એવા ઘેલા થઈ જઈએ છીએ કે જ્ઞાનના અભાવે કે સમયના અભાવે પ્રાચીન, પવિત્ર અને જાગ્રત ભૂમિની અવગણના કરીએ છીએ અને મૉડર્ન અને ફેમસ મંદિરોની કતારમાં કલાકો કાઢી નાખીએ છીએ.

ખેર જાગ્યા ત્યારથી સવાર. હવે અમે જાણતાં-અજાણતાં આવી ભૂલ નહીં કરીએ એવો સંકલ્પ લઈને ચંદ્રભાગા શક્તિપીઠની માનસ યાત્રા કરીએ.

lll

અરબી સમુદ્રની સમીપે આવેલું કેસરિયા રંગનું મંદિર નાનું છે, સાદું છે પણ સ્વચ્છ છે, શાંત છે. મંદિર પરિસરમાં પ્રવેશતાં જ સાયલન્સની સ્વિચ ઑન થઈ ગઈ હોય એમ બધો જ દુન્યવી અવાજ સંભળાતો બંધ થઈ જાય છે. ઈવન, દરિયાનો ઘુઘવાટ પણ નથી સંભળાતો. અહીં કાલીમાતા બિરાજમાન છે, પણ તેમનો વર્ણ કેસરી છે. મુખ્ય માતા મૂર્તિરૂપે નહીં, પણ સિંદૂરી રંગના પાળિયા રૂપે છે જેમાં માતાજીની બે જીવંત આંખો, મુખથી બહાર નીકળેલી જીહ્‍વા અને બે કુંડળ સિવાય ઝાઝો કોઈ શણગાર નથી. માતાની સ્થાપના ક્યારે થઈ, કોણે કરી એનું કોઈ પ્રમાણ નથી, પરંતુ થોડા દાયકા પૂર્વે થયેલા આ મંદિરના વિસ્તરણ વખતે બાજુના ગર્ભગૃહમાં માતાની શ્યામવર્ણી મોટી મૂર્તિની પ્રતિષ્ઠા થઈ છે. એ પ્રતિમા પણ પાવરફુલ છે. જોકે વધુ પ્રભાવશાળી છે અહીંના વક્રતુંડ ભૈરવ. યસ, શક્તિ હોય ત્યાં શિવ તો હોય જ અને આ માતા સાથે ભૈરવજી વક્રતુંડ (વાંકી સૂંઢ) ધરાવે છે. અગેઇન, આ નાની મૂર્તિ પણ સદીઓ પૂર્વેની છે. મંદિરમાં શિવલિંગ પણ છે અને યજ્ઞવેદી પણ છે. અનેક શક્તિસાધકો અહીં રહીને દિવ્ય શક્તિની ઉપાસના કરે છે.

વેરાવળ કઈ રીતે જવાય એ તો કોઈ સનાતનધર્મીઓને કહેવું જ ન પડે, કારણ કે આ ભૂમિ અનેક શક્તિશાળી તીર્થોને સમાવતી ખમતીધર ભૂમિ છે. મુંબઈથી વેરાવળની ડાયરેક્ટ ટ્રેન છે. તો ગિરનાર પર્વતની તળેટી જૂનાગઢથી પ્રભાસ પાટણ કહેવાતું આ નગર માત્ર ૯૫ કિલોમીટરે છે. સોમનાથની સમીપે રહેવા માટે અનેક હોટેલ, ગેસ્ટહાઉસ, ધર્મશાળાઓ છે અને જમવા માટે કાઠિયાવાડી ભોજનથી લઈને સૅન્ડવિચ, પીત્ઝા અને બર્ગર પીરસતી નાની-નાની રેસ્ટોરાંઓ પણ છે.

આ પીઠનું કનેક્શન ચાંદામામા સાથે પણ છે

સ્કંદપુરાણમાં આલેખાયેલી ચંદ્રની ઓછીવધતી કળા થવાની કથા તમે સાંભળી હશે. હા, એ જ કથા જેમાં સોમદેવ (ચંદ્ર)ને તેમના સસરા રાજા દક્ષે કુરૂપ થવાનો શ્રાપ આપ્યો હતો અને એ શ્રાપથી મુક્ત થવા ચંદ્રદેવે આ જ સ્થળે ભોલેબાબાની કઠોર તપસ્યા કરી હતી અને શિવશંકરે તેમને શ્રાપથી આંશિક રૂપે મુક્ત કર્યા હતા. 

આ કહાનીનું નાનું રીકૅપ લઈએ. શશીધરનાં લગ્ન પ્રજાપતિ દક્ષની ૨૭ પુત્રીઓ સાથે થયાં. સુંદર અને તેજસ્વી ચંદ્ર અત્યંત રૂપવાન હતા. તેમની દરેક પત્નીઓને પતિ પ્રત્યે પ્રગાઢ પ્રેમ હતો, પરંતુ નિશાચરને ૨૭ પત્નીમાંથી રોહિણી અતિપ્રિય હતી. તેઓ આખો સમય રોહિણી સાથે રહેતા. આથી અન્ય ૨૬ પત્નીઓ પોતાને ઉપેક્ષિત સમજતી. એ પુત્રીઓએ પિતા દક્ષને પોતાના પતિની ફરિયાદ કરી ત્યારે પ્રજાપતિએ જમાઈ ચંદ્રને સમજાવવાની કોશિશ કરી છતાં જ્યારે ચંદ્રદેવ ન માન્યા ત્યારે દક્ષ રાજાએ જમાઈને શ્રાપ આપ્યો કે ‘ચંદ્ર ક્ષય રોગથી પીડિત થાય અને એથી તેમની સઘળી સુંદરતા અને તેજનો નાશ થાય.’ શ્રાપને કારણે ચંદ્ર અશક્ત થવા લાગ્યા અને પોતાને આ દશામાંથી મુક્ત કરવા બ્રહ્માજી પાસે ગયા. જોકે ત્યારે સૃષ્ટિના રચયિતા બ્રહ્માએ તેમને ભૈરવનાથની આરાધના કરવાનું કહ્યું અને ચંદ્રમાએ ભગવાન શિવની કઠોર સાધના કરી.

એ ભૂમિ આ જ છે જ્યાં આપણા ચાંદામામાએ તપસ્યા કરી અને બાબાભોલે પ્રગટ થયા. એને કારણે આ સ્થાનને નામ મળ્યું ચંદ્રભાગા. પૂર્વે અહીં ચંદ્રભાગા નદી વહેતી હતી, જે હવે લુપ્ત થઈને સમુદ્રમાં ભળી ગઈ છે. આ શક્તિપીઠનો સંબંધ મનના કારક ચંદ્ર સાથે હોવાથી અનેક શ્રદ્ધાળુઓ અહીં આંતરિક સ્થિરતા તેમ જ ભાવનાત્મક ઉપચાર માટે આવે છે. નવરાત્રિ, શિવરાત્ર‌િ તેમ જ કાર્તિક પૂર્ણિમા જેવા તહેવારોએ અહીં વિશેષ ઉજવણી થાય છે.


ચંદ્રભાગા શક્તિપીઠ નજીક સોમનાથ જ્યોતિર્લિંગ, ત્રિવેણી સંગમ જેવાં પવિત્ર સ્થળો સાથે નજીકમાં ભાલકા તીર્થ પણ છે. એ ઉપરાંત જૈન ધર્મ દર્શન અનુસાર પ્રભાસ પાટણમાં આઠમા તીર્થંકર ચંદ્રપ્રભુ સ્વામીનું સમવસરણ રચાયું હતું. ચંદ્રપ્રભુ તેમ જ ચમત્કારિક દોકડિયા પાર્શ્વનાથ પ્રભુનું સુંદર અને પ્રાચીન જિનાલય પણ નજીકમાં જ છે.


અહીંના મુખ્ય કાલીમાતાને શણગારમાં હનુમાનજીની જેમ સિંદૂરી ચોલા તથા બેલ ફળની માળા ચડે છે. 

Whatsapp-channel Whatsapp-channel

10 May, 2026 01:21 PM IST | Junagadh | Alpa Nirmal

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK