કંઈક આવી ડિમાન્ડ સાથે દુલ્હા-દુલ્હન હવે વેડિંગ-પ્લાનરની જેમ લગ્ન માટે ખાસ સોશ્યલ મીડિયા પ્લાનર પણ રાખતા થયા છે. બૅન્ડ, બાજાં અને ઇન્સ્ટાગ્રામનો આ ટ્રેન્ડ અત્યારે સોળેય કળાએ ખીલ્યો છે
ઇલસ્ટ્રેશન
કંઈક આવી ડિમાન્ડ સાથે દુલ્હા-દુલ્હન હવે વેડિંગ-પ્લાનરની જેમ લગ્ન માટે ખાસ સોશ્યલ મીડિયા પ્લાનર પણ રાખતા થયા છે. બૅન્ડ, બાજાં અને ઇન્સ્ટાગ્રામનો આ ટ્રેન્ડ અત્યારે સોળેય કળાએ ખીલ્યો છે જેની પાછળ પોતાનાં જાજરમાન લગ્નને દુનિયા સુધી પહોંચાડવાનું કામ ઝટપટ અને ક્રીએટિવલી થાય અને જીવનની એ યાદગાર ક્ષણો દુનિયામાં ડંકો વગાડે એ અભરખો હોય છે. આ ટ્રેન્ડ કઈ હદ સુધી પહોંચ્યો છે એ જાણીએ
લગ્નની સીઝન હજી ચાલી રહી છે અને હજી તો આખો ઉનાળો લગ્ન લેવાશે ત્યારે જાણવા જેવી વાત એ કે એક જમાનામાં ગોર મહારાજ અને ફોટોગ્રાફર સુધી સીમિત રહેતાં લગ્નમાં
વેડિંગ-પ્લાનર આવ્યા અને એમાં એક નવો ઉમેરો છે સોશ્યલ મીડિયા પ્લાનરનો. લગ્ન કેવી રીતે થશે એ વેડિંગ-પ્લાનરની જવાબદારી તો લગ્ન સોશ્યલ મીડિયા પર કેવી રીતે પ્રેઝન્ટ થશે, કયા ફંક્શનની કેવી રીલ બનશે, કયું હૅશટૅગ રાખવામાં આવશે અને રીલને ક્રીએટિવ બનાવવા માટે શું-શું જોઈશે જેવી સોશ્યલ મીડિયા સાથે સંકળાયેલી પોસ્ટને આ સોશ્યલ મીડિયા પ્લાનર નક્કી કરતા હોય છે. વેડિંગ સોશ્યલ મીડિયા પ્લાનરની આ અનોખી દુનિયામાં લટાર મારીએ અને જાણીએ તેમના રોમાંચક અનુભવો.
ADVERTISEMENT
જરૂરિયાત સમજાઈ
જ્યારે પણ લગ્નપ્રસંગ હોય ત્યારે કપલ અને પરિવાર એટલો બિઝી હોય કે તેમને તેમના સારા ફોટો પાડવાનો કે પછી ફોટો પાડીને સોશ્યલ મીડિયા પર મૂકવાનો સમય જ નથી હોતો. આજે જ્યારે સોશ્યલ મીડિયા પોતાના ફ્રેન્ડ્સ અને ફૅમિલીની સાથે જોડાયેલા રહેવાનું મહત્ત્વનું માધ્યમ બની ગયું છે ત્યારે પોતાના જીવનની આ ખાસંખાસ ક્ષણોને કૅપ્ચર કરવાની જવાબદારી કોઈક સંભાળી લે તો કેવું સારું આ વિચારથી જ જન્મ થયો વેડિંગ સોશ્યલ મીડિયા મૅનેજરનો. કોવિડ પછી પોતે જ પોતાના ફ્રેન્ડના વેડિંગમાં આ પ્રકારના સંજોગો જોઈ ચૂકેલી અને વૉલન્ટરિલી ફ્રેન્ડનું સોશ્યલ મીડિયા હૅન્ડલ કરનારી મુંબઈની ચિન્મયી રાણે હજી બે અઠવાડિયાં પહેલાં જ જયપુરમાં એક પૉશ વેડિંગમાં સોશ્યલ મીડિયા મૅનેજર તરીકેનો પ્રોજેક્ટ પૂરો કરીને આવી છે. બે વર્ષમાં લગભગ દોઢ ડઝનથી વધારે આવાં વેડિંગ કવર કરી ચૂકેલી અને ‘વેડ ઑફ ઑનર’ નામની વેડિંગ સોશ્યલ મીડિયા માર્કેટિંગ કંપનીની ફાઉન્ડર ચિન્મયી કહે છે, ‘દરેક લગ્નમાં ફોટોગ્રાફર અને વિડિયોગ્રાફર માટે એક ખાસ વ્યવસ્થા હોય છે. અત્યાર સુધી આ જ વ્યવસ્થા પૂરતી હતી, પરંતુ જ્યારથી સોશ્યલ મીડિયાનું મહત્ત્વ વધ્યું ત્યારથી ટાઇમલાઇન મહત્ત્વની બની. થતું એમ હોય છે કે વેડિંગ-ફોટોગ્રાફર ઇવેન્ટ પત્યા પછી બે-ચાર દિવસે ડિજિટલ ફોટો આપે અને આલબમ આપતાં તો ઘણી વાર એક વર્ષ પણ નીકળી જાય છે. જોકે આજે બ્રાઇડ અને ગ્રૂમને પોતાના સોશ્યલ સર્કલમાં પોતાની લાઇફના આ સ્પેશ્યલ ઇવેન્ટની ઝાંકી સોશ્યલ મીડિયા થ્રૂ કનેક્ટેડ અને કોઈ પણ કારણોસર લગ્નમાં નહીં આવી શકેલા સ્નેહીજનો સુધી તાત્કાલિક પહોંચાડવી હોય છે. જોકે દુલ્હા-દુલ્હન લગ્નની વિધિમાં એવા વ્યસ્ત હોય છે કે તેમને પોતાના ફોટો પાડવાનો કે એ ક્ષણે મોબાઇલમાં કોઈ પાસે ફોટો પડાવવાનો સમય ન મળે. બાય ચાન્સ, પોતાના ફ્રેન્ડ કે કઝિને ફોટો પાડી પણ લીધા હોય તો એને પોતાના પર્સનલ સોશ્યલ મીડિયા હૅન્ડલ પરથી પોસ્ટ કરવાનો ચાન્સ તો ભાગ્યે જ મળતો હોય છે.’
અહીં ચિન્મયી જેવી સ્પેશ્યલી સોશ્યલ મીડિયા માટે જ કામ કરતી વ્યક્તિઓની એન્ટ્રી થાય છે. ચિન્મયી કહે છે, ‘મારા એક ખાસ ફ્રેન્ડનાં લગ્ન વખતે આ સ્ટ્રગલ જોઈ હતી એના આધારે જ બે વર્ષ પહેલાં મને આવી કંપની શરૂ કરવાનો વિચાર આવ્યો હતો. મેં મારા ફ્રેન્ડ માટે જે કર્યું એ મારે પ્રોફેશનલી કરવાનું હતું.’

નતાશા કોઠારી અને અનંગ બાટલીવાલા.
મજા આવે એવું કામ
માર્કેટિંગ ફીલ્ડ સાથે સંકળાયેલી નતાશા કોઠારી અને આઉટડોર ઍડ્વર્ટાઇઝમેન્ટ સાથે સંકળાયેલા અનંગ બાટલીવાલાએ અઢી વર્ષ પહેલાં વેડિંગ સોશ્યલ નામની અત્યારે ઇન્સ્ટાગ્રામ પર ખાસ્સી પૉપ્યુલર એવી કંપની શરૂ કરી છે. મુંબઈના ઘણા ઇન્ડસ્ટ્રિયલિસ્ટ અને હાઈ પ્રોફાઇલ વેડિંગ માટે વેડિંગ સોશ્યલ મીડિયા માર્કેટિંગ મૅનેજર તરીકે કામ કરી ચૂકેલી સાઉથ મુંબઈની નતાશા કહે છે, ‘વેડિંગ માટે સોશ્યલ મીડિયા માર્કેટિંગનું કામ કરવું ઇમોશનલી ફુલફિલિંગ કામ છે. કપલ માટે આ સૌથી ખાસ અવસર હોય છે. બહુ જ બધાં મિક્સ ઇમોશનમાંથી કપલ પસાર થતું હોય છે. તેમના પરિવાર માટે આ ખૂબ અમૂલ્ય અવસર હોય છે અને એ અવસરની નાની-નાની નૅચરલ ક્ષણોને કૅપ્ચર કરીને જ્યારે અમે તેમના સોશ્યલ હૅન્ડલ પર મૂકીએ છીએ અને તેમની ખુશી હોય એનું વર્ણન ન કરી શકાય. અમારું કામ ઇન્સ્ટન્ટ હોય છે. ભલે ફોટોગ્રાફર હોય પરંતુ એ પછીયે તેમના અકાઉન્ટ અથવા તેમના માટે ખાસ તૈયાર કરેલું બન્નેનું સહિયારું સોશ્યલ મીડિયા અકાઉન્ટ ભવિષ્યમાં પણ તેમના માટે ડિજિટલ ડાયરીની ગરજ સારે છે.’
કરવાનું શું હોય?
વેડિંગ સોશ્યલ મીડિયા પ્લાનરના ભાગે આવતી જવાબદારીઓ વિશે ચિન્મયી કહે છે, ‘એક વર્ષથી લઈને એક મહિના પહેલાંથી અમારું કામ શરૂ થઈ જાય. લવ મૅરેજ હોય તો તેમની લવ સ્ટોરીને અમે રીલના માધ્યમે રીક્રીએટ કરતા હોઈએે. તેમના માટે એક હૅશટૅગ નક્કી કરીએ અને લગ્ન પહેલાંથી જ એક સોશ્યલ મીડિયાના માધ્યમે માહોલ બનાવવાનું શરૂ કરી દઈએ. તેમના બન્નેનું ભેગું અકાઉન્ટ બનાવીએ જેનો ઍક્સેસ અમારી પાસે પણ હોય જેમાં તેમની ઇચ્છા પ્રમાણે માત્ર ક્લોઝ રિલેટિવ્સ અને ફ્રેન્ડ્સ અથવા પબ્લિક અકાઉન્ટ રાખીએ. તેમનાં લગ્નના ઇવેન્ટ મુજબની અમારી તૈયારી હોય. ધારો કે ત્રણ દિવસના ડેસ્ટિનેશન વેડિંગ હોય અને મેંદી, હલ્દી, સંગીત, પૂજા, એન્ગેજમેન્ટ, વેડિંગ, રિસેપ્શન જેવા જુદા-જુદા પ્રસંગો હોય તો એ મુજબ સ્ટોરી શૅર કરવાનું, રીલ્સ બનાવવાની અને અમુક ખાસ પૉપ્યુલર રીલ્સ બનાવડાવવાની. ઘણી વાર એવી અનોખી મોમેન્ટ કૅપ્ચર થઈ જાય કે કપલ પોતે પણ તાજ્જુબમાં હોય. એક દાખલો આપું. એક વેડિંગમાં સાળીઓ જીજાજી માટે રસગુલ્લા લઈ આવી. જીજાજી સાથે તેનો દોસ્તાર પણ હતો. તેને ડાઉટ આવ્યો એટલે પહેલાં દોસ્તારને ચખાડ્યું. તેણે ગ્રીન સિગ્નલ આપ્યું પણ જેવા રસગુલ્લા મોઢામાં નાખ્યા કે ખબર પડી કે એમાં દુનિયાભરનું સૉલ્ટ નાખેલું છે. હવે આ થઈ રહ્યું હતું ત્યારે ફોટોગ્રાફર કે વિડિયોગ્રાફર નહોતા અને અમે એ બધાં જ એક્સપ્રેશન વિડિયોમાં કૅપ્ચર કરી લીધાં. એની રીલ બનાવી ત્યારે એ ખૂબ વાઇરલ થઈ હતી.’
બીજું બધું જ કામ ઇન્સ્ટન્ટ થાય. નતાશા કહે છે, ‘અમારી પાસે જવાબદારી હોય છે ઑનલાઇન રેપ્યુટેશન મૅનેજમેન્ટની. અમે કેટલાક પૉપ્યુલર રીલ આઇડિયા ક્રીએટ કરીએ અને પરિવારના બધા જ સભ્યોને વન-બાય-વન સમાવી શકાય એ રીતે તેમના ડાયલૉગ્સ સાથે એને સોશ્યલ મીડિયા પર મૂકીએ. એ પણ એક અલગ જ અનુભવ હોય છે. ક્યાંક ટ્રેન્ડ ફૉલો કરીએ અને ક્યાંક અમે પોતે જ સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડ શરૂ પણ કરતા હોઈએ છીએ. મોટા ભાગે જ્યારે થોડીક નવરાશ મળે અને કપલ જ્યારે પોતાના હૅન્ડલથી પોસ્ટ થયેલી સ્ટોરી અને રીલ્સને જુએ અને ફ્રેન્ડ્સની કમેન્ટ વાંચે ત્યારે તેમને ખૂબ જ મજા આવતી હોય છે.’
ખર્ચ અને પડકાર
એક લગ્નમાં સોશ્યલ મીડિયા મૅનેજર તરીકે તમે જ્યારે કામ કરો ત્યારે પૅકેજ કઈ રીતે નક્કી થાય એ વિશે ચિન્મયી કહે છે, ‘એ તો વ્યક્તિના પ્રોગ્રામ અને તેને કેટલા લેવલની સર્વિસ જોઈએ છે એના પર નિર્ભર કરે છે. ઘણા લોકો એક વર્ષ પહેલાંથી શરૂ કરી દે છે તો ઘણા લોકો લગ્ન પહેલાં એક મહિના અને પછી એક મહિના સુધીની સર્વિસ લે છે તો ઘણા માત્ર લગ્નના એક અઠવાડિયા પૂરતી આ સેવાનો લાભ લે છે. પણ ઍવરેજ કોઈ પણ પૅકેજની શરૂઆત ૫૦ હજાર રૂપિયાથી થતી હોય છે.’
અહીં પૅકેજની વિગતો આવતાં નતાશા કહે છે, ‘બેઝિક પૅકેજમાં અમે ૨૪ રીલ્સ અને ઇવેન્ટની સ્ટોરી શૅર કરીએ છીએ. બેથી ચાર લોકોની ટીમ વેડિંગમાં જતી હોય છે. બેસ્ટ કન્ટેન્ટ સમય પર ડિલિવર થાય એ અમારી સૌથી મોટી ચૅલેન્જ હોય છે કારણ કે બધા જ વ્યસ્ત છે એની વચ્ચેથી આપણે ફૅમિલી અને કપલ પાસે રીલ પ્રમાણે ઍક્ટ કરાવવાનો છે અથવા તો જે ફુટેજિસ આવી છે એને કરન્ટ ટ્રેન્ડમાં સેટ કરાવવાનું ખરેખર અઘરું છે પણ એન્જૉયમેન્ટ પણ એટલું જ થાય છે એમાં.’
વ્યક્તિના પ્રોગ્રામ અને તેને કેટલા લેવલની સર્વિસ જોઈએ છે એના પર ફી નિર્ભર કરે છે. ઘણા લોકો એક વર્ષ પહેલાંથી શરૂ કરી દે છે તો ઘણા લગ્ન પહેલાં એક મહિનાની સર્વિસ લે છે તો ઘણા માત્ર લગ્નના એક અઠવાડિયા પૂરતી આ સેવાનો લાભ લે છે. પણ ઍવરેજ કોઈ પણ પૅકેજની શરૂઆત ૫૦ હજાર રૂપિયાથી થતી હોય છે.
- ચિન્મયી રાણે

વેડિંગ માટે સોશ્યલ મીડિયા માર્કેટિંગનું કામ કરવું ઇમોશનલી ફુલફિલિંગ કામ છે. કપલ માટે આ સૌથી ખાસ અવસર હોય છે. બહુ જ બધાં મિક્સ ઇમોશનમાંથી કપલ પસાર થતું હોય છે. તેમના પરિવાર માટે આ ખૂબ અમૂલ્ય અવસર હોય છે.


