નાટકો, ફિલ્મો અને ટીવી-સિરિયલોમાં ઍક્ટિંગ કરવામાં વ્યસ્ત બની જનાર રાજીવ મહેતાને ૭૪ વર્ષની ઉંમરે એ અફસોસ છે કે તેમણે સંગીત છોડી દીધું હતું
રાજીવ મહેતા
પ્રફુલના પાત્રથી ખ્યાતનામ બનેલા ઍક્ટર રાજીવ મહેતાનાં મમ્મી સુગમ સંગીતનાં જાણીતાં કલાકાર હતાં. નાટકો, ફિલ્મો અને ટીવી-સિરિયલોમાં ઍક્ટિંગ કરવામાં વ્યસ્ત બની જનાર રાજીવ મહેતાને ૭૪ વર્ષની ઉંમરે એ અફસોસ છે કે તેમણે સંગીત છોડી દીધું હતું. જાણીએ પ્રફુલના કિરદારની પાછળ છુપાયેલા કલાકારના જીવનની કેટલીક જાણવા જેવી વાતો
‘એક કલાકાર તરીકે જીવનમાં તમને ઘણુંબધું મળે છે જેમાં પૈસો, પ્રસિદ્ધિ, લોકોનો પ્રેમ આવે જે અનમોલ છે; પણ આ બધાથી ઉપર છે સારું કામ કરવાની ભૂખનો સંતોષ. અદ્ભુત લેખકો દ્વારા લખાયેલાં પાત્રો, જેમાં એક કલાકાર તરીકે તમારી પાસે ઘણુંબધું કરવાનો સ્કોપ હોય એના માટે કોઈ મને પૈસા ઓછા આપે તો પણ હું ખુશી-ખુશી એ કરવા તૈયાર થાઉં. જોકે અમુક કામ એવાં હોય જેમાં એકદમ બીબાઢાળ કામ કરવાનું હોય છે. એ કરીએ ત્યારે પૈસા મને મારી પસંદના જોઈએ. જે પણ કામ કરીએ એ શેના માટે કરીએ છીએ એ સ્પષ્ટતા હોય તો કામમાં વાંધો નથી આવતો.’
ADVERTISEMENT
આ શબ્દો છે ઘરે-ઘરે પ્રફુલના પાત્ર તરીકે જાણીતા બનેલા ઍક્ટર રાજીવ મહેતાના. ‘ખિચડી’ નામની સિરિયલ અને ફિલ્મ બન્નેમાં બાબુજીના મોઢે દિવસમાં સત્તર વાર ‘પ્રફુલ તૂ તો ગધા હૈ ગધા’ સાંભળ્યા પછી અને ખુદને ન આવડતું હોવા છતાં પૂરા આત્મવિશ્વાસ સાથે હંસાને વટથી અંગ્રેજી શીખવતા પ્રફુલે પ્રેક્ષકોને ખૂબ હસાવ્યા છે. પ્રફુલ જેવું મૂર્ખ કિરદાર ખૂબ જ ઇન્ટેલિજન્ટ્લી નિભાવનારા, પોતાના કૉમિક ટાઇમિંગ માટે પ્રખ્યાત એવા રાજીવ મહેતાએ લગભગ ૫૫-૬૦ નાટકો ભજવ્યાં છે. ટીવીમાં ‘ખિચડી’ સિવાય પણ ઘણી સિરિયલોમાં યાદગાર ભૂમિકાઓ ભજવી છે. ૧૯૯૨માં ‘બેટા’ ફિલ્મથી લઈને ગયા વર્ષે આવેલી ‘સિકંદર કા મુકદ્દર’ ફિલ્મમાં અલગ-અલગ કૅરૅક્ટર ઍક્ટરના રોલમાં તેમણે પોતાના અભિનયનો ઓજસ પાથરેલો છે. ‘રંગીલા’, ‘સત્યા’, ‘હેરા ફેરી’, ‘ખિલાડી 420’, ‘બુઢ્ઢા હોગા તેરા બાપ’ જેવી જાણીતી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય ‘હૅપી ફૅમિલી પ્રાઇવેટ લિમિટેડ’, ‘બાપ રે બાપ’, ‘બૅક બેન્ચર’, ‘બસ એક ચાન્સ’ અને ‘ચલ મન જીતવા જઈએ’ જેવી ગુજરાતી ફિલ્મો પણ કરી છે.
જૉબ તો નહીં
વિલે પાર્લેમાં જન્મેલા અને ઊછરેલા ૭૪ વર્ષના રાજીવ મહેતા હાલમાં મલાડમાં રહે છે. તેમનાં મમ્મી વીણા મહેતાનું રાસગરબામાં ઘણું મોટું નામ હતું. તેઓ ગુજરાતી સુગમ સંગીતનાં ઑલ ઇન્ડિયા રેડિયોનાં માન્યતાપ્રાપ્ત ગાયિકા હતાં. મા પાસેથી જીન્સમાં કળા લઈને જન્મેલા રાજીવ મહેતા સ્કૂલમાં બધાં નાટકો, વેશભૂષા અને જુદા-જુદા કાર્યક્રમોમાં ભાગ લેવા સદા તત્પર રહેતા હતા. ગ્રૅજ્યુએશન કર્યા પછી દરેકના જીવનમાં આવે છે એવો યક્ષપ્રશ્ન તેમના પણ જીવનમાં આવ્યો કે હવે કરવું છે શું? એ વિશે વાત કરતાં રાજીવ મહેતા કહે છે, ‘મારા પપ્પા શિપિંગમાં કામ કરતા હતા. તેમણે મને ત્યાં જૉબ પણ ગોઠવી આપી, પણ સાચું કહું તો હું ૯થી ૬ની જૉબ માટે સર્જાયેલો જ નહોતો. મેં માંડ ૧ મહિનો કામ કર્યું અને એના સાહેબે જ મને કહ્યું કે તું આ કામ નહીં કરી શકે, તું કંઈ બીજું વિચાર.’
નાટકોમાં શરૂઆત
મમ્મીને કારણે એ સમયના ગુજરાતી કલાકાર વૃંદમાં લોકો તેમને ઓળખતા જ હતા. પોતે કઈ રીતે નાટકોમાં જોડાઈ ગયા એ વિશે વાત કરતાં રાજીવ મહેતા કહે છે, ‘એ સમયે ચન્દ્રવદન ભટ્ટનું એક નાટક આવેલું જે દર્શન જરીવાલા અને અપરા મહેતા કરી રહ્યાં હતાં. આ નાટક માટે દર્શન મને લઈ ગયો. તેણે કહ્યું કે સારો રોલ છે, તું કર. જે લોકો નાટકમાં કામ કરવાની શરૂઆત કરે એ બધા આમ તો બૅકસ્ટેજથી શરૂઆત કરતા હોય છે. હું એટલો નસીબદાર કે મારી શરૂઆત લીડ રોલથી જ થઈ. મેં સરિતા જોશી, કાન્તિ મડિયા, શફી ઇનામદાર, પ્રવીણ જોશી જેવા દિગ્ગજો સાથે કામ કર્યું અને ઘણું શીખ્યો. એ સમયે જેવાં ગુણવત્તા ભરેલાં નાટકો બનતાં એવું કામ આજે થતું નથી. છેલ્લાં ૩-૪ વર્ષથી મેં નાટકોમાં કામ કરવાનું સાવ છોડી દીધું છે, જેનું કારણ જ એ છે કે ઉંમરના આ પડાવ પર જો તમે કામ કરવા ઇચ્છતા હો તો એક ગુણવત્તાવાળું કામ કરવું ગમે, જે થતું નથી. એટલે એના કરતાં ન કરવું વધુ સારું.’
ટીવીમાં કામ
ટીવીનું કામ કઈ રીતે શરૂ થયું એ પ્રશ્નનો જવાબ આપતાં રાજીવ મહેતા કહે છે, ‘એક વખત ભાઈદાસમાં મને આતિશ કાપડિયા મળી ગયા અને તેમણે મને કહ્યું કે એક સારો પ્રોજેક્ટ શરૂ કરીએ છીએ, ગુજરાતીમાં ‘સપનાનાં વાવેતર’ નામની સિરિયલ છે અને એ જ હિન્દીમાં બનશે ‘એક મહલ હો સપનોં કા’. આ મારી ડેબ્યુ સિરિયલો બની ટીવી માટે. એ પછી ‘હમ સબ એક હૈં’, ‘એક દૂસરે સે કરતે હૈં પ્યાર હમ’, ‘બડી દૂર સે આએ હૈં’, ‘બા બહૂ ઔર બેબી’ જેવી સિરિયલો પણ મળી. જોકે જીવનનું સૌથી સફળ કામ એટલે ‘ખિચડી’, જેમાં પ્રફુલના કિરદાર માટે સૌથી પહેલી અને છેલ્લી ચૉઇસ હું જ બન્યો. આ કિરદારની સફળતાનું પૂરું શ્રેય એના લેખક આતિશ કાપડિયાને જ જાય છે, કારણ કે આવાં પાત્રો બીજું કોઈ લખી શકતું જ નથી. એ પોતે એક ખૂબ સારા ઍક્ટર હોવાને કારણે આવાં અનોખાં પાત્રાલેખન કરી શકે છે.’
યાદગાર પ્રસંગ
જીવનનો અત્યંત યાદગાર પ્રસંગ વર્ણવતાં રાજીવ મહેતા કહે છે, ‘એક નાટક હતું ‘પ્રતિરોધ’, જેમાં હું એક આંધળો ગાયક બન્યો હતો. એ એક પ્રેમકહાની હતી જેમાં મારી પાર્ટનર તરીકે સ્વરૂપ સંપટ અભિનય કરી રહ્યાં હતાં. પરેશ રાવલ એ સમયે સ્વરૂપ સંપટ સાથે સમય ગાળી શકાય એવી લાલચમાં આ નાટકના અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે જોડાઈ ગયા હતા. આ નાટક ઓપન કરવાના થોડા દિવસો પહેલાં આ નાટકના લેખક અને નિર્દેશક શૈલેશ દવે મારા પર ગુસ્સે ભરાયા. તેમણે કહ્યું કે મને જે જોઈએ છે એ તું નથી કરી શકતો, તું આ નાટક છોડી દે. એ સમયે પરેશભાઈ, સ્વરૂપ સંપટ અને નાટકના પ્રોડ્યુસર ગિરીશ પટેલ મારી વહારે આવ્યાં. તેમણે કહ્યું કે આ નાટકનો પહેલો શો તો રાજુ જ કરશે. શૈલેશભાઈને તેમણે મનાવ્યા. પહેલો શો તેજપાલમાં હતો. મારા માટે કરોગે યા મરોગે જેવી સ્થિતિ હતી. જો હું એ ન કરી શકું તો બહુ મોટી ખોટ ગણાય. મને યાદ છે ગુજરાતી નાટકોની દરેક ખ્યાતનામ વ્યક્તિ એ દિવસે પ્રેક્ષક તરીકે હાજર હતી. મેં મારી પૂરી કૅપેસિટી સાથે આ પાત્ર ભજવ્યું અને જે રૉકેટ જેવું એ છૂટ્યું... લોકો ખૂબ-ખૂબ ખુશ થયા. અત્યંત પ્રશંસાઓ મળી. હું આ અનુભવ ક્યારેય નહીં ભૂલી શકું. મારા માટે એ ખરા અચીવમેન્ટની ક્ષણ હતી.’
અફસોસ
જીવનનો સૌથી મોટા અફસોસ વિશે વાત કરતાં રાજીવ મહેતા કહે છે, ‘મા પાસેથી મને સંગીત મળ્યું હતું વારસામાં. હું તેમની સાથે ગાતો પણ ખરો. મેં રામકૃષ્ણ પટવર્ધન પાસેથી શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી હતી. જગજિત સિંહ જ્યારે તેમની પ્રસિદ્ધિનો સુવર્ણ કાળ ભોગવી રહ્યા હતા ત્યારે તેમની સાથે કૃષ્ણ ભજનની એક CDમાં મને પણ કોરસ ગાવાનો મોકો મળ્યો હતો. નાટકો, ટીવી અને ઍક્ટિંગને કારણે મારા ગાયન પર હું ધ્યાન જ ન આપી શક્યો, જેનો મને ભારે અફસોસ છે.’
એકલતા
રાજીવ મહેતા હાલમાં ૭૪ વર્ષના છે અને એકલા રહે છે. આ ઉંમરે કઈ રીતે એકલતા નિભાવો છો? આ પ્રશ્નના જવાબમાં રાજીવ મહેતા કહે છે, ‘મોટી ઉંમરે એકલા રહેવું સહજ તો નથી. અઘરું પડે. સૌથી વધારે એ વસ્તુની ખોટ લાગે કે વાત કોની સાથે કરવી, પણ ભગવાનની દયાથી ૨-૩ સારા મિત્રો છે જેમના હોવાથી એકલતા આકરી નથી લાગતી. એમાં ઍક્ટર જયદત્ત વ્યાસનું નામ પહેલાં લઈશ. તે મને ટપાર્યા કરે છે કે મારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તમારું ઇન્ટેલિજન્સ તમને વધુ ને વધુ એકલવાયું બનાવતું હોય એમ મેં સાંભળ્યું છે પણ મને જે ફરિયાદ છે લોકોથી એ એવી છે કે કૉમન સેન્સ હવે કૉમન રહી નથી, લોકોમાંથી સદંતર સ્વરૂપે ગાયબ થતી જાય છે. એને લીધે કોઈનો સાથ જીરવવો મુશ્કેલ બનતો જાય છે.’ એકલતા
રાજીવ મહેતા હાલમાં ૭૪ વર્ષના છે અને એકલા રહે છે. આ ઉંમરે કઈ રીતે એકલતા નિભાવો છો? આ પ્રશ્નના જવાબમાં રાજીવ મહેતા કહે છે, ‘મોટી ઉંમરે એકલા રહેવું સહજ તો નથી. અઘરું પડે. સૌથી વધારે એ વસ્તુની ખોટ લાગે કે વાત કોની સાથે કરવી, પણ ભગવાનની દયાથી ૨-૩ સારા મિત્રો છે જેમના હોવાથી એકલતા આકરી નથી લાગતી. એમાં ઍક્ટર જયદત્ત વ્યાસનું નામ પહેલાં લઈશ. તે મને ટપાર્યા કરે છે કે મારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તમારું ઇન્ટેલિજન્સ તમને વધુ ને વધુ એકલવાયું બનાવતું હોય એમ મેં સાંભળ્યું છે પણ મને જે ફરિયાદ છે લોકોથી એ એવી છે કે કૉમન સેન્સ હવે કૉમન રહી નથી, લોકોમાંથી સદંતર સ્વરૂપે ગાયબ થતી જાય છે. એને લીધે કોઈનો સાથ જીરવવો મુશ્કેલ બનતો જાય છે.’

