Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > બચુભાઈ બમ્બાટ Reloaded : ઍક્શન XL (પ્રકરણ ૫)

બચુભાઈ બમ્બાટ Reloaded : ઍક્શન XL (પ્રકરણ ૫)

Published : 27 November, 2026 07:50 AM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

વાંચો નવલિકાનું પાંચમું પ્રકરણ અહીં

ઇલસ્ટ્રેશન

ઇલસ્ટ્રેશન


મધરાતના અંધકારમાં અરબી સમુદ્રની વચ્ચે લાંગરેલા જૂના સ્ટીમર જહાજ ‘એસ.એસ. જલપરી’ની મુખ્ય લાઉન્જમાં સમય જાણે થીજી ગયો હતો અને બચુભાઈની આંખો પણ. છેલ્લી દોઢ મિનિટથી તેમની પાંપણે એક પણ પલકારો લીધો નહોતો. બચુભાઈની સામે બ્લૅક શૅડોનો લીડર હાફિઝ ઊભો હતો. એક હાથમાં અનન્યાના લમણે તાકેલી પિસ્તોલ, બીજા હાથના અંગૂઠા નીચે સુસાઇડ-બૉમ્બવાળા જૅકેટનું ડેટોનેટર બટન, અને તેની બાજુમાં હોમ મિનિસ્ટરનો સેક્રેટરી રાઘવ કુલકર્ણી.

‘રાઇફલ નીચે ફેંક...’ હાફિઝે ત્રાડ પાડી, ‘નહીં તો આ છોકરી ગઈ...’



‘એક મિનિટ...’


બચુભાઈએ સહેજ પણ ગભરાયા વિના રાઇફલ જમીન પર મૂકી દીધી અને બન્ને હાથ ઊંચા કર્યા.

‘શું નાની-નાની વાતમાં ચીસમચીસી કરવાની ભાઈ...’ બચુભાઈની જબાનમાં કાઠિયાવાડી લહેકો હતો, ‘ખોટી રાડારાડીથી માથું ફાટે ને માથું ફાટે તો આધાશીશી થાય. આધાશીશી શું એ ખબર છે?’


હાફિઝને કશું સમજાતું નહોતું. તેનાં રીઍક્શન જોઈને બચુભાઈ આગળ આવ્યા.

‘હાફિઝ મિયાં, મને જવાબ આપો, આ બટન દબાવીને મરવામાં તમને શું ફાયદો થવાનો? હૂર ને જન્નત ને એ બધું તો માર્યા ફરે...’ બચુભાઈની આંખો અનન્યા પર હતી, ‘તમારે અહીંથી ઝફર અને પેલી બ્રહ્માસ્ત્ર મિસાઇલના કોડ્સવાળી ચિપ લઈ જવી છેને?’

હાફિઝની આંખો ઝીણી થઈ.

‘ઝફર કહાં હૈ?!’

‘ઝફરિયો... એ તો બે દિવસ પહેલાં આર્થર રોડ જેલમાં હાર્ટ-અટૅકથી ઉપર ગયો.’ બચુભાઈએ તરત જ સુધારો કર્યો, ‘સૉરી, તમારામાં નીચે જાય કાં? ઝફરિયો ગયો, સીધો નીચે... હવે એ તમને નહીં મળે.’

‘બચુભાઈ...’

હાફિઝે રાડ પાડી કે બીજી જ સેકન્ડે બચુભાઈ હસી પડ્યા.

‘શાંતિ ભલા માણસ, શું કામ મગજ કા અથાણા કરના હૈ...’ બચુભાઈએ ચોખવટ કરી, ‘વાત રહી તમારી પેલી ચિપની, તો એ ચિપ અત્યારે આ જહાજની બહાર, દરિયામાં કોસ્ટગાર્ડની બોટમાં બેઠેલા ડિટેક્ટિવ સોમચંદ પાસે પહોંચી ગઈ.’

હાફિઝના ચહેરા પર ગુસ્સાની આગ તગતગવા માંડી અને પછી અચાનક જ તેના હાવભાવ બદલ્યા અને તે ખડખડાટ હસી પડ્યો. હવે અચરજ બચુભાઈના ચહેરા પર હતું.

‘તુઝે ક્યા લગા બુઢ્ઢે, મૈં મૂર્ખ હૂં?’ હાફિઝે ડેટોનેટર પર અંગૂઠો દબાવવાની તૈયારી કરતાં કહ્યું, ‘મને ચિપ કે ઝફરની જરૂર નહોતી. મારા માણસોએ બે કલાક પહેલાં જ નાશિકના ડિફેન્સ ડેટા સેન્ટર પર સાઇબર અટૅક કરીને બ્રહ્માસ્ત્રના કોડ્સ હૅક કરી લીધા. તારા આ મિનિસ્ટરનું કિડનૅપિંગ અને ઝફરની ડિમાન્ડ તો મુંબઈ પોલીસ અને ઇન્ટેલિજન્સનું ધ્યાન ભટકાવવા માટેનો પ્લાન હતો. બચુભાઈ, હમારા કામ હો ગયા... હવે તમારા કોઈનું કંઈ કામ નથી...’

બચુભાઈ અને હોમ મિનિસ્ટર સદાનંદ સાવંત બન્ને સ્તબ્ધ થઈ ગયા.

આખું ષડ્યંત્ર ધાર્યા કરતાં પણ વધુ મોટું અને બિહામણું નીકળ્યું હતું.

‘રાઘવ, તું...’ હાફિઝે રાઘવ કુલકર્ણી સામે જોયું, ‘તારો ઉપયોગ પણ પૂરો થયો. તેં અમને મિનિસ્ટર સુધી પહોંચાડ્યા, તેની આ ખૂબસૂરત દીકરી અમારા સુધી લઈ આવ્યો... અચ્છા કિયા. લેકિન અબ વક્ત હૈ હાફિઝ કો ખુદા હાફિઝ કહને કા...’

‘હાફિઝ... મતલબ...’

‘મતલબ સીધા હૈ...’ હાફિઝના ચહેરા પર ખુન્નસ હતું, ‘હવે તું પણ આ બધાની સાથે જ ઉપર જશે... આપ લોગ મેં તો ઉપર હી હોતા હૈના...’

હાફિઝ ફરી વાર ખડખડાટ હસ્યો અને રાઘવના પગ નીચેથી સ્ટીમર સરકી ગયું.

‘હાફિઝ, આપણી ડીલ હતી, તેં મારા ફૅમિલીને દુબઈમાં સેટ કરવાનું પ્રૉમિસ...’

‘પ્રૉમિસ તોડના તો હમારા પહલા ધર્મ હૈ જાનેમન...’ હાફિઝે નફ્ફટાઈ સાથે કહ્યું, ‘ચલો, અલવિદા... મિલતે હૈં જન્નત મેં...’

હાફિઝે ડેટોનેટર બટન દબાવવા અંગૂઠો નીચે કર્યો.

કટ...!!

બટન દબાયું! લાઉન્જમાં સન્નાટો છવાઈ ગયો...

એક સેકન્ડ... બે સેકન્ડ... ત્રણ સેકન્ડ...

પણ કોઈ ધડાકો થયો નહીં.

હાફિઝની આંખો ફાટી ગઈ. તેણે ફરીથી બટન દબાવ્યું. કોઈ અસર નહીં અને એટલે હાફિઝ રીતસર બટન દબાવવા પર લાગી ગયો.

કટ, કટ, કટ!

‘અરે હાફિઝ મિયાં, બસ. અંગૂઠો દુખશે, રહેવા દો.’ બચુભાઈએ ખિસ્સામાંથી એક નાનકડો પિત્તળનો વાયર અને ઇન્સ્યુલેશન ટેપનો ટુકડો કાઢ્યો, ‘એ નહીં ફૂટે.’

હાફિઝે બચુભાઈની સામે જોયું, હાફિઝની આંખોમાં લોહી આવી ગયું હતું.

‘મિયાં... તમે જ્યારે સી-લિંક પર તમારા માણસો મોકલ્યા ત્યારે મેં તેમની જ ગાડીમાંથી તમારું વૉકી-ટૉકી લઈ લીધું હતું. એની ફ્રીક્વન્સી પરથી મેં અહીં આવતાં પહેલાં કોસ્ટગાર્ડને ઇન્ફૉર્મ કરી હાઈ-ફ્રીક્વન્સી સિગ્નલ જૅમર ચાલુ કરાવી દીધું... અને તમને તો ખબર જ છે, રિમોટ તો જ કામ કરે જો એ બૉમ્બ સુધી તમારાં સિગ્નલ પહોંચાડે.’ બચુભાઈના ચહેરા પર સ્માઇલ હતું, ‘હાફિઝલાલ, અત્યારે તમારું આ રિમોટ-કંટ્રોલ્ડ ડેટોનેટર એક રમકડાથી વધારે કંઈ નથી. રમવું હોય તો રમો તમતમારે...’

‘બુઢ્ઢે, તુઝે તો મૈં...’

હાફિઝે ગુસ્સામાં પિસ્તોલ અનન્યાના લમણેથી હટાવીને બચુભાઈ તરફ તાકી અને બસ, બચુભાઈ બમ્બાટ આ જ એક ક્ષણની રાહ જોતા હતા. જેવી પિસ્તોલ અનન્યાના માથા પરથી હટી કે પંચાવન વર્ષના ભૂતપૂર્વ સ્ટન્ટ-માસ્ટર બચુભાઈની રગોમાં દોડતું ઍક્શન-ડિરેક્ટરનું લોહી જાગ્યું.

‘હાફિઝ, તૂ તો ક્યા તેરા બાપ ભી કુછ નહીં ઉખાડ પાએગા...’

ધાંય...

હાફિઝે ગોળી છોડી અને ત્યાં હાજર હતા એ સૌની આંખો ફાટી ગઈ.

પણ આ શું?

બચુભાઈ જ્યાં ઊભા હતા ત્યાં અત્યારે લાકડાની દીવાલ ઊભી થઈ ગઈ હતી!

ગોળી છૂટે એ સેકન્ડના છઠ્ઠા ભાગમાં બચુભાઈએ વચ્ચે રહેલા ટેબલની સેન્ટરમાં લાત મારીને એને ઊભું કરી દીધું હતું. હાફિઝની ગોળી લાકડાના જાડા ટેબલમાં ખૂંપી ગઈ.

‘બચુ...’

ગુસ્સામાં તગતગતા હાફિઝે ફરી ટ્રિગર પર આંગળી મૂકી, પણ એ આંગળી દબાય એ પહેલાં જ બચુભાઈએ બાજુમાં પડેલી ટ્રૉલી પરથી કીટલી ઉપાડી સીધી હાફિઝના ચહેરા તરફ ફંગોળી. કીટલીના ઘાથી બચવા હાફિઝે જેવો હાથ આડો કર્યો કે બચુભાઈ ચિત્તા જેવી ઝડપે દોડ્યા, જહાજની છત પર લટકતા ભારે ઝુમ્મરની સાંકળ પકડીને હવામાં ઝૂલ્યા, અને પછી બન્ને પગથી હાફિઝની છાતી પર એવી ડબલ ફ્લાઇંગ કિક મારી કે હાફિઝ ઊછળીને સીધો લાઉન્જના ખૂણામાં ઊભા કરેલા લોખંડના પિલર સાથે અથડાયો.

ભફાંગ...

હાફિઝના હાથમાંથી પિસ્તોલ છટકી ગઈ, પણ તે તરત જ ઊભો થયો અને કમરમાંથી ખંજર કાઢીને બચુભાઈ પર તૂટી પડ્યો. હાફિઝનું કદ-કાઠી બચુભાઈ કરતાં ખાસ્સાં વિશાળ હતાં. હાફિઝે બચુભાઈ પર ખંજરનો પહેલો ઘા કર્યો, બચુભાઈએ સ્ટન્ટમૅનની ત્વરા સાથે પાછળની તરફ બઍક-ફ્લિપ મારીને વાર ચૂકવ્યો અને તરત બાજુમાં પડેલી લોખંડની ખુરસી ઉપાડીને હાફિઝના માથા પર ઝીંકી દીધી.

‘હજુ તો અસલી ઍક્શન શરૂ નથી કરી, મિયાં...’

બચુભાઈએ હાફિઝનો હાથ મરોડીને તેના જ ખંજરની મૂઠ તેના લમણે મારી, અને હાફિઝ જમીન પર ફસડાઈ પડ્યો. પણ આ આખી ઘટના દરમ્યાન કોઈનું ધ્યાન રાઘવ કુલકર્ણી તરફ નહોતું.

‘હૅન્ડસ અપ...’

ખૂણામાં ઊભેલા કુલકર્ણીએ નીચે પડેલી હાફિઝની પિસ્તોલ ઉપાડી લીધી હતી.

‘કોઈ હલતા નહીં...’ રાઘવે પિસ્તોલ હોમ મિનિસ્ટર તરફ તાકી, ‘હાફિઝનું જે થવું હોય એ થાય... પણ સાવંતને તો હું આજે પૂરો કરીશ. મારા દીકરાનો હિસાબ આજે પૂરો.’

‘રાઘવ, નહીં...’

‘બચુભાઈ, કોઈ હોશિયારી નહીં...’

‘સહેજ પણ હોશિયારી નથી રાઘવ... જો... હાથ ઊંચા...’ બચુભાઈએ હાથ ઊંચા કરી લીધા, ‘મારી વાત માન, ગોળી નહીં ચલાવતો... તું જેને તારા દીકરાનો કાતિલ માને છે એ સાવંતસાહેબ નથી, એ બીજું કોઈ છે.’

‘તું રમત નહીં કર બચુ... હું, હું આને નહીં મૂકું...’

‘રાઘવ, હું સાચું કહું છું... એ બ્રિજની ફાઇલ પર જે અધિકારીએ હલકી ક્વૉલિટીનો સિમેન્ટ વાપરવાની પરમિશન આપી એ અધિકારીની સહી મેં સાવંતસાહેબના સ્ટડીરૂમની ફાઇલમાં જોઈ છે.’ બચુભાઈએ રાઘવની આંખોમાં જોયું, ‘માન મારી વાત... નહીં તો જિંદગીભર દુખી થઈશ.’

‘એનું નામ બોલ...’ રાઘવે દાંત કચકચાવ્યા, ‘નહીં તો હું, હું આને, આને નહીં મૂકું... આ જશે આજે...’

‘બચુભાઈ, નામ નહીં...’ સાવંતે રાઘવ સામે જોયું, ‘રાઘવ, તારે જે કરવું હોય એ કર... તને છૂટ...’

‘રાઘવ નહીં...’ બચુભાઈ આગળ આવ્યા, ‘એ સહી કરીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર તારા જ સગા બનેવી, પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટના ચીફ એન્જિનિયર વિનાયક દેશપાંડેએ કર્યો છે. સાવંતસાહેબે તો તારી બહેનની લાઇફ બચે, તારા અને તારા બનેવીના સંબંધો ન બગડે એના માટે બધું સંકેલ્યું અને તારી બહેનના કહેવાથી તેણે તને સેક્રેટરી પદ ઑફર કર્યું...’

‘ખોટું નહીં બોલ...’

‘સાચું બોલું છું, તારે ખાતરી કરવી છે?’ બચુભાઈએ સાવંતનો હાથ અનન્યાના માથા પર મૂક્યો, ‘જો હું ખોટું બોલતો હોઉં તો દીકરીના માથે હાથ રાખીને સમ ખાઈ બતાવો સાવંતસાહેબ...’

સાવંતની આંખમાંથી આંસુ નીકળી ગયાં અને રાઘવના હાથમાંથી પિસ્તોલ પડી ગઈ. તે ફાટી આંખે સદાનંદ સાવંત સામે જોઈ રહ્યો.

‘સા... સાહેબ... આ સાચું છે?!’

‘હા રાઘવ... તારી બહેનની હાલત જોઈને મેં એ ફાઇલ બંધ કરી, પણ તેં મારી જ દીકરીને આમ...’

રાઘવ ભાંગીને ભુક્કો થઈ ગયો, તે ઘૂંટણિયે બેસીને ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો.

બરાબર એ જ સમયે જહાજની બહાર દરિયામાંથી પાવરફુલ સર્ચલાઇટ્સનો પ્રકાશ લાઉન્જમાં ફેલાયો અને કોસ્ટગાર્ડની બોટ્સ ‘એસ.એસ. જલપરી’ને ઘેરી વળી અને ડિટેક્ટિવ સોમચંદ અને કમિશનર વિશ્વનાથ રાવ જહાજની ચેમ્બરમાં આવ્યા.

‘બચુભાઈ, હૅટ્સ ઑફ...’ કમિશનર રાવ દોડીને બચુભાઈ પાસે આવ્યા, ‘થૅન્ક ગૉડ કે તમે છેલ્લે સુધી વીંટીમાં પહેરેલું ડોટર નીકળવા દીધું નહીં, એને લીધે અમને ઇન્ફર્મેશન મળી અને બ્રહ્માસ્ત્રના કોડ્સ તરત જ ચેન્જ કરી શક્યા...’

‘અરેસ્ટ ધેમ...’

કમિશનરે જેવો હાફિઝ અને રાઘવ કુલકર્ણીને હાથકડી પહેરાવવાનો આદેશ આપ્યો કે તરત અત્યાર સુધી બેહોશ હોવાનો ઢોંગ કરતા હાફિઝે નજીક આવેલા કમાન્ડોની કમરેથી રિવોલ્વર ખેંચી અને સીધી બચુભાઈની છાતી પર તાકી.

‘બચુભાઈ બમ્બાટ... તૂ નહીં બચેગા...’

ધાંય...

સોમચંદ અને કમિશનર રાવ સ્તબ્ધ થઈ ગયા...

પણ બચુભાઈ ઊભા હતા અને હાફિઝ જમીન પર લોહીલુહાણ પડ્યો હતો.

બધાએ ચોંકીને દરવાજા તરફ જોયું, ત્યાં હાથમાં ધુમાડો ઓકતી પિસ્તોલ સાથે ગની ઊભો હતો.

‘બચુભાઈ, નિશાન પર્ફેક્ટ હતુંને?’

રજનીકાંતની સ્ટાઇલથી ગનીએ પિસ્તોલ નીચે કરી અને બચુભાઈ
હસી પડ્યા.

lll

‘વેલકમ હોમ, બચુભાઈ...’ બચુભાઈ ઘરમાં આવ્યા કે તરત પાયલ બચુભાઈ પાસે આવી, ‘અચાનક કયા પ્રોડ્યુસર પાસે જવું પડ્યું, એ પણ આટલા વર્ષે...’

‘ઓળખીતો પ્રોડ્યુસર હતો બેટા...’ બચુભાઈએ પાયલના માથા પર હાથ મૂક્યો, ‘ક્લાઇમૅક્સ ડ્રાય હતો, એમાં થોડા એક્સ્ટ્રા સ્ટન્ટ ઉમેરવા મને બોલાવી લીધો.’

ડાઇનિંગ ટેબલ પર બેસી બચુભાઈએ ચાનો કપ હાથમાં લીધો અને ત્યાં જ...

હિક...!

‘હવે આ સાલ્લું નવું કોણ જાગ્યું...’

‘બચુભાઈ, ઍક્શન એક્સ્ટ્રા-લાર્જ આપો તો ડિમાન્ડ તો રહેવાની જને...’   

 

(સંપૂર્ણ)

 

Whatsapp-channel Whatsapp-channel

27 November, 2026 07:50 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK