આતંકવાદી હુમલા વખતે મૅક્સ, ટાઇગર, સીઝર અને સુલતાને ગ્રેનેડ અને RDX શોધી બચાવી હતી અનેક જિંદગીઓ.
ચારપગા જાંબાઝ સીઝર, મૅક્સ, ટાઇગર અને સુલતાન
આજની ૨૬/૧૧ની તારીખ મુંબઈ અને ભારતના ઇતિહાસમાં લોહિયાળ અક્ષરે લખાઈ છે. આજે આપણે આ કાયર હુમલાનો ભોગ બનેલા લોકોને, આતંકવાદીઓનો સામનો કરનારા સુરક્ષાદળોના જવાનોને યાદ કરીએ છીએ ત્યારે આતંકવાદી હુમલા દરમ્યાન તથા આતંકવાદીઓનો ખાતમો બોલાવવામાં આવ્યો ત્યાર પછી અદમ્ય સાહસ દર્શાવી લોકોના જીવ બચાવી વધુ નુકસાન થતું અટકાવનારા ચારપગા મૂક સૈનિકોને પણ ભૂલી ન શકાય.
આતંકવાદી હુમલા વખતે મુંબઈ પોલીસની બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્ક્વૉડ (BDDS)ના સ્નિફર-ડૉગ્સ મૅક્સ, સીઝર, સુલતાન અને ટાઇગરે તેમને આપવામાં આવેલી ટ્રેઇનિંગ તથા વફાદારીને પુરવાર કરીને ૮ કિલો RDX તથા લાઇવ ગ્રેનેડ શોધી કાઢ્યાં હતાં. આ વિસ્ફોટકો વધુ માસૂમોના જીવ લે કે એના માટે વપરાય એ પહેલાં જ એને શોધીને આ ચારેય શ્વાન સૈનિકોએ પોતાની ડ્યુટી નિભાવી હતી.
ADVERTISEMENT
૨૦૧૬માં ચારેયની વસમી વિદાય
વર્ષો સુધી મુંબઈગરાઓને પોતાની મૂક સેવા આપી તેમના જીવ બચાવનારા ચારેય માટે ૨૦૧૬નું વર્ષ જીવનનું છેલ્લું વર્ષ સાબિત થયું. રિટાયર થયા બાદ ચારેયને વિરારના ફિઝા ફાર્મમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં ફિઝા શાહ તેમની દેખભાળ કરતી હતી. જોકે એક પછી એક ચારે જણે પોતાની ફરજ નિભાવ્યાનો સંતોષ માનીને પોતાના પ્રાણ છોડ્યા હતા. ચારે જણના પૂરા રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
CSMTથી શોધી કાઢ્યા બે લાઇવ હૅન્ડ ગ્રેનેડ
પોલીસે સીઝરને લઈ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પરિસરને પણ સૅનિટાઇઝ કર્યો હતો. એ દરમ્યાન અહીંથી બે લાઇવ હૅન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા. ૩ દિવસ સુધી નરીમાન હાઉસમાં લોકોને બંધક બનાવીને રાખવામાં આવ્યા એ દરમ્યાનના સર્ચ-ઑપરેશનમાં તથા ૨૦૧૧ના સિરિયલ બ્લાસ્ટના
સર્ચ-ઑપરેશનમાં પણ સીઝર પોતાની ફરજ બજાવી ચૂક્યો હતો. એણે BDDSમાં ૨૦૦૫થી ૨૦૧૩ સુધી સેવા આપી હતી, જ્યારે ટાઇગર અને સુલતાને પણ મુંબઈ પોલીસના BDDS સ્ક્વૉડમાં સરાહનીય કામગીરી બજાવી હતી. ટાઇગર આતંકવાદી હુમલા બાદ સતત ૮ દિવસ સુધી તાજ હોટેલની બહાર રહ્યો હતો અને પોલીસને સર્ચ-ઑપરેશનમાં મદદ આપી હતી, જ્યારે સુલતાને પણ પોતાના હૅન્ડલર્સ સાથે સતત દિવસો સુધી કામ કરીને વિસ્ફોટકો પકડાવ્યા હતા. પવઈમાં હીરાનંદાની હૉસ્પિટલ બહાર મૂકવામાં આવેલા વિસ્ફોટકોને પણ એમણે પકડાવ્યા હતા.
ભૂખ-થાક ભૂલીને ગોળીઓની રમઝટ વચ્ચે ફરજ બજાવી
આતંકવાદી હુમલો થયાની જાણ થતાં જ ચારેય સ્નિફર-ડૉગ્સને કામે લગાડી દેવામાં આવ્યા હતા અને આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે થતા ગોળીબાર વચ્ચે પણ ટ્રેઇનિંગ યાદ રાખીને મૅક્સ, સીઝર, સુલતાન અને ટાઇગરે પોતાની ફરજ નિભાવી હતી. મૅક્સે પોતાના હૅન્ડલર સુભાષ ગાવડે સાથે તાજ મહલ પૅલેસ હોટેલ નજીકથી ૮ કિલો RDX, ડેટોનેટર, શાર્પનેલ તથા બૉલ-બેરિંગ શોધી કાઢ્યાં હતાં. મૅક્સ અહીં એક વૃક્ષની પાસે ઊભો રહી ભસવા માંડ્યો હતો. ત્યાં તપાસ કરતાં પક્ષીઓ માટે મૂકવામાં આવેલા પાણીના બાઉલ પાછળ છુપાવવામાં આવેલું RDX પોલીસના હાથે લાગ્યું હતું. મૅક્સે ૨૦૧૧માં ઝવેરીબજારમાં થયેલા બૉમ્બ-વિસ્ફોટો વખતે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
