પાકિસ્તાન સામે માત્ર ૬૮ રનનો ટાર્ગેટ ૭.૫ ઓવરમાં ચેઝ કર્યો ભારતીય મહિલાઓએ
૧૭ વર્ષની લેફ્ટ આર્મ સ્પિનર સોનમ યાદવે ચાર મહત્ત્વની વિકેટ ઝડપી હતી
મલેશિયામાં ગઈ કાલે પહેલા અન્ડર-19 વિમેન્સ એશિયા કપની શરૂઆત થઈ હતી. ભારતીય ટીમે પાકિસ્તાન સામે ૯ વિકેટે જીત મેળવીને પોતાના અભિયાનની વિજયી શરૂઆત કરી હતી. પહેલી બૅટિંગ કરતાં પાકિસ્તાની ટીમ ૨૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને ૬૭ રન જ બનાવી શકી હતી. ભારતીય ટીમે ૭.૫ ઓવરમાં એક વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ટુર્નામેન્ટની પહેલી મૅચમાં શ્રીલંકાએ યજમાન દેશ મલેશિયાને ૯૪ રને હરાવ્યું હતું.
ઉત્તર પ્રદેશની લેફ્ટ આર્મ સ્પિનર સોનમ યાદવે ચાર ઓવરના ક્વોટામાં માત્ર ૬ રન આપીને ૪ મહત્ત્વની વિકેટ લીધી હતી. ૧૭ ડિસેમ્બરે ભારતની બીજી મૅચ નેપાલ સામે રમાશે. ૬ ટીમ વચ્ચેની આ ટુર્નામેન્ટની ફાઇનલ મૅચનું આયોજન બાવીસમી ડિસેમ્બરે કરવામાં આવ્યું છે.