Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈએ રણજી ટ્રોફીની સેમી ફાઇનલમાં એન્ટ્રી કરી

ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈએ રણજી ટ્રોફીની સેમી ફાઇનલમાં એન્ટ્રી કરી

Published : 12 February, 2025 08:26 AM | IST | Kolkata
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફાસ્ટ બોલર શાર્દૂલ ઠાકુર કુલ ૯ વિકેટ લઈને ચમક્યો, કૅપ્ટન અજિંક્ય રહાણેની સેન્ચુરી બાદ બીજી ઇનિંગ્સમાં મીડિયમ ફાસ્ટ બોલર રૉયસ્ટન ડાયસે પાંચ વિકેટ લીધી

ગઈ કાલે મૅચ જીતી ગયા બાદ કૅપ્ટન અજિંક્ય રહાણે, સૂર્યકુમાર યાદવ અને મૅન ઑફ ધ મૅચ શાર્દૂલ ko

ગઈ કાલે મૅચ જીતી ગયા બાદ કૅપ્ટન અજિંક્ય રહાણે, સૂર્યકુમાર યાદવ અને મૅન ઑફ ધ મૅચ શાર્દૂલ ko


ક્વૉર્ટર ફાઇનલમાં ૩૫૪ રનના ટાર્ગેટ સામે ૨૦૧ રનમાં સમેટાઈ ગયું હરિયાણા, મુંબઈની ૧૫૨ રને શાનદાર જીત થઈ : ફાસ્ટ બોલર શાર્દૂલ ઠાકુર કુલ ૯ વિકેટ લઈને ચમક્યો, કૅપ્ટન અજિંક્ય રહાણેની સેન્ચુરી બાદ બીજી ઇનિંગ્સમાં મીડિયમ ફાસ્ટ બોલર રૉયસ્ટન ડાયસે પાંચ વિકેટ લીધી


કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં રમાયેલી રણજી ટ્રોફીની વર્તમાન સીઝનની ક્વૉર્ટર ફાઇનલ મૅચમાં હરિયાણા સામે ૧૫૨ રને જીત મેળવીને મુંબઈએ સેમી ફાઇનલમાં એન્ટ્રી કરી છે. પહેલી ઇનિંગ્સમાં મુંબઈનો સ્કોર ૩૧૫/૧૦ અને હરિયાણાનો સ્કોર ૩૦૧/૧૦ રહ્યો હતો. ગઈ કાલે ચોથા દિવસે મુંબઈની ટીમે ૮૫.૩  ઓવરમાં ૩૩૯ રને ઑલઆઉટ થઈને હરિયાણાને ૩૫૪ રનનો ટાર્ગેટ આપ્યો હતો. આખી મૅચમાં જબરદસ્ત ટક્કર આપનાર હરિયાણાની ટીમ બીજી ઇનિંગ્સમાં ૫૭.૩ ઓવરમાં ૨૦૧ રનમાં સમેટાઈ ગઈ હતી.



મુંબઈના કૅપ્ટન અજિંક્ય રહાણેએ ચોથા દિવસની રમતની શરૂઆત ૮૮ રનથી કરી અને ટૂંક સમયમાં જ પોતાની ૪૧મી ફર્સ્ટ ક્લાસ સેન્ચુરી ફટકારી. તેણે ૧૮૦ બૉલનો સામનો કર્યો અને ૧૦૮ રન બનાવ્યા જેમાં ૧૩ ચોગ્ગાનો સમાવેશ હતો. તેની વિકેટ બાદ મુંબઈની ટીમે માત્ર પચીસ રન ઉમેરીને બાકીની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. કૅપ્ટન પછી ઑલરાઉન્ડર શિવમ દુબેએ પણ ૬૫ બૉલમાં ૬  ચોગ્ગા અને એક છગ્ગો ફટકારીને ૪૮ રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી.


કૅપ્ટન અજિંક્ય રહાણેએ શાનદાર ૧૦૮ રન ફટકાર્યા હતા.


હરિયાણાના બૅટર્સને બીજી ઇનિંગ્સમાં મુંબઈના બોલર્સ ખૂબ નડ્યા હતા. પહેલી ઇનિંગ્સમાં છ વિકેટ લેનાર ફાસ્ટ બોલર શાર્દૂલ ઠાકુરે બીજી ઇનિંગ્સમાં ૨૬ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. કુલ ૯ વિકેટ લઈને તે પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. બીજી ઇનિંગ્સમાં મુંબઈના ૩૨ વર્ષના મીડિયમ ફાસ્ટ બોલર રૉયસ્ટન ડાયસે ૩૯ રન આપીને સૌથી વધુ પાંચ વિકેટ લઈને સૌને ચોંકાવ્યા હતા.

મુંબઈના ઑલરાઉન્ડર્સ તનુષ કોટિયન (૪ વિકેટ, ૯૬ અને ૬ રન) અને શમ્સ મુલાની (બે વિકેટ, ૯૧  અને પાંચ રન)ની સાથે ભારતના T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવે (૯ રન અને ૭૦ રન) આ જીતમાં મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો હતો.

સૌરાષ્ટ્રને કચડીને ગુજરાત સેમી ફાઇનલમાં

રણજી ટ્રોફીની ચારેય ક્વૉર્ટર ફાઇનલ મૅચમાંથી જમ્મુ-કાશ્મીર અને કેરલા વચ્ચેની મૅચ પાંચમા દિવસ પર પહોંચી છે. પહેલી ઇનિંગ્સમાં ૨૮૦ રન કરનાર જમ્મુ-કાશ્મીરે ૩૯૯/૯ના સ્કોર પર બીજી ઇનિંગ્સ ડિકલેર કરી હતી, જ્યારે પહેલી ઇનિંગ્સમાં ૨૮૧ રન કરનાર કેરલાની ટીમે બીજી ઇનિંગ્સમાં ચોથા દિવસના અંતે ૩૬ ઓવરમાં બે વિકેટ ગુમાવીને ૧૦૦ રન કર્યા છે. ૩૯૯ રનના ટાર્ગેટ સામે કેરલાની ટીમ પુણેના મેદાન પર જીતથી ૨૯૯ રન પાછળ છે, જ્યારે જમ્મુ-કાશ્મીર ૮ વિકેટ દૂર છે.

નાગપુરમાં તામિલનાડુ સામેની મૅચમાં વિદર્ભે ૧૯૮ રને જીત મેળવી છે. પહેલી ઇનિંગ્સમાં વિદર્ભનો સ્કોર ૩૫૩/૧૦ અને તામિલનાડુનો સ્કોર ૨૨૫/૧૦ રહ્યો હતો. બીજી ઇનિંગ્સમાં ૨૭૨ રન કરીને વિદર્ભે ૪૦૧ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ચોથા દિવસે તામિલનાડુની ટીમ બીજી ઇનિંગ્સમાં ૬૧.૧ ઓવરમાં ૨૦૨ રનમાં સમેટાઈ ગઈ હતી. ઇનફૉર્મ ભારતીય બૅટર કરુણ નાયર ૧૨૨ અને ૨૯ રનની ઇનિંગ્સ રમીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો છે.

રાજકોટમાં સૌરાષ્ટ્ર સામે રમાયેલી ક્વૉર્ટર ફાઇનલ મૅચમાં ગુજરાતની ટીમે એક ઇનિંગ્સ અને ૯૮ રને વિજય મેળવ્યો છે. પહેલી ઇનિંગ્સમાં સૌરાષ્ટ્રે ૨૧૬ રન અને ગુજરાતે ૫૧૧ રન કર્યા હતા. બીજી ઇનિંગ્સમાં ચેતેશ્વર પૂજારા અને જયદેવ ઉનડકટ જેવા સ્ટાર પ્લેયર્સવાળી સૌરાષ્ટ્રની ટીમ ૬૨.૧ ઓવરમાં ૧૯૭ રનમાં ઑલઆઉટ થતાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો.

મુંબઈ અને વિદર્ભ વચ્ચે થશે સેમી ફાઇનલ જંગ
૧૭થી ૨૧ ફેબ્રુઆરી વચ્ચે રમાનારી સેમી ફાઇનલની એક મૅચ નક્કી થઈ ગઈ છે. ગઈ સીઝનની ચૅમ્પિયન મુંબઈ અને રનર-અપ વિદર્ભની ટીમ આ સીઝનમાં સેમી ફાઇનલમાં ટકરાશે, જ્યારે અન્ય સેમી ફાઇનલ મૅચમાં ગુજરાતની ટક્કર જમ્મુ-કાશ્મીર અને કેરલાની ક્વૉર્ટર ફાઇનલ મૅચની વિજેતા ટીમ સામે થશે. સેમી ફાઇનલ મૅચનું વેન્યુ ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે. 

Whatsapp-channel Whatsapp-channel

12 February, 2025 08:26 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK