ઉનાળાના આ દિવસોમાં ગુજરાતમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીની આસપાસ રહેતો હોવા છતાં તડકામાં તપીને સ્ટેડિયમમાં બેસીને ચાહકોએ મૅચ એન્જૉય કરી હતી
ગરમીની ઐસીતૈસી : હજારો ક્રિકેટપ્રેમીઓ હાર્દિક-કૃણાલનો જંગ જોવા ઊમટ્યા
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈ કાલે આકરી ગરમી વચ્ચે ધોમધખતા તડકામાં અમદાવાદી ક્રિકેટ ફૅન્સ પંડ્યા બ્રધર્સ હાર્દિક અને કૃણાલ વચ્ચેનો ક્રિકેટ-જંગ જોવા આવ્યા હતા અને સ્ટેડિયમમાં ભર તડકે બેસીને ગરમીમાં સેકાતાં-સેકાતાં મૅચની મજા માણી હતી.
ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રોમાંચક મૅચ રમાઈ હતી. મૅચ બપોરે શરૂ થઈ હતી. ઉનાળાના આ દિવસોમાં ગુજરાતમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીની આસપાસ રહેતો હોવા છતાં તડકામાં તપીને સ્ટેડિયમમાં બેસીને ચાહકોએ મૅચ એન્જૉય કરી હતી. ભર તડકે બે-અઢી વાગ્યાથી સ્ટેડિયમ પર ક્રિકેટ ફૅન્સ આવી ગયા હતા. સ્ટેડિયમના મુખ્ય ગેટ પાસે ક્રિકેટ ફૅન્સની ભીડ જામી હતી. આકરી ગરમીમાં મૅચ જોવા આવેલા ચાહકોમાંથી કેટલાકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગરમી ગમે એટલી હોય, ગુજરાત ટાઇટન્સને સપોર્ટ કરવા આવવું જ પડે. હાર્દિક પંડ્યા, રાશિદ ખાન, શુભમન ગિલની બૅટિંગ અને બોલિંગ જોવી એ એક લહાવો છે. લખનઉ સુપર જાયન્ટ્સના કાઇલ માયર્સની બૅટિંગ પણ જોવાની મજા પડે. હાર્દિક અને કૃણાલ બન્ને ભાઈઓ આ મૅચમાં સામસામે હોય અને કૅપ્ટન તરીકે આ મૅચ ગુજરાતમાં જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની હોય ત્યારે એનો રોમાંચ કંઈક અલગ જ હોય. તડકો તો છે, પણ મૅચ જોવાની મજા કંઈક અલગ જ હોય છે.’
ADVERTISEMENT
ક્રિકેટ ફૅન્સે સતત ત્રણ-ચાર કલાક તડકામાં તપતાં-તપતાં ગુજરાત ટાઇટન્સના વૃદ્ધિમાન સહા, શુભમન ગિલ ઉપરાંત મેયર્સના ચોગ્ગા–છગ્ગાની રોમાંચક મજા માણી હતી. જોકે ગઈ કાલે રમાયેલી મૅચમાં અગાઉની મૅચની સરખામણીએ જોઈએ એટલા પ્રેક્ષકો આવ્યા નહોતા. પ્રેક્ષકોની ઓછી હાજરી ઊડીને આંખે વળગી હતી.

