અનિયમિત ફિટનેસને કારણે સૂર્યકુમાર યાદવને કૅપ્ટન બનાવવાનો કર્યો નિર્ણય ઃ ભવિષ્યમાં શુભમન ગિલ વાઇસ-કૅપ્ટન બની રહેશે એ નક્કી નથી
સાંતાક્રુઝની ગ્રૅન્ડ હયાત હોટેલમાં ગઈ કાલે પત્રકારને સંબોધતા ભારતીય ક્રિકેટના ચીફ સિલેક્ટર અજિત અાગરકર અને હેડ કોચ ગૌતમ ગંભીર (તસવીર : સતેજ શિંદે)
ગઈ કાલે મુંબઈમાં ભારતીય ક્રિકેટ ટીમના નવા હેડ કોચ ગૌતમ ગંભીરે શ્રીલંકા ટૂર માટે રવાના થતાં પહેલાં પ્રેસ-કૉન્ફરન્સમાં ભાગ લીધો હતો. શ્રીલંકા ટૂર માટે સિલેક્ટ થયેલી સ્ક્વૉડ પર ઘણા સવાલો ઊઠ્યા હતા એ તમામ સવાલોના જવાબ તેઓ ચીફ સિલેક્ટર અજિત આગરકર સાથે પોતાની પહેલી પ્રેસ-કૉન્ફરન્સમાં આપતા જોવા મળ્યા હતા. તેમણે રોહિત શર્મા અને વિરાટ કોહલી વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપીને સૌનું દિલ જીતી લીધું હતું.
સવાલ : હાર્દિક પંડ્યાને સ્થાને સૂર્યકુમાર યાદવને કૅપ્ટન્સી કેમ આપી?
ADVERTISEMENT
અજિત આગરકર : હાર્દિક પંડ્યા અમારા માટે મહત્ત્વપૂર્ણ ખેલાડી છે, પણ અમને લાંબા સમય સુધી ટીમ સાથે સતત જોડાઈ રહે તેવા કૅપ્ટનની જરૂર હતી. સૂર્યકુમાર યાદવ કૅપ્ટન્સી ડિઝર્વ કરે છે.
સવાલ : હેડ કોચ તરીકે તમારું વિઝન શું રહેશે?
ગૌતમ ગંભીર : હું મારા ખેલાડીઓને કહેવા માગું છું કે તેમને મારું સંપૂર્ણ સમર્થન છે. મેં હંમેશાં કહ્યું છે કે ખુશખુશાલ ડ્રેસિંગ રૂમ એ વિનિંગ ડ્રેસિંગ રૂમ છે. અમારા ડ્રેસિંગ રૂમને ખુશ રાખવાની જવાબદારી મારી અને મારા સમગ્ર સપોર્ટ સ્ટાફની છે.
સવાલ : જાડેજા-અભિષેક-ઋતુરાજને સ્ક્વૉડમાં સામેલ કેમ ન કર્યા?
અજીત આગરકર : અક્ષર પટેલ અને રવીન્દ્ર જાડેજા બન્નેને એક જ સિરીઝમાં સાથે લેવાનું અર્થહીન છે. તેને ડ્રૉપ કરવામાં આવ્યો નથી. અમારે આગળ સળંગ ઘણી ટેસ્ટ રમવાની છે અને એ તમામ ટેસ્ટ સિરીઝમાં સામેલ કરવામાં આવે એવી શક્યતા છે. બધા પર અમારી નજર રહેશે.
સવાલ : રોહિત શર્મા અને વિરાટ કોહલીના ભવિષ્ય વિશે શું કહેશો?
ગૌતમ ગંભીર : મને લાગે છે કે આ બન્નેમાં ઘણું ક્રિકેટ બાકી છે. એ પહેલાં ચૅમ્પિયન્સ ટ્રોફી અને ઑસ્ટ્રેલિયન ટૂર માટે બન્ને ખૂબ જ આતુર હશે. આશા છે કે જો તેઓ તેમની ફિટનેસ જાળવી રાખશે તો ૨૦૨૭નો વન-ડે વર્લ્ડ કપ વધુ દૂર નથી. બન્ને વર્લ્ડ ક્લાસ પ્લેયર છે.
સવાલ : શુભમન ગિલને વાઇસ-કૅપ્ટન બનાવવાનું કારણ?
અજિત આગરકર : શુભમન ગિલ ત્રણેય ફૉર્મેટનો ખેલાડી છે. અમે તેને નેતૃત્વનો અનુભવ આપવાનો પ્રયાસ કરવા માગીએ છીએ. જોકે ભવિષ્યમાં તે આ ભૂમિકામાં જોવા મળશે કે નહીં એની કોઈ ખાતરી નથી.
સવાલ : મોહમ્મદ શમીની વાપસી થશે?
ગૌતમ ગંભીર : તેણે બોલિંગ શરૂ કરી દીધી છે. ૧૯ સપ્ટેમ્બરથી બંગલાદેશ સામેની ટેસ્ટ-સિરીઝ શરૂ થવાની છે. મારે NCAના લોકો સાથે વાત કરવી પડશે કે શું તે ફિટ થશે અને એ સમય સુધીમાં ટીમમાં જોડાઈ જશે?

