T20 સિરીઝમાં એક ટીમે ચાર સેન્ચુરી નોંધાવી હોય એવી ઘટના પહેલી વાર બની : ૨૫૦ પ્લસનો સ્કોર ત્રણ વાર બનાવનાર ભારતીય ટીમ પહેલી : સંજુ અને તિલકે પહેલી વાર ભારત માટે ૨૦૦ પ્લસ રનની પાર્ટનરશિપ નોંધાવી
જોહનિસબર્ગમાં ટ્રોફી સાથે સિરીઝ જીતની ઉજવણી કરતી ભારતીય ટીમ.
૧૫ નવેમ્બરે જોહનિસબર્ગમાં સાઉથ આફ્રિકા સામે ચોથી T20 મૅચ ૧૩૫ રને જીતીને ભારતીય ટીમે ૩-૧થી સિરીઝ જીતી લીધી છે. ભારતીય ટીમે આપેલા ૨૮૪ રનના ટાર્ગેટ સામે યજમાન ટીમ ૧૮.૨ ઓવરમાં ૧૪૮ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી. ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે ત્રણ જ્યારે સ્પિનર્સ વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલે બે-બે વિકેટ ઝડપી હતી. આ ચાર મૅચની સિરીઝ સૂર્યકુમાર ઍન્ડ કંપની અને કોચ વી.વી.એસ. લક્ષ્મણ માટે સ્પેશ્યલ બની ગઈ છે. આ સિરીઝમાં ભારતીય ટીમે ઘણા રસપ્રદ રેકૉર્ડ બનાવ્યા છે.
ચોથી મૅચમાં સંજુ સૅમસન (૧૦૯ રન) અને તિલક વર્મા (૧૨૦ રન)એ એક જ ઇનિંગ્સમાં સેન્ચુરી ફટકારી હતી જે આ ફૉર્મેટમાં ફુલ મેમ્બર ટીમો વચ્ચે પહેલી ઘટના છે. આ પહેલાં ચેક રિપબ્લિક અને જપાનની ટીમના પ્લેયર્સ આ કમાલ કરી ચૂક્યા છે.
ADVERTISEMENT
તિલક વર્મા T20 ઇન્ટરનૅશનલમાં સતત બે સેન્ચુરી ફટકારનાર દુનિયાનો પાંચમો અને ભારતનો બીજો પ્લેયર બન્યો છે પણ તે આ રેકૉર્ડ બનાવનાર ડાબા હાથનો પહેલો ક્રિકેટર બન્યો છે. એક જ ટીમ સામે આ કમાલ કરનાર તે ફિલ સૉલ્ટ (વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ ૨૦૨૩માં) બાદ બીજો પ્લેયર બન્યો છે.
૨૮૩ રનનો સ્કોર આ ફૉર્મેટમાં ભારતીય ટીમનો અને ફુલ મેમ્બર ટીમ વચ્ચે બીજો અને ઓવરઑલ પાંચમો હાઇએસ્ટ સ્કોર છે. ૧૩૫ રનની જીત એ ભારતીય ટીમની સાઉથ આફ્રિકા સામેની સૌથી મોટી જીત છે અને સાઉથ આફ્રિકાની આ ફૉર્મેટમાં કોઈ પણ ટીમ સામેની સૌથી મોટી હાર છે. ૨૮૩ રનનો સ્કોર વિદેશી ધરતી પર ભારતીય ટીમનો હાઇએસ્ટ સ્કોર બની ગયો છે.
ચોથી T20 મૅચમાં સંજુ અને તિલક વચ્ચે ૨૧૦ રનની અણનમ પાર્ટનરશિપ થઈ હતી. તેમણે ભારત માટે પહેલી વાર આ ફૉર્મેટમાં ૨૦૦ પ્લસ રનની પાર્ટનરશિપ કરી છે. એ ૨૦૦ પ્લસની માત્ર આઠમી ભાગીદારી છે, પરંતુ બીજી વિકેટ અથવા એનાથી નીચેની વિકેટ માટે પ્રથમ છે.
ચાર મૅચમાં ૧૨ વિકેટ ઝડપીને સ્પિનર વરુણ ચક્રવર્તીએ ચાર કે એથી ઓછી T20 મૅચની દ્વિપક્ષીય સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેવાનો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે.
આ વર્ષે ૨૬માંથી ૨૪ T20 મૅચ જીતીને ભારતીય ટીમે ૯૨.૩૦ ટકાની જીતની સર્વશ્રેષ્ઠ ટકાવારી નોંધાવી છે.
પ્લેયર ઑફ ધ મૅચ અને પ્લેયર ઑફ ધ સિરીઝ અવૉર્ડ સાથે તિલક વર્મા અને ચાર મૅચમાં ૧૨ વિકેટ લેનાર વરુણ ચક્રવર્તીને ગેમ ચૅન્જર ઑફ ધ સિરીઝનો અવૉડ મળ્યો.
ચોથી T20 મૅચમાં ભારતીય ટીમે ૨૩ સિક્સર ફટકારી છે જે એક ફુલ મેમ્બર ટીમની એક ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સરનો રેકૉર્ડ બન્યો છે.
T20 ઇન્ટરનૅશનલમાં ૨૫૦ પ્લસ રનનો સ્કોર ત્રણ વાર ફટકારનાર ભારતીય ટીમ પહેલી ટીમ બની છે. ચેક રિપબ્લિક, જપાન અને ઝિમ્બાબ્વે બે-બે વાર આ સ્કોર વટાવી ચૂક્યા છે.
આ સિરીઝમાં સંજુ અને તિલકની બે-બે સેન્ચુરી મળીને ભારતીય ટીમે ચાર સેન્ચુરી નોંધાવી છે જેપહેલી વાર બન્યું છે. આ પહેલાં કોઈ પણ T20 સિરીઝ કે ટુર્નામેન્ટમાં બે કરતાં વધુ વ્યક્તિગત સદી નોંધાઈ નથી.
તિલક વર્મા એક T20 દ્વિપક્ષીય સિરીઝમાં ભારત માટે સૌથી વધુ ૨૮૦ રન ફટકારનાર પ્લેયર બન્યો છે. આ પહેલાં આ રેકૉર્ડ વિરાટ કોહલીએ ૨૦૨૧માં ઇંગ્લૅન્ડ સામે ૨૩૧ રન ફટકારીને બનાવ્યો હતો.
લાઇવ મૅચમાં સૂર્યકુમારની દેશભક્તિ જોઈને ફૅન્સ થયા પ્રભાવિત
સાઉથ આફ્રિકા સામેની ચોથી T20 મૅચ દરમ્યાનનો કૅપ્ટન સૂર્યકુમાર યાદવનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થઈ રહ્યો છે. રવિ બિશ્નોઈની ઓવરમાં વિકેટ પડતાં રિન્કુ સિંહ અને સૂર્યકુમાર યાદવ આ સ્પિનરને ઉજવણી કરતાં ભેટી પડ્યા હતા. આ દરમ્યાન સૂર્યકુમારનો પગ ભૂલથી રિન્કુ સિંહની મેદાન પર પડેલી ઇન્ડિયન કૅપ પર પડ્યો હતો. તેણે તરત જ ઇન્ડિયન કૅપ પ્રત્યે આદરભાવ રાખી તેને માથે લગાડ્યા બાદ કિસ કરીને રિન્કુ સિંહને પાછી કરી હતી. કરોડો ક્રિકેટ ફૅન્સ તેની આ દેશભક્તિથી પ્રભાવિત થયા હતા.