મંદિરના શિબિર-આયોજકોએ હવે એક દિવસને બદલે અલગ-અલગ બૅચમાં ત્રણથી ૪ રવિવાર દરમ્યાન લગ્નશિબિર યોજવાનું નક્કી કર્યું છે. બાવીસ નવેમ્બરથી દર રવિવારે સવારે લગ્નશિબિર થશે.
કેરલમના મંદિરની બહાર ૭૦૦૦ લોકોની લાઇન લાગી
પ્રશાસને જેમનાં લગ્ન ન થતાં હોય એવા યુગલો માટે કેરલમના કોઝિકોડના કરણથુર પાસે આવેલા હરહર મહાદેવ મંદિરમાં લગ્નશિબિરનું આયોજન કર્યું હતું. જોકે એ શિબિરમાં ભાગ લેવા માટે મંદિર પ્રશાસને લોકોને પહેલાંથી અરજી કરવા માટે તારીખ આપી હતી. શિબિરના આયોજકોને બે વીકથી સોશ્યલ મીડિયા પર સારીએવી પબ્લિસિટી પણ કરી હતી. તેમનો અંદાજ હતો કે કદાચ ૧૦૦૦થી ૧૫૦૦ લોકો આવી શકે છે, પરંતુ બીજી નવેમ્બરે જ્યારે અરજી માટેનો સમય ખૂલ્યો ત્યારે ફૉર્મ ખૂટી ગયાં પણ લાઇન પૂરી થઈ જ નહીં. આયોજકો બીજાં ફૉર્મ છપાવીને લાવે ત્યાં સુધીમાં તો લગ્નેચ્છુક લોકોની લાઇન એટલી લાંબી થઈ ગઈ કે મંદિરના પરિસરની પણ બહાર હાઇવે સુધી લાંબી થઈ ગઈ. મંદિરની બહાર લાઇન હાઇવે પરના બસ-સ્ટૉપ સુધી પહોંચી જતાં ભીડને નિયંત્રિત કરવાનું ભારે પડી ગયું. જીવનસાથીની શોધમાં હોય એવા લગભગ ૭૦૦૦ લોકો અહીં પહોંચ્યા હતા. કેરલમના કન્નુર, વાયનાડ, પલક્કડ અને અન્ય જિલ્લાઓમાંથી લોકો આ શિબિરમાં આવ્યા હતા. સવારે ૯ વાગ્યે અરજી લેવાનું શરૂ કરવાના હતા, પરંતુ વહેલી સવારથી ભીડ જામતાં આયોજકોએ સવારે ૭ વાગ્યામાં જ ફૉર્મ-વિતરણ શરૂ કરી દીધું હતું. મોડી સાંજ સુધી આ કાર્યક્રમ ચાલ્યો. રજિસ્ટ્રેશન કરાવનારાઓ લોકોમાં ૮૦ ટકા પુરુષો હતા. મોટા ભાગના લોકો ૩૦ વર્ષથી મોટી વયના અને ૨૦ ટકા લોકો ૪૦-૫૦ વર્ષના પણ હતા. મંદિરના શિબિર-આયોજકોએ હવે એક દિવસને બદલે અલગ-અલગ બૅચમાં ત્રણથી ૪ રવિવાર દરમ્યાન લગ્નશિબિર યોજવાનું નક્કી કર્યું છે. બાવીસ નવેમ્બરથી દર રવિવારે સવારે લગ્નશિબિર થશે.
