રાઘવ ચઢ્ઢાએ રાજ્યસભાના AAPના બેતૃતીયાંશ સભ્યોને સાથે લઈને અરવિંદ કેજરીવાલને આપ્યો ઝાટકો : AAPએ આરોપ મૂક્યો કે ED અને CBIનો ડર બતાવીને પાર પાડવામાં આવ્યું ઑપરેશન લોટસ
શુક્રવારે BJPના કાર્યાલયમાં BJPના અધ્યક્ષ નીતિન નબીને રાજ્યસભાના સંસદસભ્યો રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલને પાર્ટીનું સભ્યપદ આપીને મીઠાઈ ખવડાવી હતી
આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાના સંસદસભ્ય રાઘવ ચઢ્ઢા, અશોક મિત્તલ, સંદીપ પાઠક સહિત ૭ સભ્યોએ ગઈ કાલે અરવિંદ કેજરીવાલને મોટો ઝાટકો આપ્યો હતો અને AAP છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા.
સંદીપ પાઠક અને અશોક મિત્તલ સાથે એક પત્રકાર-પરિષદને સંબોધતાં રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે ‘અમે નિર્ણય લીધો છે કે અમે રાજ્યસભામાં AAPના બે-તૃતીયાંશ સભ્યો ભારતના બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીએ છીએ અને BJPમાં જોડાઈએ છીએ. રાજ્યસભામાં AAPના ૧૦ સંસદસભ્યો છે. એમાંથી બે-તૃતીયાંશથી વધુ લોકો આમાં અમારી સાથે છે. તેમણે હસ્તાક્ષર કર્યા છે અને અમે રાજ્યસભાના અધ્યક્ષને સહી કરેલો પત્ર અને દસ્તાવેજો સુપરત કર્યા છે. એમાંથી ૩ તમારી સમક્ષ હાજર છે. અમારા ઉપરાંત હરભજન સિંહ, રાજિન્દર ગુપ્તા, વિક્રમ સાહની અને સ્વાતિ માલીવાલ છે જેઓ અમારી સાથે BJPમાં જોડાશે.’
ADVERTISEMENT
રાઘવ ચઢ્ઢાએ AAP કેમ છોડી?
પત્રકાર-પરિષદમાં રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે ‘હું તમને પાર્ટીની પ્રવૃત્તિઓથી દૂર રહેવાનું સાચું કારણ જણાવી રહ્યો છું. હું તેમની મિત્રતા માટે લાયક નહોતો, કારણ કે હું તેમના ગુનાઓનો ભાગ બનવા માગતો નહોતો. મારી પાસે ફક્ત બે જ વિકલ્પ હતા : કાં તો રાજકારણ છોડી દઉં અને છેલ્લાં ૧૫-૧૬ વર્ષમાં કરેલા જાહેર કાર્યને છોડી દઉં અથવા મારી ઊર્જા અને અનુભવથી સકારાત્મક રાજકારણ કરું. તેથી નિર્ણય લીધો કે અમે રાજ્યસભામાં AAPના બે-તૃતીયાંશ સભ્યો ભારતના બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીએ અને BJPમાં ભળી જઈએ.’
ખોટી પાર્ટીમાં સાચી વ્યક્તિ
રાઘવ ચઢ્ઢાએ વધુમાં કહ્યું હતું કે ‘AAPને મેં મારા લોહી અને પરસેવાથી ઉછેરી હતી અને મારી યુવાનીનાં ૧૫ વર્ષ આપ્યાં હતાં. એ હવે એના સિદ્ધાંતો, મૂલ્યો અને મુખ્ય નૈતિકતાથી સંપૂર્ણપણે ભટકી ગઈ છે. પાર્ટી હવે દેશ માટે કે રાષ્ટ્રીય હિતમાં નહીં પરંતુ વ્યક્તિગત લાભ માટે કામ કરી રહી છે. મને વ્યક્તિગત રીતે લાગે છે કે હું ખોટી પાર્ટીમાં સાચો માણસ છું. તેથી હું જાહેરાત કરું છું કે હું AAPથી દૂર થઈ રહ્યો છું અને લોકો પાસે જઈ રહ્યો છું.’
BJPનું સભ્યપદ મેળવ્યું
રાઘવ ચઢ્ઢા, અશોક મિત્તલ અને સંદીપ પાઠક BJP મુખ્યાલય પહોંચ્યા હતા અને પાર્ટી-પ્રમુખ નીતિન નબીન પાસેથી BJPનું સભ્યપદ લીધું હતું. બાકીના ૪ સભ્યો ટૂંક સમયમાં જ BJPમાં જોડાશે.
AAPના કુલ ૧૦ સંસદસભ્યોમાંથી ૭ સભ્યોએ એકસાથે પાર્ટી બદલવાનો નિર્ણય લીધો છે એને કારણે તેમને પાર્ટી બદલવાને કારણે લાગુ પડતો કાયદો લાગશે નહીં. હવે AAPના લોકસભામાં ૩ સભ્યો છે અને રાજ્યસભામાં પણ ૩ સભ્યો રહેશે. BJPની રાજ્યસભામાં સ્ટ્રેન્ગ્થ પહેલાં ૧૦૬ હતી જે વધીને ૧૧૩ થશે.
પંજાબ આ ગદ્દારોને નહીં ભૂલે : સંજય સિંહ, AAP
રાઘવ ચઢ્ઢા અને તેમની સાથેના ૭ સભ્યો BJPમાં જોડાઈ જતાં AAPના નેતા સંજય સિંહે દિલ્હીમાં પ્રેસ-કૉન્ફરન્સ કરીને પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘આમ આદમી પાર્ટીનાં સારાં કામોને રોકવા માટે BJPનું ઑપરેશન લોટસ શરૂ થઈ ગયું છે. ઑપરેશનને અંજામ આપવા માટે ED અને CBIનો ઉપયોગ થઈ રહ્યો છે. પંજાબની જનતા આ ૭ ગદ્દારોને કદી નહીં ભૂલે. અમારા સંસદસભ્યોને ફોસલાવીને બીજી પાર્ટીમાં સામેલ કરવામાં આવે છે.’
AAP છોડીને BJPમાં જોડાનારા હરિયાણાના અશોક મિત્તલને ત્યાં ૧૦ દિવસ પહેલાં જ EDની રેઇડ પડી હતી. અશોક મિત્તલને જ રાજ્યસભામાં રાઘવ ચઢ્ઢાના સ્થાને AAPના ડેપ્યુટી લીડર બનાવવામાં આવ્યા હતા.
રાજ્યસભાનું સભ્યપદ રદ કરવાની AAPની માગણી
AAPના નેતા સંજય સિંહે ગઈ કાલે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘હું માનનીય રાજ્યસભાના અધ્યક્ષને એક પત્ર લખીશ જેમાં માગણી કરવામાં આવશે કે BJPમાં સામેલ થવા બદલ રાઘવ ચઢ્ઢા, અશોક મિત્તલ અને સંદીપ પાઠકને રાજ્યસભાની સદસ્યતા અયોગ્ય જાહેર કરવામાં આવે, કેમ કે તેમનું પગલું સંવિધાનની દસમી અનુસૂચિ અંતર્ગત સ્વેચ્છાએ પોતાની પાર્ટીના સભ્યપદનો ત્યાગ કરવા સમાન છે.’
રાઘવ ચઢ્ઢાનો વડા પ્રધાન બનવાની ખ્વાહિશવાળો કૉમેડી વિડિયો વાઇરલ
૨૦૨૫ના જુલાઈમાં ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં રાઘવ ચઢ્ઢા ઍક્ટ્રેસ પત્ની પરિણીતી ચોપરા સાથે આવ્યા ત્યારે કૉમેડી શોમાં વાત થઈ હતી કે પરિણીતી જે વિચારે છે એનાથી હંમેશાં ઊલટું જ થાય છે. તે કહેતી હતી કે ‘હું કદી પોલિટિશ્યન સાથે તો લગ્ન નહીં જ કરું.’
એ વાત પર કમેન્ટ કરતાં રાઘવ કહે છે, ‘પરિણીતી જે વિચારે છે એનાથી હંમેશાં ઊંધું જ થાય છે એટલે હું તેને કહું છું કે તું એવું વિચાર કે રાઘવ કદી વડા પ્રધાન નહીં બને.’
