RBIને બૅન્કના કામકાજમાં ગંભીર ખામીઓ જોવા મળી હતી જે બૅન્ક અને એના ગ્રાહકોના હિતના વિરોધમાં હતી
પ્રતીકાત્મક તસવીર
ભારતીય રિઝર્વ બૅન્ક (RBI)એ એક મોટું પગલું લઈને Paytm પેમેન્ટ્સ બૅન્કનું બૅન્કિંગ લાઇસન્સ ૨૦૨૬ની ૨૪ એપ્રિલે એટલે કે ગઈ કાલની તારીખમાં તાત્કાલિકપણે રદ કરી દીધું હતું. RBIએ સ્પષ્ટ કર્યું હતું કે હવે આ બૅન્કને કોઈ પણ પ્રકારના બૅન્કિંગ ટ્રાન્ઝૅક્શન કરવાની અનુમતિ નહીં રહે. RBIને બૅન્કના કામકાજમાં ગંભીર ખામીઓ જોવા મળી હતી જે બૅન્ક અને એના ગ્રાહકોના હિતના વિરોધમાં હતી. RBIએ કહ્યું હતું કે ‘બૅન્ક વારંવાર લાઇસન્સને લગતી શરતોનું પાલન કરવામાં નિષ્ફળ રહી હતી. એવા સંજોગોમાં બૅન્કના ઑપરેશનને ચાલુ રાખવા દેવાનું સાર્વજનિક હિતમાં નથી.’
RBIએ પહેલાં પણ આ બૅન્ક પર સખત કાર્યવાહી કરી હતી. ૨૦૨૨ની ૧૧ માર્ચે બૅન્કે નવા ગ્રાહકો બનાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો. એ પછી બૅન્ક પર અનેક પાબંદીઓ લગાવવામાં આવી હતી.
લાઇસન્સ કૅન્સલ થયા પછી Paytm પેમેન્ટ્સ બૅન્ક હવે બૅન્કિંગ ટ્રાન્ઝૅક્શન્સ જેમ કે પૈસા જમા કરવા, કાઢવા જેવી લેવડદેવડની સેવાઓ ચાલુ નહીં રાખી શકે. એનાથી લાખો ગ્રાહકો અને ફિનટેક સેક્ટર પર અસર થઈ શકે છે.
