કિન્નર અખાડામાં ફાટી નીકળેલા વિવાદ બાદ લીધું આ પગલું; કહ્યું કે હું પચીસ વર્ષથી સાધ્વી છું અને રહીશ, એના માટે કોઈ જ પદની જરૂર નથી; હું અખાડાના રાજકારણનો ભોગ બની છું
મમતા કુલકર્ણી
કિન્નર અખાડામાં વિવાદ વચ્ચે મમતા કુલકર્ણીએ મહામંડલેશ્વર પદનો ત્યાગ કર્યો છે. આ વિશે તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને માહિતી આપી હતી. મમતાએ કહ્યું કે ‘આજે કિન્નર અખાડામાં મારા મામલે વિવાદ છે, જેને કારણે હું રાજીનામું આપી રહી છું. જોકે હું પચીસ વર્ષથી સાધ્વી છું અને આગળ પણ સાધ્વી જ રહીશ.’
ઉલ્લેખનીય છે કે મમતા કુલકર્ણીને સાધ્વી અને મહામંડલેશ્વર બનાવ્યા બાદ કિન્નર અખાડાને ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. દેશના અનેક ખ્યાતનામ સાધુ-સંતોએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો.
ADVERTISEMENT
મમતા કુલકર્ણીએ મહામંડલેશ્વર પદનો ત્યાગ કર્યો છે અને એ વિશેની માહિતી તેણે સોશ્યલ મીડિયા દ્વારા આપી હતી. મમતાને મહામંડલેશ્વર બનાવવામાં આવી ત્યારથી જ વિવાદ થયો હતો. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીથી માંડીને બાબા બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી, યોગગુરુ બાબા રામદેવ સહિત અનેક અખાડાના સાધુ-સંતો અને મહામંડલેશ્વરો દ્વારા સમગ્ર મામલે ટીકા કરવામાં આવી હતી. મમતા પર ૧૦ કરોડ રૂપિયા આપીને પદવી લેવાના આક્ષેપો લાગ્યા હતા.
પ્રયાગરાજમાં મહાકુંભમાં ૨૪ જાન્યુઆરીએ તેને મહામંડલેશ્વર બનાવવામાં આવી હતી. અખાડાના આચાર્ય મહામંડલેશ્વર ડૉક્ટર લક્ષ્મી નારાયણ ત્રિપાઠી દ્વારા તેનું પિંડદાન અને પટ્ટાભિષેક કરાવાયાં હતાં. મમતાનું નવું નામ શ્રી યામાઈ મમતા નંદગિરિ પણ રાખવામાં આવ્યું હતું. સાત દિવસ સુધી તે મહાકુંભમાં પણ રહી હતી.
મમતા કુલકર્ણીએ વિડિયોમાં જણાવ્યું કે ‘હું યામાઈ મમતા નંદગિરિ મહામંડલેશ્વરના પદ પરથી રાજીનામું આપી રહી છું. આજે કિન્નર અખાડામાં મારે કારણે સમસ્યાઓ પેદા થઈ છે. હું પચીસ વર્ષથી એક સાધ્વીનું જીવન ગાળી રહી છું અને હંમેશાં સાધ્વી જ રહીશ. મને મહામંડલેશ્વરનું સન્માન અપાયું એ કેટલાક લોકોને પચ્યું નહીં. પછી તે શંકરાચાર્ય હોય કે કોઈ અન્ય. મેં બૉલીવુડ છોડીને પચીસ વર્ષ થયાં. મેકઅપ અને બૉલીવુડથી આટલું દૂર કોણ રહે? જોકે મેં પચીસ વર્ષ તપસ્યા કરી, હું કુદરતને પામવા માટે જ સર્જાઈ હતી. નહીં તો આટલી સારી કારકિર્દી છોડીને કોઈ પચીસ વર્ષ શા માટે ગુમ રહે?

