હુમલાના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ સામે આવ્યાં છે જેમાં લાકડી, હૉકી, સળિયા, તલવાર, ફરસી અને ત્રિશૂલ સાથે કેટલાક લોકો કૅમ્પમાં પ્રવેશતા જોવા મળ્યા છે.
કિન્નર જગદગુરુ હિમાંગી સખી
મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવવાનો વિરોધ નોંધાવનાર કિન્નર જગદગુરુ હિમાંગી સખી પર મહાકુંભમાં શનિવારે રાતે સેક્ટર-૮ના કૅમ્પમાં કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. હુમલાના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ સામે આવ્યાં છે જેમાં લાકડી, હૉકી, સળિયા, તલવાર, ફરસી અને ત્રિશૂલ સાથે કેટલાક લોકો કૅમ્પમાં પ્રવેશતા જોવા મળ્યા છે.
હિમાંગી સખીએ હુમલા વિશે કહ્યું હતું કે ‘હું અત્યારે સેક્ટર-૮માં રહું છું. શનિવારે રાતે હું મારા સેવકો સાથે શિબિરમાં હતી ત્યારે રાતે ૧૦ વાગ્યે કિન્નર અખાડાની મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠી સાથીઓ સાથે મારી પાસે આવી હતી. આમની સાથે ૧૦-૧૨ કારમાં ૫૦ જેટલા લોકો લાકડી, હૉકી સ્ટિક, સળિયા, તલવાર, ફરસી અને ત્રિશૂલ લઈને શિબિરમાં ઘૂસ્યા હતા. તેમણે મારા સિક્યૉરિટી ગાર્ડને પકડી લીધા હતા. લક્ષ્મીનારાયણ ત્રિપાઠી અને તેમના સાથીઓએ મને જાનથી મારવાના ઇરાદાથી હુમલો કર્યો હતો. મને તેઓએ લાત અને ફાઇટ તેમ જ લાકડીથી ફટકારી હતી. મને ગંભીર ઈજા થઈ છે. મારા સેવકોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે તેમની વાત નહોતી સાંભળી. શિબિરમાંથી જતી વખતે તેઓ ૧૦ લાખ રૂપિયા કૅશ અને સોનાના દાગીના લૂંટી ગયા છે. જતાં-જતાં લક્ષ્મીનારાયણ ત્રિપાઠીએ મને ધમકી આપી હતી કે મીડિયામાં મારી સામે નિવેદન આપવાનું ચાલુ રાખીશ તો તને જાનથી મારી નાખીશું.’

