ગયા શનિવારે લડાઈ શરૂ થઈ ત્યારથી આ પ્રદેશમાંથી થતો તેલપુરવઠો પ્રભાવિત થયો છે અને વૈશ્વિક ક્રૂડ ઑઇલના ભાવમાં આશરે ૧૬ ટકાનો વધારો થયો છે
ડોનલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર
મિડલ ઈસ્ટમાં યુદ્ધને કારણે ક્રૂડ તેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે એક ન્યુઝ-એજન્સી સાથેની વાતચીતમાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ગૅસના ભાવમાં વધારો થતો હોય તો ભલે થતો, મને એની ચિંતા નથી. ટ્રમ્પે જણાવ્યું હતું કે ‘હું તેલ અને ગૅસના ભાવમાં વધારો થવાની ચિંતા કરતો નથી, કારણ કે આ સમયે લશ્કરી અભિયાન મારા માટે વધુ મહત્ત્વપૂર્ણ છે. યુદ્ધ સમાપ્ત થયા પછી તેલના ભાવમાં તીવ્ર ઘટાડો થઈ શકે છે, પરંતુ હાલમાં યુદ્ધ તેલ અને ગૅસ કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે.’
ગયા શનિવારે લડાઈ શરૂ થઈ ત્યારથી આ પ્રદેશમાંથી થતો તેલપુરવઠો પ્રભાવિત થયો છે અને વૈશ્વિક ક્રૂડ ઑઇલના ભાવમાં આશરે ૧૬ ટકાનો વધારો થયો છે. અમેરિકામાં છેલ્લા અઠવાડિયામાં ગૅસોલિનના ભાવમાં આશરે ૨૭ ટકાનો વધારો થયો છે. જોકે ટ્રમ્પનું કહેવું છે કે આ વધારો નોંધપાત્ર નથી. ટ્રમ્પના આ નિવેદનને તેમનાં અગાઉનાં નિવેદનોથી અલગ માનવામાં આવે છે. તાજેતરમાં તેમણે તેમના સંબોધનમાં દેશમાં ઊર્જાના ભાવમાં ઘટાડો થવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ટેક્સસમાં એક ઊર્જા-રૅલીમાં તેલના ભાવમાં ઘટાડા વિશે પણ વાત કરી હતી.
ADVERTISEMENT
ઈરાન પર સતત હુમલાઓ વચ્ચે અમેરિકા અને ઇઝરાયલની લશ્કરી કાર્યવાહી તીવ્ર બની રહી છે ત્યારે ઈરાન પણ આક્રમક રીતે જવાબ આપી રહ્યું છે. આ યુદ્ધ વચ્ચે વિશ્વનો સૌથી મહત્ત્વપૂર્ણ ઊર્જામાર્ગ હોર્મુઝની ખાડી બંધ થવાના ભયથી વૈશ્વિક તેલબજારમાં ગભરાટ ફેલાયો છે જેને કારણે કાચા તેલના ભાવમાં વધારો થયો છે.
