મંદાકિનીએ બૉલીવુડમાં તેના થયેલા શોષણનો ખુલાસો કર્યો
મંદાકિની
મંદાકિની ૯૦ના દાયકાની સૌથી ચર્ચિત અભિનેત્રીઓમાંની એક રહી છે. તેની ફિલ્મી કરીઅર ભલે ટૂંકી હોય પણ તેણે સારી એવી લોકપ્રિયતા મેળવી હતી. હવે વર્ષો બાદ મંદાકિનીએ પોતાના ફિલ્મી દિવસોના સંઘર્ષ વિશે વાત કરતાં ખુલાસો કર્યો છે કે અનેક ફિલ્મોમાં કામ કર્યા છતાં તેને સંપૂર્ણ મહેનતાણું મળ્યું જ નહોતું.
બૉલીવુડમાં તેની સાથે થયેલા આર્થિક શોષણ વિશે વાત કરતા મંદાકિનીએ કહ્યું હતું કે ‘હું જ્યારે કામ કરતી હતી એ સમયનું વાતાવરણ ખૂબ જ ઘરેલુ અને અનૌપચારિક હતું. આખું યુનિટ સાથે બેસીને જમતું, કલાકારોને મળવા માટે કોઈ પરવાનગીની જરૂર પડતી નહોતી અને બધા એક પરિવારની જેમ રહેતા હતા. આ જ અનૌપચારિકતા ફિલ્મોના કૉન્ટ્રૅક્ટ અને પેમેન્ટની પ્રક્રિયામાં પણ જોવા મળતી હતી. એ સમયના ફિલ્મી કૉન્ટ્રૅક્ટ બહુ અનૌપચારિક રહેતા હતા. લોકો સીધું કહેતા કે આવો મારી ફિલ્મ સાઇન કરી લો. કેટલીક ફિલ્મોમાં પૂરા પૈસા મળતા, તો કેટલાકમાં એક પણ રૂપિયા મળતો નહોતો. ઘણી વખત મને ૧૫ દિવસ સુધી વિનામૂલ્ય કામ કરવાની વિનંતી કરવામાં આવતી અને હું એના માટે તૈયાર પણ થઈ જતી, કારણ કે મને કામ કરવામાં આનંદ આવતો હતો. ઘણી ફિલ્મો માટે મને યોગ્ય મહેનતાણું મળ્યું હતું, પણ આશરે ૧૬થી ૧૭ ફિલ્મો એવી હતી જેમાં મને એક રૂપિયો પણ મળ્યો નહોતો. કેટલીક ફિલ્મો અધૂરી રહી ગઈ, કેટલીક રિલીઝ થઈ શકી નહોતી અને કેટલાક કિસ્સાઓમાં ફાઇનલ પેમેન્ટ ક્યારેય ક્લિયર થયું જ નહોતું. ઘણી ફિલ્મોમાં થોડા પૈસા મળ્યા હતા, પણ આખરે બાકી રહેલી રકમ ક્યારેય મળી નહોતી.’
