વાસ્તુ Vibes: ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારાં માટે લઇ આવ્યું છે `વાસ્તુ Vibes` જ્યાં અમે તમને ચાલતી આવતી ખોટી અને ભૂલભરેલી માન્યતામાંથી બહાર લાવી સરળ ભાષામાં સચોટ વાસ્તુ સંબંધિત માર્ગદર્શન આપીશું
વાસ્તુ Vibes (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)
ઘર હોય કે ઑફિસ, પ્રાચીન વાસ્તુશાસ્ત્રને અનુસરવામાં આવે તો ઉત્તમ પરિણામો મળે છે. ન માત્ર આર્થિક લાભ પરંતુ, માનસિક અને શારીરિક સુખાકારી માટે પણ વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવું હિતાવહ છે. ઇન્ટરનેટના આ યુગમાં આંગળીના ટેરવે વાસ્તુ સંબંધિત ટુચકાઓ પણ ભરપુર મળી રહે છે. પણ, તેમાં તથ્યને નામે કશું જ હોતું નથી. વળી, વાસ્તુશાસ્ત્રના જાણકારોની મસમોટી ફી પરવડે એવી નથી હોતી. ત્યારે ગુજરાતી મિડ-ડે ડોટ કોમ તમારાં માટે લઇ આવ્યું છે `વાસ્તુ Vibes` જ્યાં અમે તમને ચાલતી આવતી ખોટી અને ભૂલભરેલી માન્યતામાંથી બહાર લાવી સરળ ભાષામાં સચોટ વાસ્તુ સંબંધિત માર્ગદર્શન આપીશું. તમારી વાસ્તુ સંબંધિત ગૂંચવણો નીકળી જશે અને તે તરફનો તમારો દ્રષ્ટિકોણ પણ બદલાઈ જશે. સાથે જ સકારાત્મક અભિગમ કેળવાશે. તો, વાસ્તુ સંબંધિત ટિપ્સ માટે અમારી સાથે જોડાઓ દર સોમવારે `વાસ્તુ વાઇબ્સ`માં...
ADVERTISEMENT
`વાસ્તુ વાઇબ્સ`ના આજના આર્ટિકલમાં જાણીશું કે, શું વાસ્તુશાસ્ત્રમાં શૌચાલય અને બાથરૂમ ખરેખર નકારાત્મક છે? જાણો એક નવો અને સકારાત્મક દ્રષ્ટિકોણ.
વાસ્તુશાસ્ત્રમાં શૌચાલય (Toilet) અને બાથરૂમ (Bathroom) ને અવારનવાર ઘરના સૌથી "નકારાત્મક" સ્થાનોમાંથી એક ગણવામાં આવે છે. લોકોને ઘણીવાર ડરાવવામાં આવે છે કે ખોટી દિશામાં બનેલું શૌચાલય સંબંધોમાં તિરાડ પાડી શકે છે, આર્થિક સંપત્તિનો વ્યય કરી શકે છે, સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે કે જીવનમાં અણધારી મુશ્કેલીઓ લાવી શકે છે. આના લીધે લોકોમાં બાથરૂમ પ્રત્યે એક પ્રકારનો ડર ઊભો થાય છે, જેથી તેઓ તેને ઘરનો એક અનિચ્છનીય ભાગ માનવા લાગે છે અથવા વાસ્તુદોષ ઉકેલવાની આશામાં વિવિધ ઉપાયો (Remedies) કરવા લાગે છે.
પરંતુ, શું શૌચાલય-બાથરૂમને માત્ર નકારાત્મક દ્રષ્ટિએ જ જોવું યોગ્ય છે?
`કોન્શિયસ વાસ્તુ` આ બાબતે એક તદ્દન અલગ અને વ્યવહારિક દ્રષ્ટિકોણ રજૂ કરે છે. બાથરૂમને સારા કે ખરાબનું લેબલ મારવાને બદલે, તે આપણને તેનો મૂળ હેતુ અને ઉપયોગ સમજવા માટે પ્રેરે છે. દરેક જગ્યાનું એક ચોક્કસ કાર્ય હોય છે. સાચો પ્રશ્ન એ છે કે શું તે કાર્યનો અનાદર થઈ રહ્યો છે અને શું તે જગ્યા યોગ્ય રીતે કામ કરી રહી છે કે નહીં!
માનવ શરીર અને ઘરનું જોડાણ
ઘર કે પ્રોપર્ટી સતત ઊર્જા મેળવે છે અને મુક્ત કરે છે. બારીઓમાંથી પ્રકાશ પ્રવેશ કરે છે, દરવાજામાંથી હવાની અવરજવર થાય છે, પાણી અંદર અને બહાર વહે છે અને દિવસભર વિવિધ પ્રવૃત્તિઓ થાય છે. આ સતત ચાલતી પ્રક્રિયા માનવ શરીરને ખૂબ મળતી આવે છે.
માનવ શરીર ખોરાક, પાણી અને હવા ગ્રહણ કરે છે. તે જરૂરી તત્વોનો ઉપયોગ કરે છે અને નકામા કચરાનો નિકાલ કરે છે. કચરાનો નિકાલ થવો એ નકારાત્મક નથી; પરંતુ તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે. બરાબર તેવી જ રીતે, ઘર કે પ્રોપર્ટીને પણ કુદરતમાંથી ઊર્જા મેળવવાની, તેને વહેવડાવવાની અને ત્યારબાદ તેને મુક્ત કરવાની જરૂર હોય છે. બાથરૂમ અને ઘરના પાછલા કે દ્વિતીયક દરવાજા આ જ ભૂમિકા ભજવે છે. તે સફાઈ, ધોવા અને નિકાલની પ્રક્રિયા શક્ય બનાવે છે. ડ્રેનેજ દ્વારા પાણી બહાર વહી જાય છે અને જે હવે જરૂરી નથી તેને દૂર લઈ જાય છે.
આ દ્રષ્ટિકોણથી જોઈએ તો, બાથરૂમ માત્ર નકારાત્મક નથી. તે પ્રોપર્ટીમાંથી વધારાની અને નકામી ઊર્જાને આદરપૂર્વક બહાર કાઢવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
ભય શા માટે અસંતુલન ઊભું કરે છે?
પ્રાચીન વાસ્તુ ગ્રંથો ચોક્કસ દિશાઓમાં શૌચાલય ન બનાવવાની સલાહ આપતા હોઈ શકે છે. જોકે નવું મકાન ડિઝાઇન કરતી વખતે આ બાબત મહત્વની છે, પરંતુ એનો અર્થ એવો બિલકુલ નથી કે બાથરૂમ જાતે જ અનિચ્છનીય છે.
કલ્પના કરો કે બાથરૂમ વગરનું ઘર કેવું હશે! ગંદુ પાણી ગમે ત્યાં એકઠું થશે, દુર્ગંધ અને ભેજ ચો તરફ ફેલાશે અને શુચિતા (Hygiene) ગંભીર રીતે જોખમાશે. બાથરૂમની ગેરહાજરી ઘરમાં સંતુલન લાવવાને બદલે અરાજકતા (Chaos) ઊભી કરશે. આ જ નિયમ કાર્યસ્થળો અને ફેક્ટરીઓને પણ લાગુ પડે છે. લોકોને સ્વચ્છતા અને શૌચ માટે જગ્યાની જરૂર હોય જ છે. બાથરૂમને અશુભ ગણાવી દેવાથી આ માનવ જરૂરિયાતો અદ્રશ્ય થઈ જતી નથી.
`કોન્શિયસ વાસ્તુ` દ્રષ્ટિકોણ
`કોન્શિયસ વાસ્તુ` આપણને બાથરૂમને `રિલીઝ` (મુક્તિ અને કચરાના નિકાલ) ના સ્થાન તરીકે જોવાની પ્રેરણા આપે છે. તેનો ઉદ્દેશ્ય આ નિકાલની પ્રક્રિયાને રોકવાનો નથી, પરંતુ તેને સ્વચ્છ, કાર્યક્ષમ અને સંતુલિત બનાવવાનો છે. આ દ્રષ્ટિકોણ પાણી પ્રત્યેના આપણા દ્રષ્ટિકોણને પણ બદલે છે. પાણી એ માત્ર નળ અને ટાંકીઓ પૂરતું મર્યાદિત નથી, તે ગતિશીલતાનું પ્રતીક છે. રસ્તાઓ, માર્ગો અને ડ્રેનેજ સિસ્ટમ આ બધું જ આ મોટા સિદ્ધાંતનો એક ભાગ છે. બાથરૂમ આ ચક્રનો જ એક હિસ્સો છે.
પહેલાના સમયમાં, વ્યવહારિક કારણોસર શૌચાલય ઘરની બહાર બનાવવામાં આવતા હતા. પરંતુ આધુનિક પ્લમ્બિંગ સાથે, બાથરૂમ ઘરોનો એક અવિભાજ્ય અંગ બની ગયા છે. આજે તેનાથી બચવું કે તેને ટાળવું વ્યવહારિક નથી. મહત્વનું એ છે કે તેનું આયોજન અને જાળવણી કેવી રીતે કરવામાં આવે છે.
એક માનસિક અને વૈચારિક ફેરફાર
જો લોકોને સતત એવું કહેવામાં આવે કે બાથરૂમ દુર્ભાગ્ય કે નુકસાન લાવે છે, તો તેઓ તેનાથી ડરવા લાગે છે. ઘરની દરેક સમસ્યાને શૌચાલય સાથે જોડવામાં આવે છે, જેનાથી તે જગ્યાને બિનજરૂરી મહત્વ મળી જાય છે.
`કોન્શિયસ વાસ્તુ` આપણને આ સંબંધ બદલવાનું કહે છે. બાથરૂમથી ડરવાની જરૂર નથી, પરંતુ તેને સમજીને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવાની જરૂર છે.
આ વાત આપણને એક ઊંડા પ્રશ્ન તરફ દોરી જાય છે: જો બાથરૂમ નકારાત્મક નથી, તો તેને પ્રોપર્ટીની સમગ્ર ઊર્જા પ્રણાલી (Energy System) સાથે કેવી રીતે સાંકળવું જોઈએ? ચાલો, હવે આ જાણીશું આવતા સોમવારે.
Dr Harshit Kapadia
Metaphysics Consultants:
Conscious Vaastu®, Yuen Hom and Sam Hap Style of Feng Shui
