રાઘવ ચઢ્ઢાને શૅમ્પેન સોશ્યલિસ્ટ કહીને ઝાટકી નાખ્યા અબજોપતિ ઑન્ટ્રપ્રનરે
રાઘવ ચઢ્ઢા અને સંજીવ બિખચંદાની
ઝોમાટો, બ્લિન્કિટ, સ્વિગી જેવાં ઑનલાઇન પ્લૅટફૉર્મ્સના ડિલિવરી-બૉય્ઝની સમસ્યાઓને સંસદમાં રજૂ કરીને; આ ડિલિવરી-બૉય્ઝના અસોસિએશને ૩૧ ડિસેમ્બરે જાહેર કરેલી દેશવ્યાપી હડતાળ વખતે દિલ્હીમાં તેમને મળીને આ લોકોમાં હીરો બની ગયેલા રાઘવ ચઢ્ઢા સામે એક ટોચના ઑન્ટ્રપ્રનરે જબરદસ્ત બળાપો ઠાલવ્યો છે.
આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય અને ઍક્ટ્રેસ પરિણીતિ ચોપડાના હસબન્ડ રાઘવ ચઢ્ઢાએ સંસદના શિયાળુ સત્રમાં ડિલિવરી-બૉય્ઝની સમસ્યાઓને વાચા આપતાં કહ્યું હતું કે ૧૦ મિનિટમાં ડિલિવરી કરવાનું પ્રેશર તેમને માટે જોખમી છે, તેમને મળતું મહેનતાણું અપૂરતું છે અને તેમની વર્કિંગ કન્ડિશન્સ સારી નથી હોતી. ડિલિવરી-બૉય્ઝે આ જ બધી સમસ્યાઓના મુદ્દે ૩૧ ડિસેમ્બરે દેશવ્યાપી હડતાળ કરવાનું એલાન કર્યું ત્યારે જાણે રાઘવ ચઢ્ઢાની વાતોનો પડઘો પડ્યો હોય એવું ચિત્ર ઊભું થયું હતું અને તે જાણે તેમના મસીહા તરીકે ઊભરી આવ્યા હતા.
ADVERTISEMENT
રાઘવ ચઢ્ઢાને જોકે હવે અબજોપતિ ઑન્ટ્રપ્રનર સંજીવ બિખચંદાનીએ જોરદાર જવાબ આપ્યો છે. દિલ્હીના સંજીવ બિખચંદાની naukri.com, 99acres.com, jeevansathi.com જેવી વેબસાઇટ્સની કંપની Info Edgeના ફાઉન્ડર છે અને હરિયાણાના સોનીપતમાં આવેલી અશોકા યુનિવર્સિટીના કો-ફાઉન્ડર છે. ભારત સરકાર તરફથી ૨૦૨૦માં પદ્મશ્રીનો ખિતાબ મેળવી ચૂકેલા સંજીવ બિખચંદાનીએ રાઘવ ચઢ્ઢાને શૅમ્પેન સોશ્યલિસ્ટ તરીકે ઓળખાવીને તેમનાં છોતરાં કાઢતાં સોશ્યલ મીડિયા પર લખ્યું, ‘ફિલ્મસ્ટાર સાથે લગ્ન કરનારો, ઉદયપુરમાં ડિઝાઇનર લગ્ન કરનારો અને મૉલદીવ્ઝમાં પ્રથમ વેડિંગ-ઍનિવર્સરી ઊજવનારો આ માણસ ડિલિવરી-બૉય્ઝના કથિત શોષણ બાબતે મગરમચ્છનાં આંસુ સારી રહ્યો છે.’
સંજીવ બિખચંદાનીએ પોતાની આ પોસ્ટની પૂર્ણાહુતિ વધુ આકરા શબ્દો સાથે કરી : આમ આદમી માય ફુટ.


