મેઘાલયનું મૉલિનૉન્ગ ગામ એશિયાના સૌથી સ્વચ્છ ગામ તરીકે ઓળખાય છે.
મૉલિનૉન્ગ
મેઘાલયનું મૉલિનૉન્ગ ગામ એશિયાના સૌથી સ્વચ્છ ગામ તરીકે ઓળખાય છે. એ આવતા વર્ષથી એની પર્યટન-વ્યવસ્થામાં મોટા ફેરફારો કરશે. ગામની પરંપરાઓ, સમુદાયની જરૂરિયાતો અને ધાર્મિક માન્યતાઓને ધ્યાનમાં રાખીને જાન્યુઆરી ૨૦૨૬થી દર રવિવારે ગામ પ્રવાસીઓ માટે સંપૂર્ણપણે બંધ રહેશે. પ્રવાસીઓને ફક્ત સોમવારથી શનિવાર સુધી ગામમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. રવિવારે તમામ પર્યટન સંબંધિત સેવાઓ સંપૂર્ણપણે બંધ રહેશે; જેમાં રેસ્ટોરાં, સ્થાનિક દુકાનો અને સ્ટૉલ, વ્યુપૉઇન્ટ, પાર્કિંગ વિસ્તારો અને જાહેર શૌચાલયનો સમાવેશ થાય છે. આ બધી સુવિધાઓ રવિવારે બંધ રહેશે. જે પ્રવાસીઓએ રવિવાર પહેલાં ગેસ્ટ-હાઉસ અથવા હોમસ્ટેમાં ચેક-ઇન કર્યું છે તેમને ગામમાં રહેવા દેવામાં આવશે.
ગ્રામીણ અને આદિવાસી સમુદાયોમાં રવિવાર પૂજા અને સામુદાયિક પ્રવૃત્તિઓ માટે એક મહત્ત્વપૂર્ણ દિવસ છે. એ દિવસે મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્થાનિક લોકો માટે તેમની ધાર્મિક દિનચર્યાઓ પૂરી કરવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે. આના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.


