રેલવે-સ્ટેશન ને ન્યુક્લિયર પાવર પ્લાન્ટને થયું નુકસાન: ૧૦૦૦ કિલોનો બૉમ્બ રશિયાએ ભૂલથી પોતાના જ વિસ્તારમાં ફેંકી દીધો હોવાની ચર્ચા
રશિયાના બેલ્ગોરોડ શહેરમાં લગભગ ૧૦૦૦ કિલોનો બૉમ્બ પડ્યા પછી ખાડો પડી ગયો હતો.
રશિયાએ શનિવારે વહેલી સવારે યુક્રેનમાં મોટા પાયે મિસાઇલ અને ડ્રોનથી હુમલો કર્યો હતો. આ હુમલાના પરિણામે યુક્રેનમાં દેશવ્યાપી હવાઈ હુમલાની ચેતવણીઓ શરૂ થઈ હતી. રશિયા અને ક્રિમિયાથી ૧૭ બૅલિસ્ટિક સહિત ૫૧ મિસાઇલો અને ૬૫૩ ડ્રોન છોડવામાં આવ્યાં હતાં. મૉસ્કોએ ત્રણ કિંઝાલ હાઇપરસોનિક મિસાઇલો, ૩૪ ક્રૂઝ મિસાઇલો અને ૧૪ બૅલિસ્ટિક મિસાઇલો છોડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે કીવ ક્ષેત્રમાં ઓછામાં ઓછા ત્રણ જણ ઘાયલ થયા હતા.
યુક્રેનનાં વાયુ સંરક્ષણ દળોએ ૬૧૫ લક્ષ્યોને તોડી પાડ્યાં અથવા નિષ્ક્રિય કર્યાં હતાં જેમાં ૫૮૫ ડ્રોન, ૨૯ ક્રૂઝ મિસાઇલો અને એક બૅલિસ્ટિક મિસાઇલનો સમાવેશ થાય છે. એમ છતાં ૨૯ સ્થળોએ હુમલા થયા હતા, જેમાં ૬૦ ડ્રોન એમનાં લક્ષ્યો સુધી પહોંચ્યાં અને નીચે પડેલાં શસ્ત્રોનો કાટમાળ ત્રણ વિસ્તારોમાં પડ્યો હતો.
ADVERTISEMENT
યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડિમીર ઝેલેન્સ્કીએ સોશ્યલ મીડિયા પર જણાવ્યું હતું કે આ હુમલાઓનું મુખ્ય લક્ષ્ય, ફરી એક વાર, ઊર્જા સુવિધાઓ હતી. રશિયાનો ઉદ્દેશ લાખો યુક્રેનિયનોને દુઃખ પહોંચાડવાનો છે.
કીવ પ્રદેશમાં ફાસ્ટિવમાં રેલવે-સ્ટેશન નાશ પામ્યું હતું અને નોવી પેટ્રિવત્સીમાં અને બુચામાં એક ઘરમાં આગ ફાટી નીકળી હતી. ફાસ્ટિવમાં ૪૨ વર્ષના એક પુરુષને ઈજાઓ થઈ હતી, જ્યારે કીવની ઉત્તરે વૈશહોરોદ જિલ્લામાં ૪૦ અને ૪૬ વર્ષની બે મહિલાઓ ઘાયલ થઈ હતી. એમાંથી એકને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.


