દેઓલ પરિવારે ચાહકોની સગવડને ધ્યાનમાં રાખીને છેલ્લી ઘડીએ લીધો નિર્ણય
ધર્મેન્દ્રની ફાઇલ તસવીર
આજે બૉલીવુડના દિવંગત સુપરસ્ટાર ધર્મેન્દ્રની ૯૦મી જન્મજયંતી હતી અને તેમના પરિવારે ફૅન્સ સાથે ખંડાલાના ફાર્મહાઉસમાં આ દિવસનું સેલિબ્રેશન કરવાનું પ્લાનિંગ કર્યું હતું. જોકે હવે જાહેરાત કરવામાં આવી છે કે આ દિવસની ઉજવણી હવે ખંડાલામાં નહીં પણ જુહુમાં આવેલા ધર્મેન્દ્રના ઘરે જ કરવામાં આવશે જેથી વધુમાં વધુ ફૅન્સ આ સેલિબ્રેશનનો હિસ્સો બની શકે અને તેમના ફેવરિટ ઍક્ટરને શ્રદ્ધાંજલિ આપી શકે.
જો આ ૯૦મી જન્મજયંતીની ઉજવણી ખંડાલામાં કરવામાં આવત તો ખંડાલા સુધીની લાંબી મુસાફરી અને આર્થિક મુશ્કેલીને કારણે અનેક ફૅન્સ એનો હિસ્સો ન બની શકત. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને હવે આ ઉજવણી આજે બપોરે બે વાગ્યાથી ચાર વાગ્યા વચ્ચે જુહુ ખાતે આવેલા ધર્મેન્દ્રના બંગલામાં યોજાશે. આ કાર્યક્રમ માટે કોઈ પાસ કે રજિસ્ટ્રેશનની જરૂર નથી. આ સમયે ફૅન્સ સીધા પહોંચીને જોડાઈ શકે છે અને દેઓલ પરિવારને મળી શકે છે.


