ગંગા નદીમાં ૮૪ કલાકમાં કર્યો કુલ ૫૫૦ કિલોમીટરનો રિટર્ન પ્રવાસ
બિહારથી મોટરબોટમાં પ્રયાગરાજ પહોંચ્યા
પ્રયાગરાજમાં મહાકુંભમાં સ્નાન કરવા માટે દેશભરમાંથી લોકો રોડમાર્ગે જતા હોવાથી ભારે ટ્રૅફિક જૅમ થયો હતો, પણ બિહારના બક્સર જિલ્લાના ૭ યુવાનોએ અનોખો માર્ગ અપનાવ્યો હતો. તેમણે બક્સરથી ત્રિવેણી સંગમ સુધી ૨૭૫ કિલોમીટરનું અંતર મોટર ધરાવતી બોટમાં કાપ્યું હતું અને ૮૪ કલાકમાં તેમણે ૫૫૦ કિલોમીટરની રિટર્ન જર્ની પાર કરી હતી.
આ ગ્રુપે પોતાની બોટમાં ૧૧ ફેબ્રુઆરીએ યાત્રા શરૂ કરી હતી અને નૅવિગેશન માટે તેમણે ગૂગલ મૅપ્સનો ઉપયોગ કર્યો હતો. રાત્રિના અંધારામાં પણ રિયલ ટાઇમ સૅટેલાઇટ વ્યુના કારણે તેમને ઘણો ફાયદો થયો હતો. આ બોટ મનુ ચૌધરીની હતી અને બલિયા જિલ્લામાં તે કોટવા નારાયણપુરમાં પ્રવાસીઓને એક કિનારાથી બીજા કિનારા પર લઈ જવામાં આ બોટનો ઉપયોગ કરે છે.
ADVERTISEMENT
આ અનોખી યાત્રા માટે તેમણે ઘણી તૈયારી કરી હતી. બોટમાં ગૅસ-સિલિન્ડર, સ્ટવ, ખાદ્ય સામગ્રી, એક વધારાનું એન્જિન અને વધારાનું ફ્યુઅલ પણ રાખ્યું હતું. આ જર્નીમાં તેમને ૨૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ થયો જે મોટા ભાગે બોટના મોટર-એન્જિનમાં વપરાયો હતો.
પ્રયાગરાજ પહોંચીને તેમણે ૩૦ નંબરના પોન્ટૂન પુલ પાસે બોટ ઊભી રાખી દીધી હતી અને પગપાળા ત્રિવેણી સંગમ સુધી પહોંચ્યા હતા. સ્નાન બાદ ૧૩ ફેબ્રુઆરીએ તેઓ બક્સર જવા રવાના થયા હતા.
આવા દીકરા હોય સૌના
એક તરફ સ્વજનોને મહાકુંભમાં મૂકીને ચાલ્યા જનારા લોકો છે અને બીજી તરફ આ યુવાન છે જે પોતાના વડીલ સ્વજનને ગઈ કાલે મહાકુંભમાં સંગમસ્નાન કરાવવા લઈ આવ્યો હતો.

