વિરારમાં ફ્લૅટમાંથી પતિ, પત્ની અને પુત્રીના મૃતદેહ મળી આવ્યા : આર્થિક ભીંસને લીધે પતિએ કૅન્સરગ્રસ્ત પત્ની અને દિવ્યાંગ પુત્રીની હત્યા કરીને આત્મહત્યા કરી હોવાની શંકા
વિરારની આ સોસાયટીના ફ્લૅટમાંથી પતિ, પત્ની અને પુત્રીના મૃતદેહ મળી આવ્યા હતા.
વિરાર-વેસ્ટમાં રુસ્તમજી ગ્લોબલ સિટીમાં આવેલી મૈત્રી હાઇટ્સ નામનાં બિલ્ડિંગના ફ્લૅટમાંથી પતિ, પત્ની અને બાળકીનો મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. સ્કૂલ ગયેલો ૧૧ વર્ષનો વેદાંત કાજવા મંગળવારે સાંજે ઘરે આવ્યો હતો ત્યારે તેનો ફ્લૅટ બંધ હતો અને તેનાં મમ્મી-પપ્પાના ફોન પણ બંધ હતા એટલે તે પાડોશીના ઘરે ગયો હતો. પાડોશીઓએ પણ અનેક પ્રયાસ કર્યા બાદ પણ વેદાંતનાં મમ્મી-પપ્પાનો સંપર્ક ન થઈ શકતાં તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે મૈત્રી હાઇટ્સ બિલ્ડિંગમાં જઈને બંધ ફ્લૅટને ખોલતાં એમાંથી વેદાંતના બાવન વર્ષના પિતા ઉદયકુમાર, ૪૨ વર્ષનાં મમ્મી વીણા અને પાંચ વર્ષની બહેન શિવાલિકાના મૃતદેહ મળી આવ્યા હતા. વેદાંત સ્કૂલમાં ગયો હતો એટલે તે બચી ગયો હોવાનું જણાઈ આવ્યું હતું. આર્થિક પરેશાનીની સાથે દિવ્યાંગ પુત્રીની સંભાળ ન રાખી શકવાની હતાશામાં ઉદયકુમાર કાજવાએ પહેલાં પત્ની અને પુત્રીનું ગળું દબાવીને હત્યા કરીને પોતે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે. માતા-પિતાનાં મૃત્યુથી ૧૧ વર્ષનો વેદાંત રઝળી પડ્યો છે.
વિરાર-વેસ્ટમાં આવેલા બોલિંજ પોલીસના જણાવ્યા મુજબ ઉદયકુમાર કાજવા આર્થિક મુશ્કેલીમાં હતા એટલે તેમની પત્ની વીણા નાનાં-મોટાં કામ કરીને જેમતેમ ગુજરાન ચલાવતી હતી. તેમની પાસે વીજળીનું બિલ ભરવા માટેના રૂપિયા પણ નહોતા એટલે બે દિવસ પહેલાં લાઇટનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. ત્રણેય મૃતદેહનો તાબો લઈને પોસ્ટમૉર્ટમ માટે મુંબઈની જે. જે. હૉસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે. વીણા કાજવાને કૅન્સર થયું હોવાનું પણ પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે.

