બંગલાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં VHP અને બજરંગ દળે મુંબઈમાં બંગલાદેશ કૉન્સ્યુલેટ સામે વિરોધ-પ્રદર્શન કર્યું
બંગલાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં VHP અને બજરંગ દળે કફ પરેડમાં આવેલા બંગલાદેશ કૉન્સ્યુલેટ સામે જોરદાર નારાબાજી સાથે વિરોધ-પ્રદર્શન કર્યું હતું. ત્યારે તેમની અને પોલીસ વચ્ચે ચકમક પણ ઝરી હતી. (તસવીરો : સતેજ શિંદે)
બંગલાદેશમાં રહેતા અલ્પસંખ્યક હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અને હિન્દુ સાધુ-સંતોની થઈ રહેલી ધરપકડનો વિરોધ કરવા વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ દ્વારા ગઈ કાલે કફ પરેડમાં આવેલી બંગલાદેશ કૉન્સ્યુલેટ સામે જોરદાર વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હિન્દુઓ હાજર રહ્યા હતા.
VHP અને બજરંગ દળના નેજા હેઠળ આયોજિત કરવામાં આવેલા આ વિરોધ-પ્રદર્શન વખતે અનેક લોકો હાથમાં પ્લે-કાર્ડ લઈને ઊભા હતા; જેમાં બૉયકૉટ બંગલાદેશ, સેવ હિન્દુ, સેવ ચિન્મય દાસ, હિન્દુઓને પણ જીવવાનો અધિકાર છે, ભારત મેં હૈ ભાઈચારા તો બંગલાદેશ મેં ક્યૂં હૈં હિન્દુ બેચારા જેવા સ્લોગન લખીને બંગલાદેશની સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે બૅરિકૅડ્સની આડશ ઊભી કરીને તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે પોલીસ અને દેખાવકારો વચ્ચે ચકમક પણ ઝરી હતી.
ADVERTISEMENT
VHPએ આપેલા નિવેદનમાં શું છે?
VHPના પદાધિકારીઓએ આ બદલ ભારતમાં બંગલાદેશના રાજદૂતને મળવાનો અને તેમને નિવેદન આપવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેઓ હાજર ન હોવાથી ઉપસ્થિત અધિકારીઓને નિવેદન આપવામાં આવ્યું હતું. એમાં કહેવામાં આવ્યું હતું કે ‘ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીની ધરપકડ કરાયા બાદ બંગલાદેશમાં વાણીસ્વાતંત્ર્ય, ધાર્મિક પ્રથાઓ નિભાવવાનું સ્વાતંત્ર્ય અને માઇનૉરિટી સમુદાયની સુરક્ષા સંદર્ભે ગંભીર ચિંતા ઊભી થઈ છે. નિરપરાધ હિન્દુ કુટુંબો અને ખાસ કરીને મહિલાઓ અને બાળકો પર થનારા હુમલા કોઈ પણ સુસંસ્કૃત સમાજમાં સ્વીકાર્ય ન હોઈ શકે. ગુનેગારો છૂટા ફરી રહ્યા છે અને સરકારની નિષ્ક્રિયતાને લીધે તેમને પ્રોત્સાહન મળી રહ્યું છે. બંગલાદેશના નાગરિકોનું જીવન, સ્વતંત્રતા અને નાગરિકોના હકોની સુરક્ષા કરવાની જવાબદારી સરકારની છે, આ તેમની ફરજ છે. અલ્પસંખ્યકો સહિત તમામ નાગરિકોની સુરક્ષા અને સુરક્ષિતતાની ખાતરી આપવી, તેમના ધર્મનું પાલન કરવા અને પાર્થનાસ્થળોનું સંરક્ષણ કરવા અનુકુળ વાતાવરણ પૂરું પાડવું એ સરકારની ફરજ છે. અત્યારે વિશ્વનો હિન્દુ સમાજ એકસાથે બંગલાદેશના હિન્દુઓની પડખે છે. બંગલાદેશની વચગાળાની સરકાર આની દખલ લઈને વહેલી તકે પગલાં લે.’

