૬.૯૧ લાખ રૂપિયા અને સામાનની ચોરી કરી ગયા, પાયધુની પોલીસે CCTV કૅમેરાનાં ફુટેજના આધારે તપાસ શરૂ કરી
પ્રતીકાત્મક તસવીર
ઘાટકોપર-ઈસ્ટના ગારોડિયાનગરમાં રહેતા અને નાગદેવી ક્રૉસ લેનમાં બૉલબેરિંગનો વ્યવસાય કરતા ૬૦ વર્ષના ગુજરાતી વેપારીની ઑફિસ-કમ-વેરહાઉસને તસ્કરોએ નિશાન બનાવીને કૅશ ૬,૯૧,૬૧૨ રૂપિયાની ચોરી કરી હોવાની ફરિયાદ ગઈ કાલે પાયધુની પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. અજાણ્યા ચોરોએ ઑફિસની દીવાલમાં ફિટ કરેલું વિન્ડો-AC તોડીને લાકડાના ડ્રૉઅરમાં રાખેલા રૂપિયા અને બૉલબેરિંગના સામાનની ચોરી કરી હોવાની નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે CCTV કૅમેરાનાં ફુટેજના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
પાયધુની પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરિયાદી પોતાના બે ભાઈઓ સાથે મળીને છેલ્લાં ઘણાં વર્ષોથી વિવિધ વિદેશી કંપનીઓના બૉલબેરિંગનો વ્યવસાય કરે છે. તેમની કંપનીની મુખ્ય ઑફિસ ઘાટકોપરમાં છે જ્યાં ગ્રાહકો માત્ર ઑર્ડર આપે છે. આ ઑર્ડરની ડિલિવરી નાગદેવી ક્રૉસ લેન ખાતે આવેલી ઑફિસમાંથી કરવામાં આવે છે. આ ઑફિસમાં રોજેરોજની થતી રોકડ કમાણી ત્યાં કામ કરતા નોકર ડ્રૉઅરમાં લૉક કરીને રાખતા હતા અને દર અઠવાડિયે શુક્રવારે કે શનિવારે આ રકમ બૅન્કમાં જમા કરાવવામાં આવતી હતી. શનિવારે રાતે સાડાસાત વાગ્યે નોકરે અઠવાડિયાની કુલ રોકડ રકમ ગણીને ડ્રૉઅરમાં મૂકીને ઑફિસ લૉક કરી હતી. દરમ્યાન ગઈ કાલે બપોરે જ્યારે ઑફિસ ખોલવા નોકર પહોંચ્યો ત્યારે ઑફિસની હાલત જોઈને ચોંકી ઊઠ્યો હતો. તેણે જોયું કે ઑફિસનું વિન્ડો-AC તૂટીને નીચે પડ્યું હતું અને અંદર બધો સામાન અસ્તવ્યસ્ત હતો. આ સંદર્ભે તેણે તાત્કાલિક માલિકને ફોન પર જાણ કરી હતી. તેમણે ઘટનાસ્થળે આવીને તપાસ કરતાં કાઉન્ટરનું ડ્રૉઅર ખુલ્લું હતું અને એમાંના ૬,૯૧,૬૧૨ રૂપિયા ચોરાઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. તસ્કરોએ માત્ર રોકડ જ નહીં પણ બૉલબેરિંગનો કીમતી સામાન પણ ચોરી ગયા છે. આ કેસમાં અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.’
