ફિલ્મના હીરો યશે જણાવ્યું સાચું કારણ
બીજી વાર પણ ફિલ્મની રિલીઝ પોસ્ટપોન થઈ
યશની આગામી ફિલ્મ ‘ટૉક્સિક’ની રિલીઝ-ડેટ વારંવાર પોસ્ટપોન થઈ રહી છે. યશની આ ઍક્શન ફિલ્મ પહેલાં ૧૯ માર્ચે ‘ધુરંધર : ધ રિવેન્જ’ સાથે રિલીઝ થવાની હતી, પરંતુ પછી એની નવી તારીખ ૪ જૂન નક્કી કરવામાં આવી હતી. હવે બીજી વાર પણ ફિલ્મની રિલીઝ પોસ્ટપોન થઈ છે. આ સંજોગોમાં યશે ફિલ્મ વારંવાર પોસ્ટપોન થવા પાછળનું સાચું કારણ જાહેર કર્યું છે.
યશે ‘ટૉક્સિક’ પોસ્ટપોન થવા પાછળનું કારણ જણાવતાં કહ્યું, ‘મારી આ વાત સાંભળીને મારા ફૅન્સ અને ભારતના લોકો ખુશ નહીં થાય. ભારત અને પશ્ચિમની કામ કરવાની શૈલી અલગ છે. ભારતમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થાય એટલે એની સમયમર્યાદા નક્કી થઈ જાય છે. શૂટિંગ પૂરું થતાં જ લોકો ફિલ્મ વિશે લખવા લાગે છે. જોકે પશ્ચિમના દેશોમાં ફિલ્મ પૂર્ણ થયા પછી જ એની ખરીદી, ભાગીદારી અને ગ્લોબલ રિલીઝની પ્રક્રિયા શરૂ થાય છે. જો કોઈ ફિલ્મ ખરીદવા અથવા એનો ભાગ બનવા માગે છે તો તેઓ પહેલાં ફિલ્મ જોવાનું પસંદ કરે છે, કારણ કે એમાં ખૂબ મોટું રોકાણ હોય છે. આ બધું પડકારરૂપ છે, પરંતુ મને મારા લોકો પર વિશ્વાસ છે અને તેઓ સમજે છે કે અમે જે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ એ દરેક માટે સારું છે.’
