Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગૂગલ પર રૅપિડોનો નંબર શોધવામાં ગુજરાતી મહિલાને પડ્યો ૫૦,૦૦૦ રૂપિયાનો ફટકો

ગૂગલ પર રૅપિડોનો નંબર શોધવામાં ગુજરાતી મહિલાને પડ્યો ૫૦,૦૦૦ રૂપિયાનો ફટકો

Published : 19 May, 2026 09:04 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પિતા કૅબમાં ફોન ભૂલી આવ્યા હતા એટલે કંપનીનો કસ્ટમર કૅર નંબર શોધી રહ્યાં હતાં એમાં સાઇબર ગઠિયા ભટકાયા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પિતા કૅબમાં ફોન ભૂલી આવ્યા હતા એટલે કંપનીનો કસ્ટમર કૅર નંબર શોધી રહ્યાં હતાં એમાં સાઇબર ગઠિયા ભટકાયા, એમણે મોકલેલી લિન્ક પર ક્લિક કર્યું એમાં મોબાઇલ હૅક થઈ ગયો અને બૅન્કમાંથી પૈસા ઊપડી ગયા

દક્ષિણ મુંબઈમાં બ્રીચ કૅન્ડી નજીક રહેતાં ૪૧ વર્ષનાં ગુજરાતી મહિલા મોબાઇલ ફોન દ્વારા રૅપિડો કંપનીનો નંબર શોધવા ગયાં એમાં ૫૦,૦૦૦ રૂપિયા તેમના બૅન્ક-ખાતામાંથી ઊપડી ગયા હતા. આ મામલે ગામદેવી પોલીસે ગઈ કાલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પર્સનાલિટી ટ્રેઇનર મહિલાના પિતા ૧૩ એપ્રિલે પોતાનો મોબાઇલ ફોન રૅપિડો કૅબમાં ભૂલી ગયા હતા. પિતાને મદદ કરવા મહિલાએ ગૂગલ પર રૅપિડો કસ્ટમર કૅરનો નંબર સર્ચ કર્યો હતો. ત્યાંથી મળેલા એક નંબર પર સંપર્ક કરતાં સાઇબર ગઠિયાઓએ પોતાની જાળમાં ફસાવીને મહિલાના બૅન્કના ખાતામાંથી માત્ર થોડી જ મિનિટોમાં બે ટ્રાન્ઝૅક્શન દ્વારા કુલ ૫૦,૦૦૦ રૂપિયાની ઉઠાંતરી કરી હતી. આ કેસમાં પોલીસે ટ્રાન્સફર થયેલા પૈસા માટે વધુ તપાસ શરૂ કરી છે.



ગામદેવી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહિલાના પિતા મોબાઇલ ટૅક્સીમાં ભૂલી જતાં તેણે ગૂગલ પર કૅબ કંપની રૅપિડોનો નંબર ઑનલાઇન શોધ્યો હતો. ત્યારે સાઇબર ગઠિયાઓએ કસ્ટમર સપોર્ટના બહાને મહિલાના વૉટ્સઍપ પર customer support.apk નામની એક લિન્ક મોકલી હતી અને ટૅક્સી ટ્રૅક કરવાના નામે ૧૦ રૂપિયા મોકલવા જણાવ્યું હતું. મહિલાએ જેવું આ લિન્ક પર ક્લિક કર્યું કે તરત જ તેનો મોબાઇલ હૅક થઈ ગયો હતો અને થોડી વાર માટે હૅન્ગ થઈ ગયો હતો. શંકા જતાં મહિલાએ ફોન સ્વિચ્ડ-ઑફ કરીને ચાલુ કર્યો ત્યાં સુધીમાં તેના ખાતામાંથી પૈસા ડેબિટ થઈ ગયાના મેસેજ આવી ચૂક્યા હતા. મહિલાએ તાત્કાલિક સાઇબર હેલ્પલાઇન નંબર 1930 પર ઑનલાઇન ફરિયાદ નોંધાવી હતી. અમે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.’


Whatsapp-channel Whatsapp-channel

19 May, 2026 09:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK