Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ઇઅર-બડ નાખીને કાન સાફ કરવાથી ફાયદો નહીં પણ નુકસાન થાય છે

ઇઅર-બડ નાખીને કાન સાફ કરવાથી ફાયદો નહીં પણ નુકસાન થાય છે

Published : 27 November, 2026 08:39 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આપણી ઘણી આદતો આપણા માટે કેટલી હાનિકારક છે એ આપણે જાણતા નથી હોતા. ઇઅર-બડનો ઉપયોગ કાનની અંદરની સફાઈ માટે કરવો એ વૈજ્ઞાનિક દૃષ્ટિએ યોગ્ય માનવામાં આવતો નથી,

પ્રતીકાત્મક તસવીર

ડૉક્ટર ડાયરી

પ્રતીકાત્મક તસવીર


આપણી ઘણી આદતો આપણા માટે કેટલી હાનિકારક છે એ આપણે જાણતા નથી હોતા. ઇઅર-બડનો ઉપયોગ કાનની અંદરની સફાઈ માટે કરવો એ વૈજ્ઞાનિક દૃષ્ટિએ યોગ્ય માનવામાં આવતો નથી, કારણ કે આપણા કાનમાં કુદરતી રીતે સફાઈની વ્યવસ્થા હોય છે. કાનની નળીની ત્વચામાં આવેલી ખાસ ગ્રંથિઓ ‘સેરુમેન’ એટલે કે કાનનો મેલ બનાવે છે જે ધૂળ, બૅક્ટેરિયા અને સૂક્ષ્મ કણોને અંદર જતાં અટકાવે છે અને નળીની ત્વચાને ભેજયુક્ત તથા ઍસિડિક રાખીને ચેપ સામે રક્ષણ આપે છે. જ્યારે આપણે જડબાં હલાવીએ છીએ, ચાવીએ છીએ કે બોલીએ છીએ ત્યારે કાનની નળીની ત્વચા 
ધીમે-ધીમે બહારની તરફ ખસતી રહે છે અને જૂનો મેલ કુદરતી રીતે બહાર નીકળી જાય છે.
કાનની કનૅલના છેડે અત્યંત નાજુક કર્ણપટલ એટલે કે કાનનો પડદો આવેલો હોય છે. જ્યારે ઇઅર-બડ કાનની નળીમાં દાખલ કરવામાં આવે છે ત્યારે એ મેલને બહાર કાઢવાને બદલે ધક્કો મારીને વધુ ઊંડે, કર્ણપટલની નજીક ધકેલી દે છે. આનાથી મેલ સખત થઈને જામી જાય છે; જેનાથી કાન ભરાઈ જવો, સાંભળવામાં તકલીફ થવી, કાનમાં ગણગણાટ થવો કે દુખાવો થવો જેવી સમસ્યાઓ સર્જાય છે. વળી, ઇઅર-બડનો કપાસનો છેડો નળીમાં છૂટો પડીને અંદર રહી જવાની શક્યતા પણ રહે છે.
વૈજ્ઞાનિક રીતે બીજું મોટું જોખમ કર્ણપટલને સીધી ઈજા પહોંચવાનું છે. કર્ણપટલ ખૂબ જ પાતળો અને સંવેદનશીલ પડદો છે, જે ધ્વનિતરંગોથી કંપીને મધ્ય કાનનાં નાજુક હાડકાં સુધી અવાજ પહોંચાડે છે. અજાણતાં હાથ લપસે કે ઇઅર-બડ થોડું વધુ ઊંડે જાય તો કર્ણપટલમાં કાણું પડી શકે છે અથવા એ ફાટી શકે છે, જેનાથી તીવ્ર દુખાવો, લોહી નીકળવું, ચક્કર આવવાં અને સાંભળવાની ક્ષમતા ઘટવા જેવી ગંભીર અસરો થઈ શકે છે. તેથી જ સામાન્ય રીતે કાનની અંદર ઇઅર-બડ નાખવાનું ટાળવું અને માત્ર બહારના દેખાતા ભાગને જ કપડાથી લૂછવો સલાહભર્યું છે; જો મેલ જામી ગયો હોય કે તકલીફ જણાય તો ENT નિષ્ણાત કે ડૉક્ટરની સલાહ લેવી સૌથી યોગ્ય રહે છે.
બીજું એ કે મોટી ઉંમરમાં તો તમારે વધુ કાળજી લેવાની જરૂર છે. કાનમાં કોઈ પણ તકલીફ હોય ત્યારે ઘરે રાહ જોવા કરતાં તાત્કાલિક ડૉક્ટર પાસે જવું જ. જો તમને કઈ નહીં હોય તો ઠીક છે, પણ કંઈ પણ હોય તો તરત ખબર પડી જાય છે. માટે ઘરગથ્થુ ઉપચાર કરવાને બદલે ડૉક્ટર પાસે જઈને તમે 
નિદાન કરાવો તો સારું. બને કે ઇઅર-બડથી કંઈ ડૅમેજ થયું હોય તો એને ઠીક કરવા માટે તમને કદાચ મેડિકલ હેલ્પની જરૂર પડે. માટે ગફલતમાં ન રહો. 

- ડૉ. શીતલ રાડિયા


Whatsapp-channel Whatsapp-channel

27 November, 2026 08:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK