લોકલ ટ્રેનોમાં લોકોએ પશુઓની જેમ પ્રવાસ કરવો પડે છે એવી ટિપ્પણી બૉમ્બે હાઈ કોર્ટે કરી એ સંદર્ભમાં મુંબઈના ગુજરાતીઓ મુંબઈની લાઇફલાઇન સાથેના પોતાના પીડાદાયક અનુભવો શૅર કરે છે...
મુંબઈની લોકલ ટ્રેનમાંથી પડી જવાથી અથવા પાટા ક્રૉસ કરતી વખતે કે થાંભલા સાથે અથડાઈને થતા વિવિધ અકસ્માતમાં ૨૦૨૩માં ૨૫૯૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ સંદર્ભે રેલવે પગલાં લે એ માટે નોંધાયેલી જનહિતની એક અરજીની નોંધ લઈને બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ દેવેન્દ્ર ઉપાધ્યાય અને જસ્ટિસ અમિત બોરકરની બેન્ચે આ બાબતની દખલ લીધી છે. ચીફ જસ્ટિસ દેવેન્દ્ર ઉપાધ્યાયે કહ્યું હતું કે ‘મુંબઈગરાને પશુઓની જેમ જે રીતે પ્રવાસ કરવો પડે છે એ જોઈને શરમ આવે છે. આ વખતે અમે હવે રેલવેના જે ચીફ ઑફિસર હશે તેને આ માટે જવાબદાર ગણીશું. મુંબઈની હાલત બદતર છે. તમે એમ કહીને ફુલાઈ ન શકો કે અમે રોજ ૩૩ લાખ લોકોને પ્રવાસની સુવિધા આપીએ છીએ. તમે એમ પણ ન જ કહી શકો કે મુંબઈના લોકલના પ્રવાસીઓને જોતાં તમે સારું કામ કરી રહ્યા છો.’
આ જ સંદર્ભે કોર્ટમાં રજૂઆત કરતાં અરજદારના વકીલ રોહન શાહે કહ્યું હતું કે ‘મુંબઈમાં જેટલા લોકો રોજ ટ્રેન-અકસ્માતમાં મરે છે એના કરતાં ઓછા જવાનો સરહદ પર મરે છે. એથી લોકલમાં પ્રવાસ કરવો એ જંગ લડવા કરતાં જરા પણ ઊતરતું નથી.’
બૉમ્બે હાઈ કોર્ટે લીધેલી દખલ અને એણે રેલવેને ફટકારતી જે ટિપ્પણી કરી છે એ મુંબઈગરાઓની રોજની પીડા પર મલમ સમાન છે. ‘મિડ-ડે’એ મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનના કેટલાક પ્રવાસીઓ સાથે વાત કરીને તેમની પીડાને વાચા આપવાનો પ્રયાસ કર્યો છે.
29 June, 2024 11:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent