માટુંગાના ગુજરાતી પરિવારે વડીલોની સંભાળ માટે રાખેલો નોકર બાવીસ લાખ રૂપિયાના દાગીના લઈને રફુચક્કર
પ્રતીકાત્મક તસવીર
માટુંગાના ભાઉદાજી રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતા ૫૩ વર્ષના ગુજરાતી વેપારીના ઘરમાં કામ કરતો નોકર નીતિન જાધવ આશરે બાવીસ લાખ રૂપિયાના દાગીના લઈને રવિવારે રફુચક્કર થઈ ગયો હતો. આ મામલે માટુંગા પોલીસે નીતિન સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીએ નીતિનને ઘરના વડીલોની સંભાળ રાખવા માટે રાખ્યો હતો. દરમ્યાન વડીલોના બેડરૂમના વૉર્ડરોબમાં રહેલા દાગીનાની જાણકારી મળતાં નીતિન તમામ દાગીના પર હાથસફાઈ કરીને પલાયન થયો હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. નીતિને ચોરી કરી હોવાનું ઘરમાં લાગેલા ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાના ફુટેજમાં પણ જોવા મળ્યું હતું.
માટુંગા પોલીસ-સ્ટેશનનાં ઇન્સ્પેક્ટર નિકિતા નારળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ પરિવારે આશરે ૬ મહિના પહેલાં નીતિનને ઘરના બે વડીલોની સંભાળ રાખવા ફુલટાઇમ નોકરી પર રાખ્યો હતો. ત્યારથી તે બન્ને વડીલોની સંભાળ રાખવા સવારે ૮ વાગ્યે આવીને સાંજે પાછો ઘરે જતો હતો. એકાએક ૬ ડિસેમ્બરથી નીતિને કંઈ કહ્યા વગર નોકરી પર આવવાનું બંધ કરી દીધું હતું. ત્યારે પરિવારે અનેક વાર તેનો ફોન કરીને સંપર્ક કરવાની કોશિશ કરી હતી. જોકે તેનો સંપર્ક થયો નહોતો. ત્યારે પરિવારને શંકા આવતાં તેમણે વડીલના બેડરૂમના વૉર્ડરોબમાં રાખેલા દાગીનાની તપાસ કરતાં આશરે બાવીસ લાખ રૂપિયા દાગીના મળ્યા નહોતા. આ દાગીના નીતિને ચોરી કર્યા હોવાનો આરોપ કરીને આ ઘટનાની ફરિયાદ અમારી પાસે નોંધાવવામાં આવી છે. આ મામલે નીતિનને શોધવા માટે બે ટીમ કામ કરી રહી છે. તેની ધરપકડ થયા બાદ આગળની બધી માહિતી સામે આવશે.’


