ડ્રગ તૈયાર કરવા માટેની ૧૦૦ કરોડની માલમતા જપ્ત કરી- ANCના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૪ ઑક્ટોબરે પૅટ્રોલિંગ દરમ્યાન ૬ શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી
MBVV પોલીસે ડ્રગ મૅન્યુફૅક્ચરિંગ ફૅક્ટરીમાં દરોડો પાડ્યો હતો.
ડ્રગ્સની હેરફેર સામે મોટી સફળતા મેળવતાં મીરા-ભાઈંદર, વસઈ-વિરાર (MBVV) પોલીસના ઍન્ટિ-નાર્કોટિક્સ સેલ (ANC)એ રવિવારે રાજસ્થાનના ઝુંઝુનૂ જિલ્લામાં એક MD (મેફેડ્રોન) ડ્રગ-મૅન્યુફૅક્ચરિંગ ફૅક્ટરીમાં દરોડો પાડ્યો હતો. પ્રાથમિક માહિતીના આધારે વૉન્ટેડ આરોપી અનિલ સિહાગની ધરપકડ કરીને ફૅક્ટરીના પરિસરમાંથી MD ડ્રગ તૈયાર કરવા માટેનાં આશરે ૧૦૦ કરોડ રૂપિયાનાં રસાયણો અને સાધનો જપ્ત કરવામાં આવ્યાં હતાં. આ કાર્યવાહી કાશીગાવ પોલીસ-સ્ટેશનમાં નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાયકોટ્રૉપિક સબસ્ટન્સિસ (NDPS) ઍક્ટ હેઠળ નોંધાયેલા કેસમાં ચાલી રહેલી તપાસમાં કરવામાં આવી હતી. આ કેસમાં ડ્રગ-ટ્રાફિકિંગ નેટવર્ક અને એની આંતરરાજ્ય કડીઓને ઓળખવા માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
ANCના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૪ ઑક્ટોબરે પૅટ્રોલિંગ દરમ્યાન ૬ શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી એક કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. સતત તપાસ દરમ્યાન એક વૉન્ટેડ આરોપી રાજસ્થાનમાં હોવાની બાતમી મળતાં રવિવારે રાજસ્થાનના ઝુંઝુનૂમાં એક ડ્રગ-મૅન્યુફૅક્ચરિંગ યુનિટ પર દરોડો પાડવામાં આવ્યો હતો જ્યાંથી આરોપી અનિલની ધરપકડ કરવામાં આવી હતી. ફૅક્ટરીના પરિસરમાંથી લગભગ ૧૦ કિલો ડ્રગ્સ સાથે વિવિધ ડ્રગ્સ તૈયાર કરવા માટેનાં રસાયણો જપ્ત કરવામાં આવ્યાં હતાં. જપ્ત કરાયેલી સામગ્રીની કુલ કિંમત ૧૦૦ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.’


