Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સલામ છે આ સાસરિયાંને

સલામ છે આ સાસરિયાંને

Published : 07 December, 2025 05:54 AM | Modified : 07 December, 2025 09:02 AM | IST | Mumbai
Darshini Vashi

અમારે પુત્રવધૂ એટલે પુત્ર કરતાં પણ વધુ છે એવાં વાક્યો બોલનારા હજારો લોકો મળી જશે, પરંતુ વાસ્તવિક જીવનમાં એ વાક્યનું અમલ કરનારાને શોધવા જાઓ તો જવલ્લે જ મળે છે

મૂળ પેરન્ટ‍્સની સાથે સાસુ-સસરાએ પણ કંકોતરીમાં મમતાને દીકરી ગણાવી. વર-વધૂ મમતા અને વિનીત સાથે છાયા અને વસંત પાસડ (એકદમ જમણે) તથા આ લગ્નમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા વસંતભાઈના ખાસ મિત્રો (ડાબેથી) દીપક વિસરિયા અને કાન્તિલાલ મારુ.

મૂળ પેરન્ટ‍્સની સાથે સાસુ-સસરાએ પણ કંકોતરીમાં મમતાને દીકરી ગણાવી. વર-વધૂ મમતા અને વિનીત સાથે છાયા અને વસંત પાસડ (એકદમ જમણે) તથા આ લગ્નમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા વસંતભાઈના ખાસ મિત્રો (ડાબેથી) દીપક વિસરિયા અને કાન્તિલાલ મારુ.


૨૦૨૩માં પતિના અવસાન પછી મમતા પાસડ સાસુ-સસરા સાથે જ રહેતી હતી, તેમની સાથે જ રહેવા માગતી હતી: જોકે છાયા અને વસંત પાસડે પુત્રવધૂને ૬ મહિના સુધી સમજાવીને ફરી લગ્ન માટે માંડ-માંડ મનાવી, કંકોતરીમાં તેને પોતાની સુપુત્રી ગણાવીઃ  મમતા સાથે લગ્ન કરનારા વિનીત છાડવાનાં આ પ્રથમ જ મૅરેજ

અમારે પુત્રવધૂ એટલે પુત્ર કરતાં પણ વધુ છે એવાં વાક્યો બોલનારા હજારો લોકો મળી જશે, પરંતુ વાસ્તવિક જીવનમાં એ વાક્યનું અમલ કરનારાને શોધવા જાઓ તો જવલ્લે જ મળે છે. આવું જ જવલ્લે કહી શકાય એવું ઉદાહરણ નાલાસોપારામાં રહેતી કચ્છી ફૅમિલીમાં જોવા મળ્યું છે. વસંત પાસડ અને તેમનાં ધર્મપત્ની છાયા પાસડે તેમના એકના એક દીકરાના અવસાન બાદ પોતાના ભવિષ્યની પરવા કર્યા વિના પુત્રવધૂનાં ફરી લગ્ન કરાવીને સમાજમાં નવો દાખલો બેસાડ્યો છે.



નાલાસોપારામાં રહેતા વસંત પાસડે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘અમારે એક દીકરો અને દીકરી. દીકરી પરણીને સાસરે ચાલી ગઈ છે અને અમારો એકનો એક દીકરો જિગર હતો જેનું ૨૦૨૩માં હાર્ટ-અટૅકથી અવસાન થયું હતું. એના આઘાતમાંથી હજી અમે બહાર આવ્યા નથી અને છેલ્લે સુધી એમાંથી બહાર આવી શકવાના પણ નથી, પરંતુ અમારે હજી કેટલાં વર્ષ બાકી? જોકે જિગરની પત્ની અને મારી પુત્રવધૂ મમતાની તો આખી જિંદગી બાકી હતી એટલે અમે નક્કી કર્યું કે અમારો દીકરો તો ગયો, પણ એમાં પુત્રવધૂનો શું વાંક? તે શું કામ આખી જિંદગી વિધવા બનીને રહે? આજે અમે લોકો છીએ, તેનાં માતા-પિતા હયાત છે; પણ કાલ કોણે જોઈ છે? એટલે અમે નક્કી કર્યું કે અમે અમારી પુત્રવધૂના ફરી સારા ઘરે વિવાહ કરાવીશું. મમતાને બીજાં લગ્ન કરવા માટે મનાવતાં અમને વાર લાગી. તે ના જ પાડતી હતી કે મારે બીજાં લગ્ન નથી કરવાં, મારે તમારા લોકોની સાથે જ રહેવું છે, તમારું કોણ જોશે? અહીં સુધી કે મમતાને તેના પિયરના લોકો પણ કહેતા હતા કે તું પાછી પિયર આવી જા, પણ તેણે ચોખ્ખી ના પાડી દીધી હતી અને અમારી સાથે રહેવાનો નિર્ણય લીધો હતો. લગભગ ૬ મહિના સુધી અમે તેને સમજાવી ત્યારે તે બીજાં લગ્ન માટે તૈયાર થઈ. ભગવાનની મહેરબાનીથી અમને મમતાનાં ફરી લગ્ન કરવા માટે ખૂબ સુખી-સંપન્ન ઘર મળી ગયું. છોકરો પણ ખૂબ સમજદાર અને સંસ્કારી મળ્યો છે. મમતાનાં તો આ બીજાં લગ્ન હતાં, પરંતુ તે છોકરાનાં તો આ પ્રથમ જ લગ્ન હતાં. છતાં તેણે લગ્ન માટે સંમતિ આપી. મારા સાઢુભાઈની દીકરી હિનલ ગોસરે મમતાનાં લગ્નમાં મધ્યસ્થીની ભૂમિકા ખૂબ જ સરસ રીતે ભજવી. લગ્ન પણ ધૂમધામથી કરાવ્યાં. કંકોતરી છપાવી જેમાં મમતાને મારી પુત્રવધૂ તરીકે નહીં પરંતુ પુત્રી તરીકે ઓળખાવી. ટોચના જલપાન કેટરર્સનો જમણવાર રાખ્યો. આમ પાંચમી ડિસેમ્બરના શુભ દિવસે અમે અમારી કાસ્ટમાં જ અમારી વહુનાં બીજાં લગ્ન વિનીત છાડવા સાથે કરાવ્યાં. હવે હું અને મારી પત્ની ભલે ઘરમાં એકલાં રહી ગયાં છીએ; પરંતુ એક વાતનો સંતોષ રહેશે કે અમે અમારી પુત્રવધૂના જીવનમાં ફરી રંગ ભરી શક્યા, તેના વિખરાઈ ગયેલા માળાને ફરી પાછો ગૂંથી શક્યા.’ 

એક સ્ત્રી માટે બીજાં લગ્ન કરવાનો નિર્ણય લેવો ખૂબ કપરો હોય છે. જૂની યાદોમાંથી બહાર આવીને નવી દિશામાં આગળ વધવું ખૂબ જ હિંમત માગી લે છે. આમ છતાં આ મનોવ્યથાની આંતરિક લડાઈ જીતીને બીજાં લગ્ન કરનાર અને નવા દામ્પત્યજીવનમાં બે દિવસ પહેલાં જ શ્રીગણેશ કરનાર મમતા કહે છે, ‘હું શું કહું એ મને સમજાતું નથી. છેલ્લાં થોડાં વર્ષોમાં મારી લાઇફમાં એટલું બધું થઈ ગયું છે કે હું શું કહું. જિગર સાથે ૨૦૧૮માં મારાં લગ્ન થયાં અને પાંચ વર્ષ પછી જિગરનું અવસાન થયું. એક તરફ પતિના જવાનો વિયોગ, બીજી તરફ સાવ તૂટી ગયેલાં મારાં સાસુ-સસરા અને ત્રીજી તરફ વિધવા બન્યા બાદ મારી સાથે બહારની દુનિયામાં આડકતરી રીતે કરવામાં આવતું ઓરમાયું વર્તન. એટલે કે વિધવા હોય તેણે આ શુભ કામમાં ન આવવું, વિધવા હોય તે આ કામ ન કરી શકે, આ વિધિ કરી ન શકે વગેરે કહી-કહીને મને અંદરથી તોડી નાખી હતી. જાણે વિધવા હોવું એક ગુનો થઈ ગયો હતો. જોકે જિગરના પેરન્ટ્સ એટલે કે મારાં ભૂતપૂર્વ સાસુ-સસરા તેમ જ તેમના પરિવારે મને ખૂબ જ સહારો આપ્યો, ખૂબ જ સપોર્ટ કર્યો. મને એવું ક્યારેય લાગવા દીધું નહીં કે હું મારા સાસરે છું. હું તેમના કાસ્ટની નથી છતાં મારી સાથે ક્યારેય ઓરમાયું વર્તન તેમણે કર્યું નથી. એટલે જ મને તેમની ખૂબ ચિંતા સતાવતી હતી અને બીજાં લગ્ન કરવા માટે ના પાડી રહી હતી, પરંતુ તેમણે ખૂબ સમજાવી ત્યારે મેં લગ્ન માટે છોકરો જોવાની હા પાડી હતી. હિનલબહેને મને અને વિનીતને મળાવ્યાં. અમારી વચ્ચે મીટિંગો થઈ. અમે એકબીજાને ખુલ્લા દિલથી બધી વાતો કહી અને પછી બન્ને લગ્ન માટે સંમત થયાં. વિનીત જ નહીં, તેના પેરન્ટ્સ અને ફૅમિલીએ પણ મને ખુલ્લા દિલે સ્વીકારી લીધી છે.’


મમતા સાથે લગ્નની ગાંઠે બંધાયેલો વિનીત મીના કિશોર છાડવા કહે છે, ‘મારાં લગ્ન માટે પેરન્ટ્સ સારું પાત્ર શોધી રહ્યા હતા અને હું પણ એવી છોકરી સાથે લગ્ન કરવા માગતો હતો જેની સાથે મારું મન મળે તથા જે મારી અને મારી ફૅમિલીની સાથે ભળી જાય. મમતામાં મને એ બધા ગુણ દેખાયા. અમે એક-બે વખત મીટિંગ પણ ગોઠવી અને એકબીજાને સારી રીતે સમજી પણ ગયાં. જો તમને સારું અને યોગ્ય પાત્ર જોઈતું હોય તો એકાદ વસ્તુ જતી કરવી જોઈએ. મને મારી પસંદગી પર ગર્વ છે અને આજે હું અને મમતા પતિ-પત્ની બની ગયાં છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

07 December, 2025 09:02 AM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK